World

ટ્રમ્પની '1000 મિસાઈલ'ની ધમકી બાદ ઈરાનમાં જોરદાર બ્લાસ્ટ: તેહરાન ધ્રુજ્યું, ફરી યુદ્ધના ભણકારા?

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાનને ચેતવણી બાદ, તેહરાનના પૂર્વીય વિસ્તારમાં રહસ્યમય ધડાકાઓ થયા. આ ઘટનાથી વિશ્વભરમાં અનેક અટકળો શરૂ થઈ. જોકે, ઈરાને આને પૂર્વ-આયોજિત 'નિયંત્રિત વિસ્ફોટો' ગણાવ્યા છે. હાલમાં નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની '1000 મિસાઈલ'ની ધમકી બાદ ઈરાનમાં જોરદાર બ્લાસ્ટ: તેહરાન ધ્રુજ્યું, ફરી યુદ્ધના ભણકારા?
IMAGE - IANS

Tehran Blasts Trump Warning: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપી હતી કે જો તેમના પર કોઈ હુમલો થશે તો અમેરિકાની 1000 મિસાઇલો તબાહી મચાવવા માટે તૈયાર છે. આ ધમકીના ગણતરીના કલાકોમાં જ ઈરાનની રાજધાની તેહરાનનો પૂર્વીય વિસ્તાર જોરદાર ધડાકાઓથી ધ્રૂજી ઊઠ્યો હતો. આ રહસ્યમય બ્લાસ્ટના સમાચાર વાઇરલ થતાં જ દુનિયાભરમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, ઈરાન સરકારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ માત્ર એક પૂર્વ-આયોજિત 'નિયંત્રિત વિસ્ફોટો' હતા. હાલમાં આ ધડાકાઓ પાછળનું સાચું કારણ શું હતું અને તેનાથી કેટલું નુકસાન થયું છે, તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

તેહરાનનો પૂર્વીય વિસ્તાર ધડાકાઓથી ધ્રૂજ્યો, ઈરાને આપી સફાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેહરાન પ્રાંતના પૂર્વીય ભાગમાં એક પછી એક અનેક ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, એજન્સીએ પોતાના અહેવાલમાં આ વિસ્ફોટ કોઈ સૈન્ય ગતિવિધિ અથવા હુમલાના કારણે થયા છે કે કેમ, તે અંગે સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ, ઈરાની અધિકારીઓએ પરિસ્થિતિ વણસે તે પહેલાં નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આ પૂર્વ-આયોજિત અને નિયંત્રિત વિસ્ફોટો હતા. ઈરાને હજુ સુધી આ અંગે કોઈ વિગતવાર માહિતી જાહેર કરી નથી અને કોઈ જાનમાલના નુકસાનની પણ પુષ્ટિ કરી નથી.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર

પશ્ચિમ એશિયામાં આ ધડાકા એવા સમયે થયા છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો વર્તમાન અમેરિકન પ્રમુખની હત્યા કરવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે, તો અમેરિકાની 1000 મિસાઈલો ઈરાન પર તબાહી મચાવવા માટે તૈયાર રાખવામાં આવી છે. આ અંગેના જરૂરી આદેશો સેનાને આપી દેવાયા છે અને જરૂર પડ્યે અમેરિકન સેના આખું વર્ષ સળંગ કાર્યવાહી કરીને ઈરાનના તમામ મહત્ત્વના સૈન્ય મથકોને નેસ્તનાબૂદ કરી શકે છે.

મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ, વ્યુહનીતિ હેઠળ તણાવ વધ્યો

તેહરાનમાં થયેલા આ ધડાકાઓ પાછળ બંને દેશોની રાજદ્વારી વ્યૂહનીતિ અને વધતો સૈન્ય તણાવ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર થઈ રહેલા હુમલા અને આ વિસ્તારમાં અમેરિકા દ્વારા મોટા પાયે સૈન્ય અને યુદ્ધ જહાજોની તહેનાતી વધારી દેવામાં આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તીખી નિવેદનબાજી અને તેહરાનના આ રહસ્યમય ધડાકાઓએ મધ્ય પૂર્વના દેશોને ફરી એકવાર યુદ્ધના મુખ પર લાવીને ઊભા રાખી દીધા છે.