World

દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં 170 જિંદગી બચાવનારા ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરની હવે કેવી છે તબિયત? જાણો હેલ્થ અપડેટ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 30 સપ્ટેમ્બરે કોકપિટમાં કોપાયલટે ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો. ગંભીર ઈજા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી, કોકપિટ ખોલ્યું. મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લીધો. સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. સ્મિત મચ્છરની હાલત સ્થિર છે. મોદી અને નેતન્યાહૂએ તેમની બહાદુરીને બિરદાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં 170 જિંદગી બચાવનારા ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરની હવે કેવી છે તબિયત? જાણો હેલ્થ અપડેટ

Captain Smit Machchhar : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલા હિંસક હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાયલટ કૅપ્ટન સ્મિત મચ્છરની તબૂકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેમની હાલત સ્થિર છે અને દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે. સાઉદી અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. 30 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ફ્લાઇટમાં 174 લોકો સવાર હતા. ઉડાન દરમિયાન કૅપ્ટન સ્મિત મચ્છર અને તેમના કોપાયલટ વચ્ચે કોકપિટમાં વિવાદ થયો હતો. અહેવાલો અનુસાર કોપાયલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

કોકપિટમાં ગરબડ હોવાનો અંદેશો આવ્યો

આ દરમિયાન વિમાન અચાનક ઝડપથી નીચે જવા લાગ્યું. કોકપિટમાંથી આવતી બૂમાબૂમ અને સ્થિતિને પગલે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપિટ તરફ પહોંચ્યા. ગંભીર ઈજા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલી દીધો. આથી મુસાફરો અને ક્રૂને અંદર પ્રવેશવાની તક મળી અને હુમલાખોર કોપાયલટને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. ત્યાર બાદ વિમાનમાં મુસાફર તરીકે સવાર બે ઑફ-ડ્યુટી પાયલટોએ નિયંત્રણ સંભાળ્યું. ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર અન્ય મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

નરેન્દ્ર મોદી અને નેતન્યાહૂએ સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી

ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવાથી મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી છે. ગંભીર ઈજા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે જે પગલું લીધું તેને બંને દેશોના નેતાઓએ મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે.

2022થી ફ્લાયદુબઈ સાથે જોડાયેલા છે સ્મિત

કૅપ્ટન સ્મિત મચ્છર અગાઉ સ્પાઇસજેટમાં કામ કરી ચૂક્યા છે. તેઓ લગભગ 11 વર્ષ સુધી સ્પાઇસજેટ સાથે જોડાયેલા રહ્યા હતા અને 2022માં ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેઓ બોઇંગ 737 વિમાન ઉડાવે છે અને તેમની પાસે પાયલટ તરીકેનો ખૂબ જ બહોળો અનુભવ છે. અગાઉ તેઓ અન્ય પાયલટોને તાલીમ અને માર્ગદર્શન આપવાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. હાલમાં સ્મિત મચ્છર તબૂકની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય દૂતાવાસે તેમની તબિયત પર નજર રાખવાની સાથે તેમના પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ફ્લાઇટમાં બનેલી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.