World

ઓલિમ્પિક ખેલાડી બની ગયો ડ્રગ માફિયા, કેનેડાના રાયન વેડિંગને પકડવા માટે રૂ. 125 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર

By GS TEAM
20 Nov 20253 mins read
TukuTouch Logo
From Olympian to Drug Kingpin: $15 Million Bounty on Ryan Wedding | ઓલિમ્પિક જેવા વૈશ્વિક સ્તરના ખેલ મહાકુંભમાં હિસ્સો લઈ ચૂકેલો માણસ ડ્રગ્સની હેરાફેરી અને હત્યા જેવા ગુના આચરીને વોન્ટેડ બની ગયો, એમ કહીએ તો એ કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે, પણ ફિલ્મી નહીં, આ વાસ્તવમાં બનેલી ઘટના છે. કેનેડાના પૂર્વ ઓલિમ્પિક સ્નોબોર્ડર રાયન વેડિંગના જીવનમાં આવો નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો છે. રાયન પર આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યોની તસ્કરી અને હત્યા જેવા ગંભીર આરોપો લાગેલા છે. હાલમાં જ અમેરિકાએ રાયનની ધરપકડ કરાવવા બદલ આપવામાં આવતા ઈનામમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઓલિમ્પિકની ઝમકદાર દુનિયામાંથી ઉભરી આવેલો ખેલાડી મોસ્ટ વોન્ટૅડ ગુનેગાર કઈ રીતે બની ગયો એની કથા રસપ્રદ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓલિમ્પિક ખેલાડી બની ગયો ડ્રગ માફિયા, કેનેડાના રાયન વેડિંગને પકડવા માટે રૂ. 125 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર

From Olympian to Drug Kingpin: $15 Million Bounty on Ryan Wedding | ઓલિમ્પિક જેવા વૈશ્વિક સ્તરના ખેલ મહાકુંભમાં હિસ્સો લઈ ચૂકેલો માણસ ડ્રગ્સની હેરાફેરી અને હત્યા જેવા ગુના આચરીને વોન્ટેડ બની ગયો, એમ કહીએ તો એ કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે, પણ ફિલ્મી નહીં, આ વાસ્તવમાં બનેલી ઘટના છે. કેનેડાના પૂર્વ ઓલિમ્પિક સ્નોબોર્ડર રાયન વેડિંગના જીવનમાં આવો નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો છે. રાયન પર આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યોની તસ્કરી અને હત્યા જેવા ગંભીર આરોપો લાગેલા છે. હાલમાં જ અમેરિકાએ રાયનની ધરપકડ કરાવવા બદલ આપવામાં આવતા ઈનામમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઓલિમ્પિકની ઝમકદાર દુનિયામાંથી ઉભરી આવેલો ખેલાડી મોસ્ટ વોન્ટૅડ ગુનેગાર કઈ રીતે બની ગયો એની કથા રસપ્રદ છે.

રાયન વેડિંગનો પરિચય 

નામ: રાયન વેડિંગ

ઉપનામો: જેમ્સ કોનરાડ કિંગ, જેસી કિંગ, જાયન્ટ, પબ્લિક એનિમી, એલ જેફ

જન્મ તારીખ: 14 સપ્ટેમ્બર, 1981

જન્મ સ્થળ: થંડર બે, ઓન્ટારિયો, કેનેડા

ઊંચાઈ: 6 ફૂટ 3 ઇંચ 

વજનઃ 240 પાઉન્ડ 

અન્ય શારીરિક લક્ષણોઃ વાદળી આંખો, કથ્થઈ વાળ

રાયનની ઓલિમ્પિક કરિયર કેવી હતી?

રાયન વેડિંગે 2002ના સોલ્ટ લેક સિટી ઓલિમ્પિક્સમાં કેનેડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેને કોઈ મેડલ નહોતો મળ્યો. તેણે સ્નોબોર્ડ ક્રોસ અને જાયન્ટ સ્લેલોમ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જ્યાં તે અનુક્રમે 31મા અને 33મા સ્થાને રહ્યો હતો. આમ, તેની ઓલિમ્પિક ભૂમિકા માત્ર એક પ્રતિસ્પર્ધી તરીકેની રહી હતી, પદક વિજેતા તરીકેની નહીં. રમતજગતમાં ખાસ સફળ ન થઈ શકવાને લીધે જ તે ગુનાખોરીની દુનિયા તરફ વળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. 

