- ગુરૂવારે મતદાન અગાઉ કટ્ટરવાદીઓ બેફામ બન્યા, હિન્દુઓ પર હુમલા વધ્યા
- દુકાનમાં ધારદાર હથિયારથી હુમલો, બેફામ લૂટ ચલાવી ગંભીર હાલતમાં છોડી શટર બંધ કરી ભાગી ગયા
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચિંતાજનક, યુનુસ સરકાર સુરક્ષાના પગલા લે : 15 દેશોની 125 સંસ્થાઓની ચેતવણી
ઢાકા : બાંગ્લાદેશમાં નવી સરકાર રચવા માટે ગુરૂવારે મતદાન થવા જઇ રહ્યું છે, જોકે ચૂંટણી પહેલા જ કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ હિન્દુઓની હત્યા કરવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાં હિન્દુઓ વિરોધી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે એક ૬૨ વર્ષીય હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. સાથે જ મૃતકના લાખો બાંગ્લાદેશી રૂપિયા પણ લૂટી લેવામાં આવ્યા. આ હત્યાને પગલે હિન્દુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશના મયમનસિંહ વિસ્તારમાં બોગર બાઝારમાં સોમવારે રાત્રે ૬૨ વર્ષીય હિન્દુ સુસેનચંદ્ર સરકારની હત્યા કરી દેવામાં આવી હતી, સુસેનચંદ્ર ભાઇ ભાઇ એન્ટરપ્રાઇઝના માલિક હતા, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ ધારદાર હથિયારથી વેપારી પર હુમલો કર્યો હતો અને બાદમાં દુકાનનું શટર બંધ કરીને પીડિતને દુકાનમાં જ પુરીને ભાગી ગયા હતા. પીડિતના પુત્ર સુજાન સરકારે કહ્યું હતું કે અમારે ચોખાનો બિઝનેસ છે, કોઇ સાથે દુશ્મની નહોતી. મારા પિતા પર હુમલા દરમિયાન લાખો રૂપિયા અને સામાન ચોરી ગયા હતા.
બાંગ્લાદેશમાં ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૬ના દિને યોજાનારી ચૂંટણી ઉપર સમગ્ર દુનિયાની નજર રહેલી છે. શેખ હસીનાની સરકાર દૂર થઇ તે પછી યોજાનારી આ ચૂંટણીમાં બાંગ્લાદેશની સર્જક પાર્ટી આવામી લીગને ચૂંટણીમાંથી બહાર રખાયા પછી આ પહેલી ચૂંટણી છે. તેવામાં ધાર્મિક લઘુમતિઓ, વિશેષત: હિન્દુઓ અને તેમની સાથે ખ્રિસ્તીઓ બૌદ્ધો અને હજી પણ ત્યાં રહેતા કેટલાક યહૂદીઓ ઉપર તોળાઈ રહેલો ખતરો તથા કટ્ટરપંથી તાકાતો, ફેલાઈ રહેવાની આશંકા વધી રહી છે. અમેરિકાએ તે પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા દર્શાવી છે.
તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસ (સંસદ)ની સમિતિને આપેલાં બ્રીફીંગમાં વિશેષજ્ઞાોએ ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ એક મહત્ત્વના રાજકીય વળાંક ઉપર આવીને ઊભું છે, ત્યાં લોકતંત્ર ધાર્મિક સ્વતંત્રતા સાથે ક્ષેત્રીય સ્થિરતા પણ દાવ ઉપર છે. તે ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ વૉશિંગ્ટનનાં રેબર્ન હાઉસ ઓફીસ બિલ્ડીંગમાં આયોજિત આ બ્રીફીગમાં શિક્ષાવિદો ચિંતકો પત્રકારો અને સામુદાયિક નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. તેનો હેતુ બાંગ્લાદેશમાં રાજકીય માર્ગનું આકલન કરવાનું હતું. તેમાં ધાર્મિક સ્વતંત્રતા ચૂંટણી વિશ્વસનીયતા અને કટ્ટરપંથી ઇસ્લામીક જુથો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. વક્તાઓએ ચેતવણી આપી હતી કે આ ચૂંટણીઓ માત્ર તેનું આંતરિક ભવિષ્ય જ નક્કી નહીં કરે પરંતુ દક્ષિણ એશિયામાં સ્થિરતા ઉપર પણ અસર કરશે. તેથી વૉશિંગ્ટને વધુ સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવવું જ પડે. જ્યારે ૧૫ દેશો સાથે જોડાયેલી ૧૨૫ જેટલી સંસ્થાઓએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર રોકવા મોહમ્મદ યુનુસ સરકારને ચેતવણી આપી છે. ઉપરાંત અમેરિકા, યુરોપિયન યુનિયન, ભારત વગેરે દેશોને પણ આ મુદ્દે ધ્યાન દોરવા કહ્યું છે. સંસ્થાઓનો એક પત્ર હિન્દુ એડવાન્સિંગ હ્યૂમન રાઇટ નામની સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.


