AI Summit and IMF Chief News : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં નવા યુગની શરૂઆત થશે અને વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળશે. ભારત એઆઈની મદદથી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકશે, પરંતુ એઆઈથી ભારતમાં લાખો નોકરીઓ પર સંકટ ઊભું થશે. પ્રત્યેક ૧૦માંથી ચાર નોકરી જવાનું જોખમ રહેશે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ ઈન્ડિયા એઆઈ સમિટમાં જણાવ્યું હતું. બીજીબાજુ ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું કે, રોબોટ જેવા કેટલાક ક્ષેત્રોમાં ચીન ઘણું આગળ છે, પરંતુ એઆઈમાં ભારતનો વિકાસ શાનદાર રહ્યો છે. એઆઈની લોકતાંત્રિક આવૃત્તિની શક્ય છે, જેનાથી આર્થિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ શકે છે.
નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએ)નાં ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્ર માટે એઆઈ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એઆઈના સતત વધતા ઉપયોગથી વૈશ્વિક વૃદ્ધિને 0.8 ટકા સુધી વધારી શકે છે, જેની સકારાત્મક અસર ભારત પર પડશે. એઆઈની મદદથી મોદી સરકારનું વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નું સપનું સાકાર થઈ શકે છે. ભારતનું 30 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય પણ હાંસલ થઈ શકે છે.
તેમણે ઉમેર્યું કે, તિવ્ર આર્થિક વૃદ્ધિનો અર્થ છે વધુ તકો અને રોજગાર સર્જન. એઆઈ ક્ષમતા વધારીને કંપનીઓની ઉત્પાદક્તામાં સુધારો લાવી શકે છે, જેનાથી આવક અને રોકાણ બંનેમાં વધારો શક્ય છે. જોકે, તેમણે ચેતવણી પણ આપી કે એઆઈની અસર શ્રમ બજાર પર ગંભીર હોઈ શકે છે.
આઈએમએફના અંદાજ મુજબ દુનિયામાં 40 ટકા નોકરીઓ પર એઆઈનું જોખમ તોળાઈ રહ્યું છે. વિકાસશીલ બજારોમાં આ આંકડો 40 ટકા અને વિકસિત દેશોમાં 60 ટકા સુધી પહોંચી શકે છે. એટલે કે એઆઈથી આર્થિક વૃદ્ધિ તો થશે, પરંતુ નોકરીઓ પર મોટું જોખમ રહેશે. એકંદરે એઆઈ વૈશ્વિક અને ભારતીય અર્થતંત્ર માટે મોટી તકો લઈને આવ્યું છે, પરંતુ તેની સાથે રોજગાર માળખામાં મોટા પરિવર્તન પણ પડકારજનક છે. આથી નીતિ ઘડનારાઓએ સંતુલિત રણનીતિ બનાવવી હવે પહેલા કરતાં વધુ જરૂરી થઈ ગયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત ખુશનસીબ છે કે તેમની સરકારે પબ્લિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. આંત્રપ્રિન્યોરશિપના અવરોધોને દૂર કરીને અને તમારી પાસે એઆઈને અપનાવનારી યુવાન, એનર્જેટિક, ઈનોવેટિવ વસતી છે. એઆઈ સાથે સંકળાયેલી એક નોકરી કુલ મળીને ૧.૩ નોકરીઓ પેદા કરે છે.
દરમિયાન ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એઆઈના ભવિષ્યનું માળખું ખેંચ્યું છે. તેમણે કહ્યું, એઆઈએ એક વર્ષ જેટલા થોડા સમયમાં જ હાઈસ્કૂલના ગણિતથી લઈને રિસર્ચ સ્તરના ગણિત અને ફિઝિક્સના નવા પ્રશ્નોને ઉકલેવા સુધીનો પ્રવાસ ખેડયો છે. ભારત કોડેક્સ માટે સૌથી ઝડપથી વધતું બજાર છે. ભારત એઆઈનું ગ્રાહક હોવાથી આગળ વધીને હવે નિર્માણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ઊર્જા દાખવી રહ્યું છે. એઆઈનો ભારતીય આઈટી પર મોટો પ્રભાવ પડશે.
જોકે, ઓલ્ટમેને એઆઈની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ અને સૌર ઊર્જા તરફ આગળ વધવાની ભલામણ કરી હતી. તેમણે અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાને મૂર્ખામી ગણાવી. તેની સાથે જ તેમણે કહ્યું કે, એઆઈ કેટલાક બાળકોને ઓછા બુદ્ધિમાન બનાવે છે. તેમનું માનવું છે કે ચીન અંગે અસલી ડર ઈન્ટરનેટ પર એક નવા પ્રકારના યુદ્ધનો છે.


