જો ન્યુક્લિયર યુદ્ધ થયું તો પાકિસ્તાન પહેલા પરમાણુ બોમ્બ ફેંકશે!, મૂળ ચાઇનીઝ નિષ્ણાતનો મોટો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Could Use Nuclear Weapons First: ચીનમાં જન્મેલા કેનેડિયન પ્રોફેસર જિયાંગ શુએચિન (Jiang Xueqin) તેમની સિદ્ધાંત-આધારિત આગાહીઓ માટે જાણીતા છે. પ્રોફેસર જિયાંગે તાજેતરમાં જણાવ્યું છે કે, જો કોઈ ભવિષ્યના સંઘર્ષમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થાય, તો પાકિસ્તાન એવો પહેલો દેશ બની શકે છે, જે સૌપ્રથમ પરમાણુ હુમલો કરે.
પરમાણુ યુદ્ધની શક્યતા ઓછી, પરંતુ જો થાય તો પાકિસ્તાન કેમ?
એક પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે પ્રોફેસર જિયાંગે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ માનવજાતના જીવનકાળમાં પરમાણુ યુદ્ધ થવાની શક્યતા શૂન્ય ટકા માને છે, કારણ કે વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગ સામે સાર્વત્રિક પ્રતિબંધ અને ભય છે. પરંતુ તેમણે એક ગંભીર શરત મૂકતાં કહ્યું કે, 'જો મારે અંદાજ લગાવવો જ પડે કે, કયો દેશ સૌથી પહેલા ન્યુક્સ(પરમાણુ બોમ્બ)નો ઉપયોગ કરશે, તો તે ભારત કે પાકિસ્તાનમાંથી હોઈ શકે છે, અને તેમાં પણ વધુ શક્યતા પાકિસ્તાનની છે.'
તેમના જણાવ્યા મુજબ આનું મુખ્ય કારણ પાકિસ્તાનની પરમાણુ યુદ્ધ લડવાની ઇચ્છા નથી, પરંતુ તેની નબળાઈઓ છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતો એક અત્યંત નબળો, અસંગઠિત અને ભ્રષ્ટ દેશ છે. કટોકટીના સમયે પોતાની જાતને રોકવા માટે તેની પાસે કદાચ યોગ્ય નિયંત્રણ પ્રણાલીઓ (Control Systems) પણ નથી.
ભારત કેમ પરમાણુ શસ્ત્રોનો પ્રથમ ઉપયોગ નહીં કરે?
પ્રોફેસર જિયાંગના વિશ્લેષણ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થાય તો, બંને દેશોની પરમાણુ નીતિઓ સંપૂર્ણપણે અલગ છે.
ભારતની નો-ફર્સ્ટ-યૂઝ (No First Use) નીતિ: ભારતની જાહેર કરેલી નીતિ છે કે, તે સામેથી ક્યારેય પહેલા પરમાણુ હુમલો નહીં કરે.
પાકિસ્તાનની વ્યૂહાત્મક અસ્પષ્ટતા: પાકિસ્તાને 'નો ફર્સ્ટ યૂઝ' નીતિ અપનાવી નથી. તે પોતાના પરમાણુ શસ્ત્રોને ભારતની વિશાળ પરંપરાગત સૈન્ય ક્ષમતા (Conventional Military Advantage) સામે બચાવનું સાધન માને છે.
જિયાંગે ઉમેર્યું કે, 'ઇસ્લામાબાદ સામે જીતવા કે ટકી રહેવા માટે ભારતને પરમાણુ શસ્ત્રો વાપરવાની જરૂર નથી, જ્યારે પાકિસ્તાનને ભારત સામે અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ કરવો પડી શકે છે.' સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(SIPRI)ના ડેટા અનુસાર, ભારત પાસે 190 પરમાણુ વોરહેડ્સ છે, જ્યારે પાકિસ્તાન પાસે આશરે 170 પરમાણુ વોરહેડ્સ છે.
પાકિસ્તાની નેતાઓની પરમાણુ ધમકીઓનો ઇતિહાસ
પાકિસ્તાન પોતાની સૈન્ય નબળાઈઓને છુપાવવા માટે દાયકાઓથી પરમાણુ ધમકીઓ આપતું આવ્યું છે.
2002માં પરવેઝ મુશર્રફે કારગિલ યુદ્ધ પછી ધમકી આપી હતી કે, જો દેશના અસ્તિત્વ પર ખતરો આવશે તો તેઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.
2019માં ઇમરાન ખાને પુલવામા હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પરમાણુ સંઘર્ષની ચેતવણી આપી હતી.
મે 2025માં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પણ દેશના અસ્તિત્વ પર સીધો ખતરો આવે તો પરમાણુ વિકલ્પ ખુલ્લો હોવાની વાત કરી હતી.
આસિમ મુનીરના નિવેદને જિયાંગની આગાહીને સમર્થન આપ્યું
સૌથી ચિંતાજનક નિવેદન ઑગસ્ટ 2025માં પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર તરફથી આવ્યું હતું. ફ્લોરિડામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'અમે એક પરમાણુ રાષ્ટ્ર છીએ. જો અમને લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ, તો અમે અમારી સાથે અડધી દુનિયાને પણ લેતા ડૂબીશું.'
આ વલણ દર્શાવે છે કે, જો ક્યારેય પરંપરાગત યુદ્ધ એવા તબક્કે પહોંચે જ્યાં પાકિસ્તાની નેતૃત્વને લાગે કે, તેમનું અસ્તિત્વ ખતરામાં છે, તો પરમાણુ શસ્ત્ર માત્ર રોકથામનું સાધન મટીને તેમના માટે છેલ્લો બચાવનો રસ્તો બની જાય છે.









