Get The App

ઈરાન-અમેરિકા યુદ્ધ થશે તો દુનિયા ઉપર છ પ્રકારનાં સંકટો ઉતરી આવશે

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન-અમેરિકા યુદ્ધ થશે તો દુનિયા ઉપર છ પ્રકારનાં સંકટો ઉતરી આવશે 1 - image

- મોંઘવારી બેકાબુ બની જશે : વૈશ્વિક મંદી આવશે

- અમેરિકાની મહેતલ પછી બજાર તેમજ કૂટનીતિમાં ભારે હલચલ દુનિયા ઉપર ખતરાની ઘંટડી : પહેલી અસર પેટ્રોલ-ડીઝલનાં ભાવ પર થશે

નવી દિલ્હી : ઈરાન-અમેરિકા વચ્ચે વધતો તણાવ હવે દુનિયા માટે ખતરાની ઘંટી બની રહ્યો છે. અમેરિકાએ આપેલી ૧૦ દિવસની મહેતલે વૈશ્વિક બજાર અને રાજનીતિમાં હલચલ ઊભી કરી દીધી છે. આ સંભવિત યુદ્ધની દુનિયા ઉપર શી અસર થઈ શકે તે જોઈએ.

આ યુદ્ધની સૌથી પહેલી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉપર પડશે. ઈરાન, દુનિયાનો સૌથી મહત્વનો 'તેલમાર્ગ' જે હોર્મઝ-સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે, તે સ્ટ્રેઈટસ જ ઈરાન બંધ કરી દઈ શકે. આ સ્ટ્રેઈટસમાંથી જ દુનિયાનો ૨૫ ટકા તેલનો જથ્થો અને ૨૦ ટકા ગેસ પસાર થાય છે. વાત સીધી છે. બંનેના ભાવ ઉંચા જાય જ. તે આસમાનને સ્પર્શી શકે. સમગ્ર દુનિયા માટે 'ઉર્જા સંકટ' ઊભું થઈ શકે. ભારત જેવા દેશો જે પોતાની તેલ-ગેસની જરૂરિયાત ઈરાનમાંથી આયાત કરી પૂરી કરે છે, તેને માટે તો સંકટ જ ઉભું થઈ જશે. તેનો બોજો સામાન્ય માનવીનાં ખિસ્સાં પર પડે જ. મોંઘવારી બેકાબૂ બની જશે.

યુદ્ધને લીધે માત્ર તેલ જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાની અર્થ વ્યવસ્થા પાટા ઉપરથી ઉતરી જવાની ભીતિ છે. શેર બજારમાં ભારે ગીરાવટ આવશે. રોકાણકારોનો વિશ્વાસ તૂટી જશે. તેલની કિંમત વધતાં મેન્યુફેકચરિંગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જશે. તેથી દરેક નાની-મોટી ચીજો મોંઘી થશે.

ઉલ્લેખનીય તો તે છે કે, દુનિયાની કેટલીયે મોટી બેન્કો તથા નાણાંકીય સંસ્થાઓએ ચેતવણી આપી છે કે, આ યુદ્ધથી વૈશ્વિક મંદીની શરૂઆત થઈ શકે તેમ છે. તેથી નોકરીઓમાં કાપ આવે અને આર્થિક વિકાસ અટકી જઈ શકે, તેમાંથી બહાર આવતાં વર્ષો વીતિ જઈ શકે તેમ છે.

સહજ છે કે જો અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટી નીકળે તો તે માત્ર બે દેશો પૂરતું મર્યાદિત નહીં જ રહે, પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વને આવરી લેશે. તેલ પર તરતું મધ્ય-પૂર્વ આગમાં હોમાઈ જશે. ઈરાક, સીરીયા અને લેબેનોન જેવા પાડોશી દેશો પણ આ યુદ્ધનો અખાડો બની જશે. પ્રચંડ બોમ્બવર્ષાને લીધે લાખ્ખો લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બનશે તેથી નવું શરણાર્થી સંકટ ઉભું થશે. લોકો સહાય માટે અન્ય પાડોશી દેશો અને યુરોપ તરફ જશે. તેના પરિણામે તે દેશોની સામાજિક અને આર્થિક વ્યવસ્થા ઉપર પણ ભારે દબાણ પડશે. માનવીય દ્રષ્ટિકોણથી તે સૌથી ગંભીર સ્થિતિ હશે.

પરમાણુ શસ્ત્રોની દોડ

આ યુદ્ધથી પરમાણુ શસ્ત્રોની દોડ વધશે. ઈરાનને લાગે કે તેની સત્તા ખતરામાં છે તો તે પરમાણુ કાર્યક્રમ ઝડપી બનાવશે સાથે સઉદી અરબ અને તૂર્કી પણ પરમાણુ શસ્ત્રની દોડમાં જોડાશે. તેથી દુનિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો વધી જશે.

આ ઉપરાંત સાઈબર હુમલાઓ વધી શકે. તેમજ સમુદ્રીય વ્યાપાર ઉપર સીધી અસર થશે. માલવાહક જહાજો માટે ટૂંકો જળમાર્ગ બંધ થઈ જશે, સ્ટીમરોને લાંબા રૂટથી જવું પડશે, તેથી વળી માલની કિંમત વધી જશે. હવાઈ યાતાયાત ઉપર પણ અસર થશે. દુનિયાના દરેક ખૂણામાં આ યુદ્ધની અસર થઈ શકે તેમ છે.