World

'હુમલા બંધ નહીં થાય તો આર-પારનો જંગ શરૂ થશે...', ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ, દુનિયાના શ્વાસ અધ્ધર

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને અમેરિકાના સતત હવાઈ હુમલાઓ સામે 'આર-પાર'ના જંગની જાહેરાત કરી છે. સુપ્રીમ લીડરના સલાહકાર મોહસીન રેઝાઈએ ચેતવણી આપી કે જો અમેરિકા સૈન્ય કાર્યવાહી નહીં રોકે, તો ઈરાન મોટા પાયે આક્રમક ઓપરેશન શરૂ કરશે. ઈરાને જોર્ડન અને ખાડીના સાથી દેશો પર મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં 2 અમેરિકી સૈનિકોના મોત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

'હુમલા બંધ નહીં થાય તો આર-પારનો જંગ શરૂ થશે...', ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ, દુનિયાના શ્વાસ અધ્ધર

Iran-US Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ લશ્કરી તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા સતત હવાઈ હુમલાઓ સામે ઈરાને અત્યંત આક્રમક વલણ અપનાવતા 'આર-પાર'ના જંગની જાહેરાત કરી દીધી છે, જેને પગલે વૈશ્વિક સ્તરે ચિંતાના વાદળો ઘેરાયા છે.

સુપ્રીમ લીડરના સલાહકારની સીધી ધમકી

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના ટોચના લશ્કરી સલાહકાર અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના પૂર્વ મુખ્ય કમાન્ડર મોહસીન રેઝાઈએ અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાનના સરકારી ટેલિવિઝન પર લાઈવ આવીને રેઝાઈએ જણાવ્યું કે 'જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરે, તો ઈરાન પોતાનું રક્ષણાત્મક વલણ છોડીને મોટા પાયે આક્રમક લશ્કરી ઓપરેશન (Full-Scale Offensive Operations) શરૂ કરશે.'

જોર્ડન અને ગલ્ફ સાથીઓ પર ભીષણ હુમલા

વૈશ્વિક સ્તરે થયેલા યુદ્ધવિરામનો ભંગ થયાના બરાબર એક અઠવાડિયા બાદ ઈરાને શનિવારે વોશિંગ્ટનના ખાડી સાથી દેશો અને જોર્ડન પર મિસાઈલો તથા ડ્રોન વડે હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. જોર્ડનમાં થયેલા આ મિસાઈલ હુમલામાં બે અમેરિકી સૈનિકોના મોત થયા હોવાના પણ અહેવાલ છે, જેનાથી સ્થિતિ વધુ વણસી છે.

જાનમાલનું મોટું નુકસાન: ઈરાનનો દાવો

ઈરાનના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન ઈરાની લશ્કરી થાણાઓ પર અમેરિકાએ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 500 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મહાયુદ્ધ અને ઓઈલ કટોકટીનો ભય

લશ્કરી નિષ્ણાતોના મતે મોહસેન રેઝાઈના આ નિવેદનનો સંકેત સ્પષ્ટ છે કે ઈરાન હવે મિડલ ઈસ્ટમાં આવેલા તમામ યુએસ સૈન્ય બેઝ, યુદ્ધ જહાજો અને અમેરિકાના મિત્ર દેશો (જેવા કે ઇઝરાયલ, જોર્ડન અને ગલ્ફ કન્ટ્રીઝ) પર એકસાથે પોતાની ઘાતક બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે મોટો મહા-પલટવાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ભીષણ સૈન્ય તણાવને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જવાનો અને વૈશ્વિક આર્થિક કટોકટી આવવાનો ગંભીર ભય ઉભો થયો છે.