World

ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. 4,000 કરોડનો તોતિંગ દંડ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
ડબલિનમાં EUના કડક પ્રાઈવસી નિયમોના ભંગ બદલ ગૂગલને 403 મિલિયન યુરો (લગભગ 4,432 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને 6 વર્ષની તપાસ બાદ જણાવ્યું કે, ગૂગલે વેબ અને એપ એક્ટિવિટી તેમજ લોકેશન હિસ્ટ્રીમાં ડેટાની પ્રક્રિયા કાયદેસર કરી નહોતી. ગૂગલે ભૂતકાળની નીતિઓ સુધાર્યાનું જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. 4,000 કરોડનો તોતિંગ દંડ
  • છ વર્ષની તપાસ પછી યુરોપીયન યુનિયનનો ચૂકાદો
  • ગૂગલે વેબ એન્ડ એપ એક્ટિવિટી, લોકેશન હિસ્ટ્રીમાં ડેટાની પ્રક્રિયા કાયદેસર કરી નહોતી : ઈયુનો આરોપ

ડબલિન : યુરોપિયન યુનિયન (EU) ના કડક પ્રાઈવસી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટેક જાયન્ટ ગૂગલ પર ૪૦૩ મિલિયન યુરો (લગભગ રૂ. ૪,૪૩૨ કરોડ અથવા ૪૬૩ મિલિયન ડોલર) નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના ડેટા પ્રાઈવસી વૉચડોગ દ્વારા સોમવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, ગૂગલે યૂઝર્સના બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી કરતી 'વેબ એન્ડ એપ એક્ટિવિટી' અને યૂઝર્સના મુલાકાત લીધેલા સ્થળોની નોંધે લેતી 'લોકેશન હિસ્ટ્રી'માં લોકેશન ડેટાની પ્રક્રિયા કાયદેસર કે યોગ્ય રીતે કરી ન હતી. આ ઉપરાંત, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના 'લોકેશન એક્યુરસી' ફીચરમાં પણ પર્સનલ ડેટા પ્રોસેસ કરતી વખતે કંપની પારદર્શક રહેવામાં નિષ્ફળ રહી હતી.
આયર્લેન્ડમાં ગૂગલનું યુરોપિયન હેડક્વાર્ટર આવેલું હોવાથી, આયર્લેન્ડ આ કેસમાં મુખ્ય નિયમનકાર તરીકે કામ કરી રહ્યું છે. આ તપાસ લગભગ છ વર્ષપહેલાં શરૂ થઈ હતી, જેમાં વર્ષ ૨૦૧૮ થી ફેબ્રૂઆરી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન યુરોપીયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનના પાલનની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મામલે નિવેદન આપતા ગૂગલે જણાવ્યું હતું કે, 'આ કેસ ભૂતકાળની નીતિઓ સાથે સંબંધિત છે, જેમાં હવે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ થી અમે અમારી પદ્ધતિઓમાં નોંધપાત્ર બદલાવ કર્યો છે અને લોકેશન ડેટા મેનેજમેન્ટને સરળ બનાવતા મજબૂત ટૂલ્સ રજૂ કર્યા છે.'
નિયમનકારોના જણાવ્યા મુજબ, લોકેશન ડેટા એ અત્યંત સંવેદનશીલ પર્સનલ ડેટા છે, જે યૂઝર્સને ઓનલાઈન સેવાઓમાં ફાયદો કરાવવા સાથે તેમની અંગત માહિતી પણ ઉજાગર કરી શકે છે.
આયર્લેન્ડના વાચડોગ દ્વારા EU પ્રાઈવસી નિયમો હેઠળ ફટકારવામાં આવેલો આ ચોથો સૌથી મોટો દંડ છે. અગાઉ મેટા અને ટિકટોક જેવી કંપનીઓ પર આનાથી પણ મોટા દંડ લાદવામાં આવ્યા છે, જેમાં મેટા સામેના ૧.૨ અબજ યુરોના દંડનો પણ સમાવેશ થાય છે. હાલમાં નિયમનકાર દ્વારા ગૂગલ સામે અન્ય ત્રણ અલગ-અલગ પ્રાઈવસી તપાસ પણ ચાલી રહી છે.