World

અમેરિકામાં સ્થાનિક સાથે મારપીટ બદલ ગુજરાતી યુવકની ધરપકડ

By GS Team
29 May 20262 mins read
અમેરિકામાં સ્થાનિક સાથે મારપીટ બદલ ગુજરાતી યુવકની ધરપકડ

દારૂની દુકાનમાં ગ્રાહક પર બેઝબોલ બેટથી હુમલાનો આરોપ

આરોપી ધવલ અમરતભાઇ પટેલ અમેરિકામાં ગેરકાયદે રહેતા હોવાની જાણ ધરપકડ બાદ થઇ

ન્યૂયોર્ક: અમેરિકામાં દારૂની દુકાને કામ કરતા એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, દુકાને એક ગ્રાહક પર હુમલો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ સામે આવ્યું કે આરોપી ગુજરાતી શખ્સ અમેરિકામાં ઘણા સમયથી ગેરકાયદે રહે છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના મેસેચૂસેટ્સમાં રહેતા ગુજરાતી ધવલ અમરતભાઇ પટેલની વોરસેસ્ટર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધવલ પટેલ પર દારૂની દુકાનમાં એક ગ્રાહક સાથે તકરાર અને બાદમાં બેઝબોલ બેટથી માર મારવાનો આરોપ છે. પોલીસના દાવા મુજબ પટેલ દારૂની દુકાને કામ કરે છે જ્યાં આવેલા એક ગ્રાહક સાથે તકરાર થઇ હતી જેણે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. 

ધરપકડ બાદ અસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના એક ગેરકાયદે રહેતા નાગરિકને એમ હશે કે તે ખુલ્લેઆમ કોઇની પણ સાથે મારપીટ કરી શકે છે, જોકે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં તેને પોલીસ દ્વારા છોડી પણ મુકવામાં આવેલ છે.  અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે સહયોગ ના મળતા આરોપીને છોડી મુકવામાં આવેલ જોકે બાદમાં તેની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઇસ દ્વારા ધરપકડ કરાઇ હતી. 

અગાઉ પોલીસે ધવલની ૧૬મી મેએ ધરપકડ કરી હતી બાદમાં છોડી મુક્યા પછી આઇસ દ્વારા તેની ૧૮મી મેએ ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે આ અંગે ખુલાસો એક સપ્તાહ પછી કર્યો હતો.