Global Oil Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ ક્યારે પૂરું થશે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક સવાલ એ છે કે, જો આ યુદ્ધ આજે જ પૂરું થઈ જાય, તો દુનિયાને પહેલાંની જેમ સામાન્ય અને સસ્તું ઓઇલ-ગેસ ક્યારે મળશે? વૈશ્વિક ઊર્જા નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના ટોચના વડાઓનું કહેવું છે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલું સંકટ એટલું ગંભીર છે કે તણાવ તાત્કાલિક બંધ થાય તો પણ વૈશ્વિક ઓઇલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થવામાં 2027ના પહેલા કે બીજા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) સુધીનો લાંબો સમય લાગી શકે છે. આ લાંબી કટોકટી આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રને મોટો ઝટકો આપશે.
શા માટે 2027 સુધીનો લાંબો સમય લાગશે?
સંયુક્ત આરબ અમીરાત(UAE)ની સરકારી ઓઇલ કંપની 'ADNOC'ના સીઈઓ સુલતાન અલ જાબેરે એટલાન્ટિક કાઉન્સિલના એક કાર્યક્રમમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ સંઘર્ષ કાલે જ સમાપ્ત થઈ જાય તો પણ, યુદ્ધ પહેલાના માત્ર 80% ઓઇલ પુરવઠાને પાછો લાવવામાં જ ઓછામાં ઓછા 4 મહિનાનો સમય લાગશે. જ્યારે 100% સંપૂર્ણ સપ્લાય ચેઇનને પુનઃસ્થાપિત કરવામાં 2027ના મધ્ય સુધીનો સમય લાગી જશે.
આ વાતને સમર્થન આપતાં સાઉદી અરેબિયાની પ્રખ્યાત ઓઇલ કંપની અરામકોના વડા અમીન નાસેરે પણ જણાવ્યું છે કે, જો આ પરિસ્થિતિ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે, તો વૈશ્વિક ઓઇલ બજાર 2027 પહેલાં સંપૂર્ણપણે સ્થિર કે સામાન્ય થઈ શકશે નહીં.
દરિયાઈ સુરંગોનો મોટો ખતરો
યુદ્ધ વિરામ થયા પછી પણ ઈરાન દ્વારા આ જળમાર્ગમાં બિછાવેલી દરિયાઈ સુરંગો(Sea Mines)ને શોધીને સંપૂર્ણપણે દૂર કરવામાં મહિનાઓનો સમય નીકળી જશે. જ્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ રસ્તો જહાજોની અવરજવર માટે 100% સલામત ન બને, ત્યાં સુધી ઓઇલ અને ગેસના મોટા કન્ટેનર્સ વહન કરી શકાશે નહીં, જે પુરવઠો સામાન્ય થવામાં વિલંબનું એક મુખ્ય કારણ બનશે.
પુરવઠો ખોરવાવાનું મુખ્ય કારણ: હોર્મુઝ પર ઈરાનની કડક પકડ
હોર્મુઝ જળમાર્ગ એ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ એનર્જી કોરિડોર છે, જ્યાંથી દુનિયાના કુલ ઓઇલ પુરવઠાનો લગભગ 1/5 (પાંચમો) ભાગ પસાર થાય છે. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
•ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગ પર વાસ્તવિક નાકાબંધી (Blockade) કરી દીધી છે.
•અહીંથી પસાર થતાં જહાજોનું કડક નિરીક્ષણ, ચેકિંગ અને ઊંચી ફી (ચાર્જિંગ) વસૂલવાનું શરૂ કરાયું છે.
•જહાજો પર હુમલા પણ થયા છે, જેના કારણે એશિયાથી યુરોપ સુધી પેટ્રોલ, ડીઝલ, LPG અને LNGનો પુરવઠો ખોરવાઈ ગયો છે.
•આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(IEA)એ આ સ્થિતિને ઇતિહાસની સૌથી મોટી ઊર્જા કટોકટી તરીકે વર્ણવી છે.
2027 સુધીના આ લાંબા ગાળાની વૈશ્વિક અસરો
પુરવઠો સામાન્ય થવામાં જે લાંબો સમય લાગવાનો છે, તેની અસરો અત્યારથી જ દેખાવા લાગી છે, જે લાંબા સમય સુધી અર્થતંત્રને દબાવતી રહેશે.
•ઇંધણના ભાવમાં વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં બળતણના ભાવ અત્યારથી જ 30% વધી ગયા છે, જે પરિવહન ખર્ચમાં સતત વધારો કરી રહ્યા છે.
•મોંઘવારીનો માર: માત્ર ઇંધણ જ નહીં, પરંતુ ખેતી માટે જરૂરી ખાતરના ભાવમાં 50% અને વિમાન ભાડામાં 25%નો વધારો થયો છે.
•આર્થિક મંદીનો ભય: અત્યાર સુધીમાં દુનિયાના લગભગ 80 દેશોએ આ કટોકટીથી પોતાના અર્થતંત્રને બચાવવા માટે ઇમરજન્સી પગલાં લેવા પડ્યા છે.
UAEનો વૈકલ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન
આ લાંબા સમયગાળાની કટોકટીથી બચવા માટે, UAE એ હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરતી એક નવી વેસ્ટ-ઇસ્ટ ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ પરનું કામ ઝડપી બનાવ્યું છે. હાલ આ પ્રોજેક્ટનું કામ 50% જેટલું પૂર્ણ થઈ ગયું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે આદેશ આપ્યો છે કે 2027 સુધીમાં ફુજૈરાહ બંદર દ્વારા ઓઇલ નિકાસ કરવાની ક્ષમતાને બમણી કરવામાં આવે, જેથી હોર્મુઝ માર્ગ બંધ હોય તો પણ નિકાસ ચાલુ રાખી શકાય. હાલમાં કાર્યરત અબુ ધાબી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન (ADCOP) રોજનું 1.8 મિલિયન બેરલ ઓઇલ વહન કરીને થોડી રાહત આપી રહી છે.
ઊર્જા સુરક્ષા માટે AIનો સહારો
યુએઈ માત્ર ઓઇલ વેચીને બેસી રહેવા નથી માંગતું. તે જાણે છે કે ભવિષ્યમાં ઓઇલ પરની નિર્ભરતા ઘટશે, તેથી તે પોતાની અર્થવ્યવસ્થાને સલામત રાખવા માટે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં રોકાણ કરી રહ્યું છે. તેની સરકારી કંપનીઓ ADNOC, XRG અને 'મસ્દાર' દ્વારા અમેરિકાના 19 રાજ્યોમાં $85 બિલિયન(લગભગ 8,07,500 કરોડ રૂપિયા)નું મોટું રોકાણ ભવિષ્યની ટૅક્નોલૉજી, ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં દરેક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની જરૂર પડવાની છે. AIના વિશાળ ડેટા સેન્ટર્સ ચલાવવા માટે અતિશય વીજળીની જરૂર પડે છે અને જેની પાસે અવિરત ઊર્જા હશે તે જ દેશ AIની રેસમાં સૌથી આગળ રહેશે. અત્યારે ચાલી રહી છે એવી યુદ્ધ કે અન્ય કોઈ મોટી વૈશ્વિક કટોકટી આવે ત્યારે માનવ મગજ અને સામાન્ય સપ્લાય ચેઇન તાત્કાલિક નિર્ણય લેવામાં થાપ ખાઈ જાય છે, પરંતુ આવી સ્થિતિમાં AI સિસ્ટમ ખૂબ જ ઝડપથી ગણતરી કરીને મનુષ્યો કરતાં વહેલો અને સચોટ નિર્ણય લઈ શકશે. જેમ કે, ઊર્જા પુરવઠા માટેના વૈકલ્પિક રસ્તાઓ શોધવા, ગ્રીડ મેનેજમેન્ટ કરવું, ક્યાં કેટલી ઊર્જા ડાયવર્ટ કરવી, વગેરે. જેથી કટોકટીના સમયે પણ દેશો અને ઉદ્યોગો અટક્યા વિના સતત ચાલતા રહે. તેથી યુએઈ અમેરિકાના બજાર તથા AI ટૅક્નોલૉજીમાં રોકાણ કરીને કોઈપણ મોટા વૈશ્વિક સંકટ સામે અડીખમ રહેવા સજ્જ થઈ રહ્યું છે.
વૈશ્વિક ઓઇલ બજાર વારંવાર ડામાડોળ થવાનું કારણ શું?
વૈશ્વિક ઓઇલ બજાર વારંવાર ડામાડોળ થવાનું અને સ્થિર ન થઈ શકવાનું મૂળ કારણ તેનું 'અંડર-ઇન્વેસ્ટમેન્ટ' એટલે કે પૂરતું રોકાણ ન થવું તે છે; સુલતાન અલ જાબેરના વિશ્લેષણ મુજબ, વિશ્વભરમાં ઓઇલના કૂવાઓમાંથી કુદરતી રીતે ઘટતા ઉત્પાદનના દરને સરભર કરવા (મેન્ટેન કરવા) માટે હાલમાં થઈ રહેલું વાર્ષિક $400 બિલિયન(લગભગ 38,00,000 કરોડ રૂપિયા)નું રોકાણ વૈશ્વિક જરૂરિયાતો સામે ખૂબ જ ઓછું છે. આ અપૂરતા રોકાણને કારણે જ કટોકટીના સમયે ઈમરજન્સી સપ્લાય તરીકે કામ આવે એવી દુનિયાની ‘અનામત ક્રૂડ ક્ષમતા’ (Spare Crude Capacity) હાલમાં રોજની માત્ર 3 મિલિયન બેરલ જ છે, જે કોઈપણ મોટા આંતરરાષ્ટ્રીય સંકટ કે યુદ્ધ સામે બજારને સુરક્ષિત રાખવા માટે ખરેખર રોજની 5 મિલિયન બેરલની નજીક હોવી અત્યંત જરૂરી છે.
ઊર્જાનો સમજી-વિચારીને ઉપયોગ કરવો આવશ્યક છે
નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ એક ક્ષેત્રની આર્થિક સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક દરિયાઈ નેવિગેશનની સ્વતંત્રતા માટે ખતરનાક સંકેત છે. જો કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને બંધક બનાવી લે, તો તેની કિંમત દુનિયાના દરેક પરિવાર, ફેક્ટરી અને ખેતરે ચૂકવવી પડે છે. વૈશ્વિક ઓઇલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે થાળે પડવામાં 2027 સુધીનો લાંબો સમય લાગવાનો હોવાથી, આગામી દિવસોમાં LPGનો બગાડ અટકાવીને, વાહનોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરીને, ઊર્જાના તમામ સ્ત્રોતોનો સમજી-વિચારીને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો એ જ સામાન્ય માણસ માટે અનિવાર્ય અને બચાવનો એકમાત્ર માર્ગ છે.


