World

ખાડીયુદ્ધ આફ્રિકા સુધી લંબાયું : ઇજિપ્તમાં ડ્રોન હુમલો, બે જહાજને નુકસાન

By GS Team
31 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઇરાન યુદ્ધ ઇજિપ્ત સુધી ફેલાયું છે. ઇજિપ્તના બંદર ડેમિયેટ્ટામાં 2 નેચરલ ગેસ જહાજ પર ડ્રોન હુમલો થયો, જેમાં આગ લાગી. આ હુમલો ઇરાન કે તેના સહયોગીઓએ કર્યો હોવાનું મનાય છે. કુવૈતમાં ચીની કંપનીના બિલ્ડીંગ પર ઇરાની હુમલામાં 1નું મૃત્યુ થતા ચીન-ઇરાન સંબંધો પર અસર થઈ શકે છે. ચીન ઇરાનને 400 શોલ્ડર ફાયર્ડ મિસાઈલ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડીયુદ્ધ આફ્રિકા સુધી લંબાયું : ઇજિપ્તમાં ડ્રોન હુમલો, બે જહાજને નુકસાન
  • ચીન ઇરાનને ખભા પરથી છોડાતા મિસાઇલો આપશે
  • ઇરાને કુવૈત પરના હુમલામાં ચાઇનીઝ કંપનીને નિશાન બનાવી, એકનું મોતઃ બંને દેશ વચ્ચેના સંબંધને અસર થઈ શકે
  • અમેરિકાના ઇરાનના વ્યૂહાત્મક કાશેમ ટાપુ પર હુમલામાં ત્રણના મોતઃ અનેક લશ્કરી એકમો ખતમ

વોશિંગ્ટન : અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ હવે છેક ઇજિપ્ત સુધી લંબાયું છે. ઇજિપ્તના બંદર ડેમિયેટ્ટામાં લાંગરેલા નેચરલ ગેસના બે જહાજમાં ડ્રોન હુમલો થતાં તેમા આગ લાગી છે. એક હુમલો અમેરિકાની માલિકીની ફ્લોટિંગ સ્ટોરેજ ફેસિલિટી પર થયો છે અને બીજો હુમલો ગ્રીસની માલિકીના જહાજ પર થયો છે. ઇજિપ્ત મધ્યપૂર્વમાં અમેરિકાનું ગાઢ સહયોગી છે અને શાંતિ મંત્રણામાં પણ મધ્યસ્થી છે.
ઇજિપ્તના વડાપ્રધાનની ઓફિસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દર્શાવે છે કે ડ્રોન હુમલાના કારણે બે જહાજ પર હુમલો થયો છે. અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ઇજિપ્ત પર કોઈ હુમલો થયો ન હતો. હવે ઇજિપ્ત પર આ પહેલો હુમલો થયો છે. આ હુમલો ઇરાન કે તેના સહયોગીઓએ કર્યો હોવાનો માનવામાં આવે છે. જો કે હજી સુધી આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી, પરંતુ જો આવું ખરેખર થયું હશે તો યુદ્ધનો વ્યાપ છેક આફ્રિકા સુધી લંબાયો હોવાનું મનાશે. જો કે ઇજિપ્તની પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ હુમલાને બંદરમાં કોઈ નુકસાન થયું નથી. બંદર પૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે.
આ ઉપરાંત બુધવારે ઇરાને કરેલા હુમલાનો જવાબ આપતા અમેરિકન લશ્કરે ગુરુવારે ઇરાનના ડઝનથી પણ વધુ સ્થળોને લક્ષ્યાંક બનાવ્યા હતા. તેમા પણ ખાસ કરીને ઇરાનના કાશમ બંદર પર અમેરિકાએ બે કલાક સુધી બોમ્બમારો કર્યો હતો. તેમા એક બાળક સહિત ત્રણના મોત થયા હતા. આ બંદર ઇરાન માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. અહીં તેના લશ્કરી કમાન્ડની ઓફિસ છે, આ બંદર પરથી તે હોર્મુઝ પર નજર રાખે છે. અમેરિકન લશ્કરના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ઇરાનના ડઝનેક સ્થળોને નિશાન બનાવ્યા છે. તેમા મિલિટરી કમાન્ડ સેન્ટરથી લઈને મિસાઇલ અને ડ્રોન એકમો, ડિફેન્સ સાઇટ્સ અને કોસ્ટલ સર્વેલન્સનો સમાવેશ થાય છે.
ઇરાનને કુવૈત પર હુમલો કરવાનો ભારે પડી ગયો છે. તેણે તેના જ ભાગીદાર દેશ ચીનને લક્ષ્યાંક બનાવ્યું છે. કુવૈતના લશ્કરે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે ઇરાનના હુમલામાં ઉત્તરી કુવૈતમાં ચીનની એક કંપનીના બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેના લીધે બિલ્ડિંગ સંપૂર્ણપણે નુકસાન પામ્યું. આ ઉપરાંત એક કર્મચારીનું મોત પણ થયું. આ બધા વચ્ચે સાઉદીના સંરક્ષણ પ્રધાન ખાલિદ બિન સલમાને બુધવારે ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ સાથે જુદી-જુદી મુલાકાત કરી.
ઇરાન જંગમાં ઇરાન અને ચીન વચ્ચેના સંબંધો સંતુલિત રહ્યા છે. આ બધા વચ્ચે કુવૈતમાં ચીનની કંપનીના બિલ્ડિંગ પર હુમલો અને કર્મચારીના મોતના કારણે બંને દેશોના સંબંધોને અસર પડી શકે છે. જો કે કૂટનીતિક ધોરણે તો ચીને અમેરિકા-ઇઝરાયેલના હુમલાની નિંદા કરી છે. ઇરાનના સાર્વભૌમત્વનું સમર્થન કર્યુ અને યુદ્ધવિરામની અપીલ કરી. તેની સાથે પાક સાથે મળીને શાંતિ પ્રસ્તાવ આપી ઇરાનને યુદ્ધ રોકવા પ્રેરિત કર્યુ.
રોઇટર્સનો દાવો છે કે ચીને ઇરાનને યુદ્ધના મોરચે ખાસ્સી મદદ કરી છે. ચીન આગામી સમયમાં ઇરાનને શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ મિસાઇલ લોન્ચરની પહેલી ખેપ પૂરી પાડવાનું છે. આવા લગભગ ૪૦૦ મિસાઇલ ચીન પૂરા પાડવાનું છે.