એચ-1બી વિઝાધારકના જીવનસાથીને મળતાં એચ-4 વિઝાના નિયમો બદલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટનો અંત લાવવા વિચારણા
- તાત્કાલિક અસર થશે નહીં, પરંતુ ટ્રમ્પની સરકાર જો ડ્રાફ્ટ તૈયાર કરશે તો લાંબાંગાળે ભારતીય પ્રોફેશનલ્સના પાર્ટનરને નોકરી તક મળશે નહીં
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા પૉલિસી આકરી બનાવવાની હિમાયત કરે છે. અગાઉ ઘણાં નાના-મોટા ફેરફાર કરી નાખ્યા હોવાથી ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે અમેરિકાની રાહ મુશ્કેલ બની છે. હવે એચ-૧બી વિઝા મેળવીને અમેરિકા ગયેલા ભારતીયોના જીવનસાથીને મળતા વર્ક વિઝા પર ટ્રમ્પની નજર છે.
અમેરિકન સરકાર એચ-૪ વિઝાના નિયમો બદલવાની તૈયારીમાં છે. સરકારે તાત્કાલિક અસરથી કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ ભવિષ્યમાં નિયંત્રણ આવે તેવી શક્યતા છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક રેગ્યુલેટરી એજન્ડામાં નવો પ્રસ્તાવ મૂક્યો છે. એ પ્રમાણે અમેરિકાના પ્રોફેશ્નલ વિઝા લઈને ગયેલા વિદેશી નાગરિકના જીવનસાથીને જે એચ-૪ વિઝા મળે છે તેમાં એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની વ્યવસ્થા ખતમ કરવાની વિચારણા છે. તેનો અર્થ એ કે એચ-૪ સ્પાઉસ કેટેગરીના વિઝા મેળવીને નોકરી કરવાની જે તક મળે છે એ નહીં મળે. આ કેટેગરીના વિઝા લઈને અમેરિકા આવનારા જીવનસાથીને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની તક મળે છે. એ અંતર્ગત અમેરિકામાં વર્ક વિઝા મેળવનારના જીવનસાથી પાસે કોઈ યોગ્યતા હોય તો એને નોકરી મળી શકે છે. જો આ કેટેગરીમાં એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની સગવડ ખતમ કરી દેવામાં આવે તો જીવનસાથીને વર્ક કરવાની તક મળે નહીં.
જોકે, અમેરિકાની સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે અત્યારે તાત્કાલિક અસરથી આ પગલું ભરવામાં આવ્યું નથી. આ માત્ર એક પ્રસ્તાવ છે. એના માટે લોકોનો ઓપિનિયમ મેળવવો પડશે. તેના આધારે વિચાર કરાશે. આ મુદ્દે લાંબી કાનૂની લડાઈ પણ ચાલી શકે. આખી પ્રક્રિયા કરીને જ લાગુ પાડી શકાશે. એ રીતે ભલે ટૂંકાગાળામાં તેની અસર થવાની નથી, પરંતુ લાંબાંગાળે તેનાથી ભારતીયો સહિત અનેક વિઝાધારકોના પાર્ટનર્સ પ્રભાવિત થશે.




