Hormuz Strait Reopens: મધ્ય પૂર્વમાં છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર વિરામ લાગ્યા બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને જાહેરાત કરી છે કે આગામી બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ અવરજવર ફરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક સીઝફાયરની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ટ્રમ્પે થોડા સમય પહેલા જ ચેતવણી આપી હતી કે જો ઈરાન આ માર્ગ નહીં ખોલે તો સમગ્ર સંસ્કૃતિ ખતમ થઈ શકે છે. આ કડક વલણ બાદ બંને પક્ષો વચ્ચે વાતચીતનો માર્ગ ખુલ્યો અને હાલ પૂરતું બે અઠવાડિયાનું યુદ્ધવિરામ નક્કી થયું છે. જોકે હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર તો છે પરંતુ શું તે ટોલ વસૂલી શરૂ કરી શકે છે. જેને લઇને ભારત સહિતના દુનિયાભરના દેશો ચિંતિત છે.
તણાવ ઘટ્યો પણ ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, બે અઠવાડિયાના સમયગાળા માટે ટેકનિકલ સંકલન સાથે હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત અવરજવર શક્ય બનશે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે શું ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલશે? ઈરાને અગાઉ રજૂ કરેલા તેના 10 મુદ્દાના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તે સ્ટ્રેટ પર ટોલ વસૂલશે. ઈરાનના આ તાજેતરના નિવેદનથી સંકેત મળે છે કે તે હાલ તણાવ ઘટાડવા માંગે છે, પરંતુ સંપૂર્ણપણે પીછેહઠ કરવા તૈયાર નથી.
ભીષણ તબાહી: યુદ્ધમાં 5000થી વધુ લોકોના મોત
આ યુદ્ધ અત્યંત વિનાશક સાબિત થયું છે, જેમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. એકલા ઈરાનમાં જ 1600થી વધુ સામાન્ય નાગરિકોના મોત થયા છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો અહીંથી પસાર થાય છે. આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક સ્તરે તેલ અને ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો હતો અને મંદીનો ખતરો મંડરાઈ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયરને ડબલ-સાઇડેડ ગણાવ્યું છે, જેનો અર્થ છે કે બંને પક્ષોએ લશ્કરી પ્રવૃત્તિઓ રોકવી પડશે. આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાનની ભૂમિકા પણ મહત્ત્વની રહી છે અને હવે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ વાતચીત થવાની શક્યતા છે.
ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાના એંધાણ
જોકે, યુદ્ધવિરામની જાહેરાત છતાં ખતરો હજુ ટળ્યો નથી. ટ્રમ્પની જાહેરાતની મિનિટો બાદ જ ઈઝરાયલ પર મિસાઇલ હુમલા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે વાતચીતનો અર્થ યુદ્ધનો અંત નથી. ઈરાન હજુ પણ યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખવા અને તમામ પ્રતિબંધો હટાવવાની પોતાની શરતો પર અડગ છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ સીઝફાયર માત્ર સમય મેળવવાની વ્યૂહનીતિ હોઈ શકે છે. નેતન્યાહૂ સરકાર અને ખાડી દેશો પણ હાલ હાઈ એલર્ટ પર છે. હવે આખી દુનિયાની નજર ઇસ્લામાબાદમાં થનારી બેઠક પર છે કે શું ત્યાં કોઈ કાયમી ઉકેલ આવશે કે પછી આ માત્ર એક કામચલાઉ શાંતિ છે.


