Get The App

Explainer: યુદ્ધ પૂરું થઈ જાય, તો પણ સસ્તું ઓઈલ-ગેસ મેળવવામાં 2027 આવી જશે, સમજો સંપૂર્ણ ગણિત

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
Explainer: યુદ્ધ પૂરું થઈ જાય, તો પણ સસ્તું ઓઈલ-ગેસ મેળવવામાં 2027 આવી જશે, સમજો સંપૂર્ણ ગણિત 1 - image

Crude Reality: The 2027 Timeline to Global Recovery: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ ક્યારે પૂરું થશે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક સવાલ એ છે કે, જો આ યુદ્ધ આજે જ પૂરું થઈ જાય, તો દુનિયાને પહેલાની જેમ સામાન્ય અને સસ્તા ઓઈલ-ગેસ ક્યારે મળશે? વૈશ્વિક ઊર્જા નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના ટોચના વડાઓનું કહેવું છે કે, હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલું સંકટ એટલું ગંભીર છે કે તણાવ તાત્કાલિક બંધ થાય તો પણ વૈશ્વિક ઓઈલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થવામાં 2027 ના પહેલા કે બીજા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) સુધીનો લાંબો સમય લાગી શકે છે. આ લાંબી કટોકટી આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રને મોટો ઝટકો આપશે. 

શા માટે 2027 સુધીનો લાંબો સમય લાગશે?

યુએઈની સરકારી ઓઈલ કંપની 'ADNOC' ના સીઈઓ સુલતાન અલ જાબેરે એટલાન્ટિક કાઉન્સિલના એક કાર્યક્રમમાં ચેતવણી આપી છે કે, આ સંઘર્ષ કાલે જ સમાપ્ત થઈ જાય તો પણ, યુદ્ધ પહેલાંના માત્ર 80% ઓઈલ પુરવઠાને પાછો લાવવામાં જ ઓછામાં ઓછા 4 મહિનાનો સમય લાગશે. જ્યારે 100% સંપૂર્ણ સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવામાં 2027 ના મધ્ય સુધીનો સમય લાગી જશે.

આ વાતને સમર્થન આપતાં સાઉદી અરેબિયાની પ્રખ્યાત ઓઈલ કંપની અરામકોના વડા અમીન નાસેરે પણ જણાવ્યું છે કે, જો આ સ્થિતિ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે, તો વૈશ્વિક ઓઈલ માર્કેટ 2027 પહેલાં સંપૂર્ણપણે સ્થિર કે સામાન્ય થઈ શકશે નહીં.

દરિયાઈ સુરંગોનો મોટો ખતરો 

યુદ્ધ વિરામ થયા પછી પણ ઈરાન દ્વારા આ જળમાર્ગમાં બિછાવેલી દરિયાઈ સુરંગો (Sea Mines) ને શોધીને સંપૂર્ણપણે દૂર કરવામાં મહિનાઓ નીકળી જશે. જ્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ રસ્તો જહાજોની અવરજવર માટે 100% સલામત ન બને, ત્યાં સુધી ઓઈલ-ગેસના મોટા કન્ટેઇનર્સ વહન કરી શકાશે નહીં, જે પુરવઠો સામાન્ય થવામાં વિલંબનું એક મુખ્ય કારણ બનશે.

આ પણ વાંચો : દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો: આજે યુદ્ધ પૂરું થાય તો પણ 2027 પહેલાં ઓઇલ સંકટ ઉકેલાશે નહીં

પુરવઠો ખોરવાવાનું મુખ્ય કારણ: હોર્મુઝ પર ઈરાનની પકડ

હોર્મુઝ જળમાર્ગ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો એનર્જી કોરિડોર છે, જ્યાંથી દુનિયાના કુલ ઓઈલ પુરવઠાનો લગભગ 1/5 (પાંચમો) ભાગ પસાર થાય છે. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

  • ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગ પર નાકાબંધી (Blockade) કરી દીધી છે.
  • અહીંથી પસાર થતાં જહાજોનું કડક ચેકિંગ અને ઊંચી ફી (ચાર્જિંગ) વસૂલાઈ રહી છે. 
  • જહાજો પર હુમલા પણ થયા છે, જેના કારણે એશિયાથી યુરોપ સુધી પેટ્રોલ, ડીઝલ, LPG અને LNGનો પુરવઠો ખોરવાઈ ગયો છે.
  • આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) એ આ સ્થિતિને ઇતિહાસની સૌથી મોટી ઊર્જા કટોકટી તરીકે વર્ણવી છે.

2027 સુધીના આ લાંબા ગાળાની વૈશ્વિક અસરો

પુરવઠો સામાન્ય થવામાં જે વર્ષોનો સમય લાગવાનો છે, તેની અસરો અત્યારથી જ દેખાવા લાગી છે, જે લાંબા સમય સુધી અર્થતંત્રને દબાવતી રહેશે.

  • ઇંધણના ભાવમાં વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં બળતણના ભાવ અત્યારથી જ 30% વધી ગયા છે, જે પરિવહન ખર્ચમાં સતત વધારો કરી રહ્યા છે.
  • મોંઘવારીનો માર: માત્ર ઇંધણ જ નહીં, પરંતુ ખેતી માટે જરૂરી ખાતરના ભાવમાં 50% અને વિમાન ભાડામાં 25% નો વધારો થયો છે.
  • આર્થિક મંદીનો ભય: અત્યાર સુધીમાં દુનિયાના લગભગ 80 દેશોએ આ કટોકટીથી પોતાના અર્થતંત્રને બચાવવા માટે ઇમરજન્સી પગલાં લેવા પડ્યા છે.

યુએઈનો વૈકલ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન 

આ લાંબા સમયગાળાની કટોકટીથી બચવા માટે, યુએઈએ હોર્મુઝ જળમાર્ગને બાયપાસ કરતી એક નવી વેસ્ટ-ઇસ્ટ ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ પરનું કામ ઝડપી બનાવ્યું છે. હાલ આ પ્રોજેક્ટનું કામ 50% જેટલું પૂર્ણ થઈ ગયું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે આદેશ આપ્યો છે કે 2027 સુધીમાં ફુજૈરાહ બંદર દ્વારા ઓઈલ નિકાસની ક્ષમતાને બમણી કરાય, જેથી હોર્મુઝ માર્ગ બંધ હોય તો પણ નિકાસ ચાલુ રાખી શકાય. હાલમાં કાર્યરત અબુ ધાબી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન (ADCOP) રોજનું 1.8 મિલિયન બેરલ ઓઈલ વહન કરીને થોડી રાહત આપી રહી છે.

આ પણ વાંચો : ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઇન્ડિયન નેવીએ કમર કસી!

વૈશ્વિક ઓઈલ સંકટ સામે UAEનો માસ્ટરપ્લાન

યુએઈ માત્ર ઓઈલ વેચીને બેસી રહેવા નથી માંગતું. તે જાણે છે કે ભવિષ્યમાં ઓઈલ પરની નિર્ભરતા ઘટશે, તેથી તે પોતાના અર્થતંત્રને સલામત રાખવા માટે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં રોકાણ કરી રહ્યું છે. તેની સરકારી કંપનીઓ ADNOC, XRG અને 'મસ્દાર' દ્વારા અમેરિકાના 19 રાજ્યોમાં $85 બિલિયન (લગભગ 8,07,500 કરોડ રૂપિયા) નું મોટું રોકાણ ભવિષ્યની ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં દરેક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની જરૂર પડશે. AI ના વિશાળ ડેટા સેન્ટર્સ ચલાવવા માટે અતિશય વીજળીની જરૂર પડે છે અને જેની પાસે અવિરત ઊર્જા હશે તે જ દેશ AI ની રેસમાં સૌથી આગળ રહેશે. 

