World

મિસ્ટર સિંહ રસ્તા પરથી નહીં હટો તો કાઢી મૂકીશું : ટ્રમ્પ સરકાર

By GS Team
11 Sep 20264 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: અમેરિકામાં BRICS સંમેલન વચ્ચે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે ભારતીય ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવતી AI જાહેરાત કરી છે. જેમાં 'મિસ્ટર સિંહ અમારા રસ્તા પરથી હટી જાઓ' જેવા રંગભેદી શબ્દોનો ઉપયોગ થતા ભારતીયોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ટ્રમ્પ સરકારની આ જાહેરાતની ભારતીય મૂળના સંગઠનોએ આકરી ટીકા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિસ્ટર સિંહ રસ્તા પરથી નહીં હટો તો કાઢી મૂકીશું : ટ્રમ્પ સરકાર
  • બ્રિક્સ સંમેલન સમયે જ ભારતીયો વિરોધી રંગભેદી એઆઈ જાહેરાતથી આક્રોશ
  • અમેરિકામાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવાતા હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની આકરી ટીકા થઈ

વોશિંગટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં સત્તા પર આવ્યા ત્યારથી તેમણે ભારત વિરોધી નીતિ અપનાવી છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સથી લઈને કાયદેસરના ગ્રીન કાર્ડ, એચ-૧બી વિઝામાં ભારત વિરોધી નિર્ણયો કર્યા છે. હવે ભારતમાં બ્રિક્સ બેઠકનું આયોજન થઈ રહ્યું છે તેવા સમયે જ ટ્રમ્પનો ભારત વિરોધ ખુલીને સામે આવ્યો છે.
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે ઈમિગ્રન્ટ્સ વિરોધી એક એઆઈ જાહેરાતમાં લખ્યું છે, 'મિ. સિંહ અમારા રસ્તા પરથી હટી જાઓ નહીં તો કાઢી મૂકીશું.' હોમલેન્ડ વિભાગની આ રંગભેદી એઆઈ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અમેરિકાથી લઈને ભારતમાં આ જાહેરાત સામે ભારતીયોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ટ્રમ્પ સરકારના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની ઈમિગ્રેશન લાગુ કરતી એઆઈ જાહેરાતમાં હોલિવૂડ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સની પેરોડી કરાઈ છે. આ એઆઈ જાહેરાતના પોસ્ટરમાં એક રોબોટને માથા પર કપડું બાંધેલા 'ભારતીય શીખ'નો સામનો કરતા દર્શાવાયો છે, જેમાં ભારતીય મૂળના યુવાનને 'મિસ્ટર સિંહ' કહેવાયો છે.
હોમલેન્ડ સિક્યોરિટીના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલી આ ડિજિટલ જાહેરાતમાં 'ટ્રાન્સફોર્મર્સ' ફ્રેન્ચાઈઝીના મુખ્ય પાત્ર 'ઓપ્ટિમસ પ્રાઈમ'ને ડીએચએસના આર્મ પેચ પહેરેલા દર્શાવાયા છે. તે ભૂરી દાઢીવાળા માણસનો સામનો કરતા કહે છે, 'અમારા રસ્તા પરથી હટી જાઓ, તમને ગાડી ચલાવતા નથી આવડતું, મિસ્ટર સિંહ.'
હોમલેન્ડ સિક્યોરિટીની આ જાહેરાત ટ્રમ્પ સરકારના ગેરકાયદે વસાહતીઓને પોતાની મરજીથી દેશ છોડવા માટે પ્રોત્સાહિત કરવાના અભિયાનનો મહત્વનો ભાગ છે. આ અભિયાનનો પ્રચાર 'સેલ્ફ ડિપોર્ટ ઓર ફાઈન્ડ આઉટ' એટલે કે 'જાતે દેશ છોડો અથવા કાઢી મૂકીશું'ના આક્રમક સૂત્ર સાથે કરાઈ રહ્યો છે. આ જાહેરાતમાં 'મિસ્ટર સિંહ' નામથી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવાયા છે.
હોમલેન્ડ સિક્યોરિટીની એઆઈ જાહેરાતની વીડિયો ક્લિપમાં ટ્રાન્સફોર્મર્સ ફ્રેન્ચાઈઝીના મુખ્ય વિલન મેગાટ્રોન એલિયન્સની મુક્તિ માટે વાતચીત કરતો દર્શાવાયો છે. ટ્રમ્પ સરકાર વિદેશી નાગરિકો માટે 'એલિયન્સ' શબ્દનો ઉપયોગ કરે છે. મેગાટ્રોનને ટ્રક ડ્રાઈવરો હરજિંદર સિંહ, રાજિંદર કુમાર, બેકજાન બેશેકીવ, અખરોર બોજોરોવ અને જસવીર સિંહની મુક્તિની માગ કરતા દર્શાવાયો છે. હોમલેન્ડ સિક્યોરિટીએ આ જાહેરાતને તેના માર્ગ અકસ્માત અને અન્ય ગૂનાઓ સાથે જોડાયેલા તેના અભિયાનનો ભાગ ગણાવી.
ટ્રમ્પ સરકારે આ જાહેરાત મારફત ભારતીય મૂળના લોકોને નિશાન બનાવતા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને શિખ કોઅલિશન જેવા સંગઠનોએ આકરી ટીકા કરી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને લખ્યું, 'સિંહ' હિન્દુ હોય છે, શિખ હોય છે, અમેરિકન હોય છે અને તેઓ ગાડી ચલાવે છે. આ રંગભેદી, ભારત વિરોધી પ્રોફાઈલિંગથી અમેરિકાના સામૂહિક અંતરાત્માને ઝટકો લાગવો જોઈએ. ભારતમાં પણ આ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

ભારતની જેમ હવે અમેરિકામાં રેવડી કલ્ચર, ટ્રમ્પનું એલાન
મારો પક્ષ મિડ ટર્મ ચૂંટણી જીતશે તો દરેકને 5,000 ડોલરનું ડિવિડન્ડ ! : ટ્રમ્પ
ચૂકવણી કઈ રીતે અમલમાં લવાશે, કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે કે નહીં તેના અંગેની સ્પષ્ટતાનો અભાવ

વોશિંગ્ટન : ભારતની જેમ હવે અમેરિકામાં પણ રેવડી કલ્ચર જોવા મળવા લાગ્યુ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય રાજકારણીઓની જેમ જ મિડ ટર્મ ચૂટણી જીતવા નવો જ જુગાર ખેલ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જો હું મિડ ટર્મ ચૂંટણી જીત્યો તો દરેક અમેરિકનને પાંચ હજાર ડોલર મળશે. વિકસિત દેશોમાં સામાન્ય રીતે આ પ્રકારનું રેવડી કલ્ચર જોવા મળતું નથી, પરંતુ ટ્રમ્પ બધામાં અપવાદ બની રહ્યા છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જો રિપબ્લિકન પાર્ટી હાઉસ અને સેનેટ બંનેમાં તેનો અંકુશ જાળવી રાખે છે તો દરેક અમેરિકન નાગરિકને પાંચ હજાર ડોલર આપવામાં આવશે. ટ્રમ્પે બુધવારે ડલાસમાં આયોજિત આરએનસીના મિડ ટર્મ કન્વેન્શનમાં ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે જો રિપબ્લિકન જીતે છે તો તમે પણ અમારી સાથે જીતશો અને તમને પાંચ હજાર ડિવિડન્ડ મળશે. તેમણે આ સંભવિત ચૂકવણીને ટ્રમ્પ ડિવિડન્ડ નામ આપ્યું છે.
ટ્રમ્પે આ જાહેરાત સાથે તે સ્પષ્ટ કર્યું નથી કે આ ચૂકવણીને કઈ રીતે અમલમાં લાવવામાં આવશે. તેના માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે કે નહીં. ટ્રમ્પ આ પહેલા પણ અમેરિકન નાગરિકોને સરકારી ચૂકવણીનો વિચાર મૂકી ચૂક્યા છે. ગયા વર્ષે તેમણે ટેરિફમાંથી મળનારી રકમના પગલે દરેક અમેરિકનને બે હજાર ડોલર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે પાંચ હજાર ડોલરની ચૂકવણી અમેરિકાની જબરદસ્ત આર્થિક સફળતાનું પરિણામ હશે. તેમણે સંકેત આપ્યો કે તેને આંશિક રીતે વિદેશી વસ્તુઓ પર લગાવવામાં આવેલા વહીવટીતંત્રના ટેરિફમાંથી મળતી આવકમાંથી આપવામાં આવી શકે છે. બિપાર્ટિસન પોલિસી સેન્ટર મુજબ અમેરિકાએ ગયા વર્ષના પ્રારંભથી અત્યાર સુધી ટેરિફ અને એકસાઇઝમાં લગભગ ૫૦૦ અબજ ડોલરનું સરકારી ભંડોળ ખર્ચ્યુ છે. જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે આ વર્ષના પ્રારંભથી અત્યાર સુધી ૧૦૦ અબજ ડોલરથી વધુની રકમ રિફંડ કરવામાં આવી ચૂકી છે, જેમા વહીવટીતંત્રએ કેટલાય ટેરિફને ફગાવી દીધા હતા.
અમેરિકાના લગભગ ૨૫ કરોડ પુખ્ત નાગરિકોને પાંચ હજાર ડોલર ચૂકવવા બદલ કુલ એક લાખ કરોડ અમેરિકન ડોલરથી પણ વધુ ખર્ચ આવી શકે છે. જો કે ટ્રમ્પે આ યોજના સાથે સંકળાયેલા નાણાકીય માળખા અને તેના માટે ક્વોલિફાઇડ કોણ થશે તેની જાણકારી આપી નથી. અમેરિકામાં આ રીતે મોટાપાયા પર લોકોને સરકારી ચૂકવણી કરવી નવી વાત નથી. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોંગ્રેસે કોવિડ-૧૯થી અસર પામેલા અર્થતંત્રને ટેકો પૂરો પાડવા તે સમયના ટ્રમ્પ અને બાઇડેન તંત્રએ અમેરિકન કુટુંબોને કેટલાય તબક્કામાં રાહત પૂરી પાડવા મંજૂરી આપી હતી.
ટ્રમ્પે આ એલાન તેવા સમયે કર્યુ છે જ્યારે તે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા રિપબ્લિકન મતદારોને સંગઠિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં નબળી સ્થિતિ ધરાવતા અમેરિકન ઉમેદવારોન પ્રચાર કરવા વચન આપ્યું. મતદારોને નવેમ્બરની ચૂંટણીને પોતાના પ્રમુખપદના કાર્યકાળ પર જનમત સંગ્રહ તરીકે જોવા તરીકે અપીલ કરી.