Get The App

'રશિયા પોતે જ ખલ્લાસ છે તે ઇરાનને કેવી રીતે બચાવી શકશે ?' : ઝેલેનસ્કી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
'રશિયા પોતે જ ખલ્લાસ છે તે ઇરાનને કેવી રીતે બચાવી શકશે ?' : ઝેલેનસ્કી 1 - image

- રશિયા ઉપર કટાક્ષયુક્ત પ્રહારો કરતા યુક્રેનના પ્રમુખે કહ્યું : 'મારું તો માનવું છે કે રશિયા પૂરતું સક્ષમ જ નથી : તેની બધી સેના યુક્રેન સામે લડી રહી છે'

કીવ : ઇરાન વિરુદ્ધ અમેરિકા ઇઝરાયલ યુદ્ધ દિવસે દિવસે તીવ્ર બની રહ્યું છે તેવે સમયે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલનસ્કીએ કહ્યું હતું કે, 'અત્યારે રશિયા ખુલ્લેઆમ ઇરાનને મદદ નથી કરી રહ્યું તેની પાછળનું કારણ તે છે કે રશિયા પોતે જ ખલ્લાસ થઈ ગયું છે. તેવામાં તે ઇરાનને કઈ રીતે મદદ કરી શકે ?' આમ રશિયા ઉપર વેધક કટાક્ષ કરતા તેઓએ આગળ કહ્યું કે, 'રશિયન સેના પોતે જ કમજોર પડી ગઈ છે. કારણ કે ચાર વર્ષથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધથી તેના સૈનિકો માત્ર થાક્યા જ નથી પરંતુ હતાશ થઈ ગયા છે. આ કારણસર જ રશિયા ઇરાનને સહાય કરવાની સ્થિતિમાં છે જ નહિ.'

એક ઇન્ટરવ્યૂમાં તેમણે વધુમાં કહ્યું કે મારું તો માનવું છે કે તેની પાસે તેટલી ક્ષમતા જ નથી તેની તમામ સેના કાં તો યુક્રેનની ભૂમિમાં દબાઈ ગઈ છે કાં તો યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં લાગી પડી છે. યુક્રેનમાં જ રશિયન સેના ઘણો માર ખાઈ રહી છે તેને ઘણું નુકસાન થયું છે. છતાં તેને યુદ્ધ લડવું પડે છે. આવું પરિદ્રશ્ય પહેલાં સીરીયામાં જોવા મળ્યું હતું. હવે ઇરાનના મામલામાં પણ તે સીમિત ભૂમિકા નિભાવતું જોવા મળે છે.

ઝેલેનસ્કીએ વધુમાં કહ્યું : 'પહેલા ઇરાન રશિયાને શસ્ત્રો  આપતું હતું તેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ કરતું હતું પરંતુ અત્યારે ઇરાનને શસ્ત્રો મોકલવામાં રશિયાને મુશ્કેલી પડી રહી છે. રશિયા હવે ઇરાન પાસેથી મેળવેલા ટેક્નિકલ લાઇસન્સના આધારે મિસાઇલ અને ડ્રોનનું ઉત્પાદન કરે છે.

આ સાથે ઝેલનસ્કીએ ચિંતા દર્શાવી હતી કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ લાંબો સમય સુધી ચાલશે તો યુ.એસ. પોતાના ને પોતાના સાથીઓની સલામતી માટે વધુ સંશાધનો લગાડશે તે પેટ્રિયટ વાયુ રક્ષા પ્રણાલિના ઇન્ટરસેપ્ટર મિસાઇલ પીએસી-૨ અને પીએસી-૩ના ઉત્પાદન ઉપર ધ્યાન આપશે તો તેથી યુક્રેનને મળતી સહાય ઘટી પણ શકે.