હાલ ચાલે છે, તેવી યુદ્ધ કે અન્ય કોઈ મોટી વૈશ્વિક કટોકટી આવે ત્યારે માનવ મગજ અને સામાન્ય સપ્લાય ચેઈન તાત્કાલિક નિર્ણય લેવામાં થાપ ખાઈ જાય છે, પરંતુ આવી સ્થિતિમાં AI સિસ્ટમ ખૂબ જ ઝડપથી ગણતરી કરીને માણસો કરતાં વહેલો અને સચોટ નિર્ણય લઈ શકશે. જેમ કે, ઊર્જા પુરવઠા માટેના વૈકલ્પિક રસ્તાઓ શોધવા, ગ્રીડ મેનેજમેન્ટ કરવું, ક્યાં કેટલી ઊર્જા ડાયવર્ટ કરવી, વગેરે. જેથી કટોકટીના સમયે પણ દેશો અને ઉદ્યોગો અટક્યા વિના સતત ચાલતા રહે. તેથી યુએઈ અમેરિકાના બજાર તથા AI ટેક્નોલોજીમાં રોકાણ કરીને કોઈપણ મોટા વૈશ્વિક સંકટ સામે અડીખમ રહેવા સજ્જ થઈ રહ્યું છે.

વૈશ્વિક ઓઈલ બજાર વારંવાર ડામાડોળ થવાનું કારણ શું?

વૈશ્વિક ઓઈલ માર્કેટ વારંવાર ડામાડોળ થવાનું અને સ્થિર ન થઈ શકવાનું મૂળ કારણ તેનું 'અંડર-ઇન્વેસ્ટમેન્ટ' એટલે કે પૂરતું રોકાણ ન થવું તે છે. સુલતાન અલ જાબેરના વિશ્લેષણ મુજબ, વિશ્વભરમાં ઓઈલના કૂવાઓમાંથી કુદરતી રીતે ઘટતા ઉત્પાદનના દરને સરભર કરવા (મેન્ટેઇન કરવા) માટે હાલમાં થઈ રહેલું વાર્ષિક $400 બિલિયન (લગભગ 38,00,000 કરોડ રૂપિયા) નું રોકાણ વૈશ્વિક જરૂરિયાતો સામે ખૂબ જ ઓછું છે. આ અપૂરતા રોકાણને કારણે જ કટોકટીના સમયે ઈમરજન્સી સપ્લાય તરીકે કામ આવે એવી દુનિયાની ‘અનામત ક્રૂડ ક્ષમતા’ (Spare Crude Capacity) હાલમાં રોજની માત્ર 3 મિલિયન બેરલ જ છે, જે કોઈપણ મોટા આંતરરાષ્ટ્રીય સંકટ કે યુદ્ધ સામે બજારને સુરક્ષિત રાખવા ખરેખર રોજની 5 મિલિયન બેરલની નજીક હોવી અત્યંત જરૂરી છે.

ઊર્જાનો સમજી-વિચારીને ઉપયોગ કરવો જરૂરી છે 

નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ એક ક્ષેત્રની આર્થિક સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક દરિયાઈ નેવિગેશનની સ્વતંત્રતા માટે ખતરનાક સંકેત છે. જો કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને બંધક બનાવી લે, તો તેની કિંમત દુનિયાના દરેક પરિવાર, ફેક્ટરી અને ખેતરે ચૂકવવી પડે છે. વૈશ્વિક ઓઈલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે થાળે પડવામાં 2027 સુધીનો લાંબો સમય લાગવાનો હોવાથી, આગામી દિવસોમાં LPGનો બગાડ અટકાવીને, વાહનોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરીને, ઊર્જાના તમામ સ્ત્રોતોનો સમજી-વિચારીને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો એ જ સામાન્ય માણસ માટે અનિવાર્ય અને બચાવનો એકમાત્ર માર્ગ છે.

આ પણ વાંચો : હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી