Get The App

ભારત અને નેપાળે એકબીજાની જમીન પર કબજો કર્યો છે : બાલેન શાહ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ભારત અને નેપાળે એકબીજાની જમીન પર કબજો કર્યો છે : બાલેન શાહ 1 - image


નેપાળના વડાપ્રધાનની ટિપ્પણીથી વિવાદ

બન્ને દેશ નિષ્ણાતોની મદદ લઈને જમીન વિવાદનો ઉકેલ લાવવા સહમત થયાનો દાવો

કાઠમંડુ: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે રવિવારે જણાવ્યું કે એમના દેશે ભારતીય પ્રદેશોમાં કરેલા 'દબાણ' વિષે પોતે વાકેફ છે.એમણે દીર્ઘકાલીન સરહદ વિવાદ વિષેના પ્રશ્નોના સંસદમાં જવાબ આપતા આમ જણાવીને ઉમેર્યું કે બંને દેશો પ્રશ્નના ઉકેલ માટે ઈતિહાસવિદો, સર્વેયરો અને નિષ્ણાતોની સહાય લેવા સંમત થયા છે. નેપાળે આ બાબતે ચીન તથા ઈંગ્લેન્ડ સાથે પણ રાજદ્વારી ચર્ચા કરી છે. 

નેપાળ અને ભારત વચ્ચે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા અંગે જૂનો સરહદી વિવાદ ચાલે છે. 

બંને દેશો ઉપરોક્ત વિસ્તારોને પોતાના ગણાવે છે. 

ભારતના મતે  આ પ્રદેશો ઉત્તરાખંડનો ભાગ છે અને દ્વિપક્ષી ચર્ચા મારફતે વિવાદ ઉકેલવો જોઈએ.

''નેપાળ સરકારે ભારતને સત્તાવારપણે રાજદ્વારી નોંધ મોકલી છે, જેમાં લિપુલેખ સહિતના કેટલાક પ્રદેશોમાં થયેલા દબાણનો ઉલ્લેખ છે.  આપણને ભારતે પ્રતિભાવ પણ આપ્યો છ,ે''એમ શાહે અત્રે સંસદમાં જણાવ્યું. ''બંને રાષ્ટ્રોએ રાજદ્વારી સાધનો દ્વારા ઈતિહાસવિદો, સર્વેયરો અને સંબંધિત નિષ્ણાતોની મદદથી, સાથે બેસીને વિવાદને ઉકેલવા માટે સંમતિ દર્શાવી છે''. વળી, ફક્ત ભારતે જ નેપાળની જમીન 'દબાવી'  છે એવુ નથી,  પરંતુ નેપાળે પણ ભારતમાં એ જ કામ કર્યું છે, એમ શાહે ઉમેર્યું. 

બંને દેશોએ હકીકતોનો અભ્યાસ કરીને, મિત્રો તરીકે સાથે બેસીને વિવાદની ગૂંચને ઉકેલી નાખવી જોઈએ એવો આશાવાદ નેપાળી વડાપ્રધાને વ્યક્ત કર્યો.

કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નામના આ સ્થળો ભારત, તિબેટ અને નેપાળના ત્રિભેટે આવેલા છે. આથી નેપાળે આ વિવાદ અંગે ચીન સાથે, જ્યારે અંગ્રેજોએ ભારત છોડયું ત્યારથી આ પ્રશ્ન ઊભો થયેલો હોવાથી નેપાળે ઈંગ્લેન્ડ સાથે પણ એ વિષે ચર્ચા કરી છે.

 નેપાળે અનેક સ્થળે ભારતનો પ્રદેશ દબાવ્યો હોવાની શાહની ટિપ્પણીઓએ વિવાદ સર્જ્યો છે. અનેક નેપાળી સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓએ એમના વડાપ્રધાનના વિધાનની ટીકા કરી છે, જ્યારે નિષ્ણાતોએ એને ફગાવી દીધી છે.

આ અગ્રણીઓમાં ભારત ખાતેના પૂર્વ નેપાળી રાજદૂતો નીલામ્બર આચાર્ય અને દીપકુમાર ઉપાધ્યાય , જયારે નેપાળ-ભારત સરહદના નિષ્ણાત તથા જાણીતા ભૂગોળવિદ્ બુધ્ધિનારાયણ શ્રેષ્ઠાનો સમાવેશ થાય છે.