એઆઈની ગતિ પર બ્રેકના આરોપમાં યુએસ કોર્ટમાં ચાર કંપની સામે કેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાતિ માટે અત્યંત જોખમી છે અને તેના વિકાસની ગતિ ધીમી કરવી જોઈએ તેવા દાવા કરીને એન્થ્રોપિક અને ઓપનએઆઈના સીઈઓએ નવો વિવાદ જગાવ્યો હતો. હવે એન્થ્રોપિક, ઓપનએઆઈ, ગૂગલ અને સ્પેસએક્સએઆઈ સામે એઆઈના વિકાસની ગતિ ધીમી પાડવા માટે ગેરકાયદે રીતે કરાર કરવાના આક્ષેપો સાથે અમેરિકાની કોર્ટમાં એન્ટીટ્રસ્ટ કાયદાના ભંગનો કેસ કરાયો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દુનિયામાં દરેક ક્ષેત્રમાં તિવ્ર ગતિએ વિકાસ કરી રહ્યું છે. ચેટબોટ પર સવાલો પૂછવાથી લઈને સંરક્ષણ ક્ષેત્રમાં હથિયારો બનાવવા અને યુદ્ધમાં ટાર્ગેટ નક્કી કરવા માટે પણ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે ટેક્નોલોજી ક્ષેત્રના માંધાતાઓએ એઆઈના વિકાસની ગતિ સામે સવાલ ઉઠાવ્યા છે. આવા સમયે અમેરિકાની નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાની કોર્ટમાં એઆઈ ક્ષેત્રની ટોચની ચારેય કંપનીઓ સામે કેસ કરાયો છે. આ કેસ એવા લોકો તરફથી કરાયો છે, જેઓ ચેટજીપીટી, ક્લોડ, ગ્રોક અને જેમિની જેવી એઆઈ સર્વિસના પેઈડ યુઝર છે. આ કેસની શરૂઆત ૧૨ સપ્ટેમ્બરે એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઈની એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી. તેમણે એઆઈના તિવ્ર ગતિએ વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, એઆઈ ક્ષેત્રમાં વધુ સાવધાની તથા સુરક્ષા સાથે આગળ વધવું જોઈએ. તેમણે એઆઈ કંપનીઓ વચ્ચે સુરક્ષા સંબંધિત બાબતોમાં કોલોબરેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઓમેડેઈની દરખાસ્તને ઓપનએઆઈના સીઈઓ સામ ઓલ્ટમેન, સ્પેસએક્સએઆઈના ઈલોન મસ્ક અને ગૂગલ ડીપમાઈન્ડના ડેમિસ હસ્સાબિસે સમર્થન કર્યું હતું. આ કંપનીઓ પર કેસ કરનારાઓનો દાવો છે કે આ નિવેદનોથી ખ્યાલ આવે છે કે મોટી એઆઈ કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ગતિ ધીમી કરવાના મુદ્દા પર એકબીજા સાથે તાલમેલ કરી રહી છે. આ કંપનીઓના પેઈડ યુઝર્સે દલીલ કરી છે કે ચેટજીપીટી, ક્લોડ, ગ્રોક અને જેમિની જેવી સર્વિસીસ વધુ સારી બનાવવાની ગતિ કંપનીઓ મળીને ઘટાડે તો તેની સીધી અસર યુઝર્સને મળતી સર્વિસ પર પડી શકે છે. તેમનો તર્ક છે કે કોઈ એક કંપની પોતે પોતાની એઆઈ ડેવલપમેન્ટની ગતિ ધીમી કરે તો તેને અન્ય કંપનીઓથી પાછળ રહી જવાનું જોખમ રહેશે. પરંતુ બધી મોટી કંપનીઓ સાથે મળીને આવું કરે તો બજારમાં સ્પર્ધા ઘટી જશે.




