Get The App

યુદ્ધ લાંબુ ખેંચાવાના સંકેત વચ્ચે ઊર્જા કટોકટીનો સામનો કરવા 'લોકડાઉન' માટે તૈયાર રહો!

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ લાંબુ ખેંચાવાના સંકેત વચ્ચે ઊર્જા કટોકટીનો સામનો કરવા 'લોકડાઉન' માટે તૈયાર રહો! 1 - image

- જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયાના દેશોમાં ઈંધણનું રેશનિંગ શરૂ, ઓસ્ટ્રેલિયાનો નાગરિકો પર બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ

- એર ઈન્ડિયાની 2,500 ફ્લાઈટ સહિત દુનિયામાં 20,000થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હોવાના અહેવાલ

- દુનિયાની સરકારોને ઓડ-ઈવન, હાઈવે પર સ્પિડ લિમિટ લાગુ કરવા, હવાઈ પ્રવાસ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમના ઉપાયો માટે આઈઈએનું સૂચન

Iran vs Israel and USA War Updates : મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યા પછી તહેરાને દુનિયામાં ક્રૂડ ઓઈલનું સૌથી વધુ પરિવહન થતા સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે, જેના પગલે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 112 ડોલર સુધી પહોંચી ગયો છે. આ યુદ્ધ નજીકના સમયમાં બંધ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી ત્યારે દુનિયા ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આ ઊર્જા સંકટનો સામનો કરવા માટે દુનિયામાં કોરોના મહામારી પછી ફરી એક વખત 'લોકડાઉન'ની સંભાવના વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (આઈઈએ)એ દુનિયાના દેશોને એનર્જી લોકડાઉનના નામે 10 મુદ્દાનો પ્લાન જાહેર કર્યો છે, જેનાથી ક્રૂડ ઓઈલનો વપરાશ ઘટાડવામાં મદદ મળી શકશે.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ શરૂ થયાને 23 દિવસ થઈ ગયા છે ત્યારે બંને પક્ષો શાંત થવાના બદલે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યા છે. 

પરિણામે દુનિયામાં ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આથી યુરોપથી લઈને એશિયા સુધી દરેક દેશો પેટ્રોલ-ડીઝલ અને ગેસની કટોકટીનો સામનો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલની અછતના કારણે પરીવહન ખર્ચ વધી ગયો છે, જેના પગલે મોંઘવારી પણ સતત વધી રહી છે. એશિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલની અછતની અસર દેખાવા લાગી છે. યુરોપના દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. અમેરિકામાં પણ પેટ્રોલન ભાવ પાંચ ડોલર નજીક પહોંચી ગયા છે.

દુનિયામાં આ મુશ્કેલ સમયમાં આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ 'શેલ્ટરિંગ ફ્રોમ ઓઈલ શોક્સ' એટલે કે 'ઓઈલના આંચકાઓથી બચો' નામથી 10 મુદ્દાની એક બ્લુપ્રીન્ટ રજૂ કરી છે, જેમાં દુનિયાના દેશોની સરકારોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા ભલામણ કરાઈ છે. આઈઈએએ દુનિયાની સરકારોને વાહનોના પરિવહન માટે ઓડ-ઈવન નિયમ, હાઈવે પર સ્પીડ લિમિટ લાગુ કરવા, હવાઈ પ્રવાસોમાં કાપ મૂકવા, લોકોને ઘરેથી જ કામ કરવા, રસોઈ માટે ઈલેક્ટ્રિક ગેજેટ્સનો ઉપયોગ કરવા જેવા પગલાં લેવાના સૂચન કર્યા છે. એજન્સીનું કહેવું છે કે સરકારો કોરોના જેવી રણનીતિ અપનાવશે તો જ ઊર્જા સંકટનો સામનો કરી શકાશે. આ રણનીતિ લોકડાઉન જેવી જ હશે. 

અનેક દેશોએ તો આ માટે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. 

જાપાન અને દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, શ્રીલંકામાં ઈંધણનું રેશનિંગ શરૂ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયામાં સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઊર્જા સંકટ લાંબુ ચાલશે તો ડિજિટલ પરમિટ સિસ્ટમ સુધી વાત પહોંચી શકે છે જ્યાં નિષ્ણાતોનું માનવું છે કે સરકારો ઊર્જા સુરક્ષાના નામે નાગરિકો પર લોકડાઉન નાંખી શકે છે, જેને પગલે નાગરિકો મંજૂરી વિના ઘરની બહાર નીકળી નહીં શકે. ભારતમાં પણ સરકારે પ્રીમિયમ પેટ્રોલ અને ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવ વધારી દીધા છે. જોકે, ભારતમાં ગ્રાહકો માટે આંશિક રાહત એ છે કે સાદા પેટ્રોલના ભાવમાં હજુ વધારો નથી થયો. પરંતુ મધ્ય-પૂર્વમાં સ્થિતિ આવી જ રહેશે તો સાદા પેટ્રોલના ભાવમાં પણ વધારાનું જોખમ તોળાઈ રહ્યું છે.

ઈંધણના ભાવ વધવાના કારણે એર ઈન્ડિયાએ છેલ્લા ત્રણ સપ્તાહમાં લગભગ 2500 જેટલી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. 

કંપનીના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મોકલેલા એક આંતરિક સંદેશામાં જણાવ્યું કે, એરલાઈન હાલમાં આ ક્ષેત્રમાં પોતાના સામાન્ય શેડયૂલના માત્ર 30 ટકા જ સંચાલન કરી રહી છે. આગામી સમય વધુ મુશ્કેલ બની શકે છે. 

બીજીબાજુ યુનાઈટેડ એરલાઈન્સે પણ આ સપ્તાહે તેની પાંચ ટકા ફ્લાઈટ રદ કરી દીધી છે. અન્ય કંપનીઓ પણ ફ્લાઈટની સંખ્યા ઘટાડી રહી છે. વિમાનોનું ટ્રેકિંગ કરતા પ્લેટફોર્મ ફ્લાઈટ અવેરના અહેવાલ મુજબ શનિવારે કુલ 2800 અને રવિવારે 3156 ફ્લાઈટ રદ થઈ હતી. 

કેટલાક મીડિયા અહેવાલો મુજબ યુદ્ધના આ સમયમાં અંદાજે 20000થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. કેટલાક અહેવાલો મુજબ યુરોપની મોટાભાગની એરલાઈન્સ કંપનીઓએ 29 માર્ચ સુધી મધ્ય-પૂર્વની તેમની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.