સંયુક્ત પોલિસ કાર્યવાહી અને ધરપકડો

અમેરિકા અને કેનેડાના પોલિસ દળો ભેગા મળીને 'ઓપરેશન જાયન્ટ સ્લેલોમ' નામનું સંયુક્ત તપાસ અભિયાન ચલાવ્યું છે, જેના ભાગરૂપે કેનેડામાં રાયનના ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા સાત લોકોને પકડવામાં આવ્યા છે. રાયનને એફબીઆઈની 'ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મેક્સિકોમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે.

આધુનિક યુગનો પાબ્લો એસ્કોબાર 

અમેરિકન અધિકારીઓએ રાયન વેડિંગને 'આધુનિક યુગનો પાબ્લો એસ્કોબાર' તરીકે ઓળખાવ્યો છે. કોલંબિયાનો પાબ્લો એસ્કોબાર 20મી સદીનો સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા ગણાતો હતો. રાયન વેડિંગની તુલના એસ્કોબાર સાથે કરવાનો અર્થ એ છે કે તે પણ પાબ્લોની જેમ જ વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સામ્રાજ્યની રચના કરવા માટે પ્રયાસરત છે.

ઈનામની રકમમાં ભારે વધારો કરાયો

રાયન વેડિંગની ધરપકડ તરફ દોરી જાય એવી મહત્ત્વપૂર્ણ માહિતી આપનાર વ્યક્તિને આપવામાં આવનારા ઈનામની રકમ અગાઉ 10 મિલિયન ડોલર હતી, જે વધારીને અમેરિકાની સરકારે 15 મિલિયન ડોલર (લગભગ 125 કરોડ રૂપિયા) કરી દીધી છે. ભૂતકાળમાં બહુ ઓછા ગુનેગારોની ધરપકડ માટે આટલી મોટી રકમની જાહેરાત કરવામાં આવી છે.

રાયનનો ડ્રગ વ્યવસાય 60 થી વધુ દેશોમાં ફેલાયેલો છે!

રાયન વેડિંગ કેનેડાનો સૌથી મોટો કોકેન સપ્લાયર ગણાય છે. તેના નેટવર્ક દ્વારા પ્રતિવર્ષ એક અબજ ડોલરથી પણ વધુ મૂલ્યના માદક દ્રવ્યોની તસ્કરી થાય છે. મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ સાથે મળીને રાયન 60 થી વધુ દેશોમાં ડ્રગ્સનો વ્યવસાય ચલાવે છે.

સાક્ષીની હત્યાનો ગંભીર આરોપ લાગેલો છે

રાયન પર એક સાક્ષીની હત્યા કરવાનો આરોપ પણ લાગેલો છે. જાન્યુઆરી, 2025માં કોલંબિયાના મેડેલિન શહેરમાં એક રેસ્ટોરન્ટમાં આ સાક્ષીને માથામાં પાંચ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાયનના આદેશ પર જ આ હત્યા કરવામાં આવી હતી.

પ્રત્યાર્પણની પ્રક્રિયા અને નાણાકીય પ્રતિબંધો

કેનેડામાં ધરપકડ કરાયેલા તમામ સાત સંભવિત ગુનેગારો અમેરિકાને સોંપી દેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. યુએસ ટ્રેઝરી વિભાગે રાયનના સંપૂર્ણ નેટવર્ક પર નાણાકીય પ્રતિબંધો લાદી દીધા છે. તેની સંપત્તિને અટકાયતમાં લેવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા રાયનની આર્થિક શક્તિને નબળી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાયન પોલીસના હાથે ક્યાં, ક્યારે અને કઈ અવસ્થામાં ઝડપાય છે, એ જાણવું રસપ્રદ રહેશે. એની જિંદગીના રંગીન ઘટનાક્રમ પરથી કોઈ નિર્માતા ફિલ્મ બનાવે એવી શક્યતા પણ ભરપૂર છે.