કરાચીમાં આત્મઘાતી હુમલો, પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પાસે બ્લાસ્ટ અને ફાયરિંગ, ચારના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karachi Rangers Headquarters Suicide Attack: પાકિસ્તાનના કરાચીમાં આત્મઘાતી હુમલાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારના બ્લોક-6 સ્થિત રેન્જર્સ હેડક્વાર્ટર (પાકિસ્તાન રેન્જર્સનું મુખ્યાલય) નજીક જોરદાર બ્લાસ્ટ અને ભારે ગોળીબાર થયો છે. અહેવાલો અનુસાર, એક આત્મઘાતી હુમલાખોરે રેન્જર્સ કમ્પાઉન્ડને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો, જ્યારે તેના અન્ય સાથીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી વિસ્તારમાં ભીષણ અથડામણ ફાટી નીકળી. જેમાં ચાર લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે.
ધમાકા બાદ અડધો કલાક ગોળીબાર ચાલ્યો
સૂત્રોનું કહેવું છે કે પહેલો ધમાકો અત્યંત શક્તિશાળી હતો, જેના પછી બે નાના વિસ્ફોટો પણ થયા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે આશરે અડધા કલાક સુધી ગોળીબાર ચાલતો રહ્યો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલો ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારના એક મુખ્ય રોડ પર થયો, જે કરાચી યુનિવર્સિટી અને શહેરમાં આવેલી અન્ય કેટલીય યુનિવર્સિટીઓને જોડે છે અને પાકિસ્તાન હવામાન વિભાગ તરફ જાય છે.
સમગ્ર વિસ્તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ
હુમલા બાદ વિસ્તારમાં ભારે સુરક્ષા બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાન રેન્જર્સ એક અર્ધલશ્કરી દળ છે, જેનું મુખ્ય કાર્ય દેશની સરહદોની સુરક્ષા, આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી અભિયાનોને અંજામ આપવાનું છે. આ સિવાય રેન્જર્સ રમખાણો અને હિંસા પર નિયંત્રણ, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા, મોટા આયોજનો અને વીઆઈપી સુરક્ષામાં પણ મદદ કરે છે.
સિંધ રેન્જર્સ સંભાળે છે કરાચીની સુરક્ષા
આ દળ પાકિસ્તાનના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, પરંતુ જરૂર પડ્યે પાકિસ્તાની સેના સાથે મળીને પણ ઓપરેશન કરે છે. પાકિસ્તાન રેન્જર્સ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. 1- પંજાબ રેન્જર્સ, જે પંજાબ પ્રાંત અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પંજાબ સેક્ટરની દેખરેખ રાખે છે. 2- સિંઘ રેન્જર્સ, જે સિંઘ પ્રાંત, ખાસ કરીને કરાચી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સંભાળે છે. કરાચીમાં અવારનવાર કાયદો-વ્યવસ્થા અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં પાકિસ્તાન રેન્જર્સની તૈનાતી રહે છે. આ જ કારણ છે કે ગુલિસ્તાન-એ-જૌહર સ્થિત રેન્જર્સ મુખ્યાલયને હાઈ-સિક્યોરિટી ક્ષેત્ર માનવામાં આવે છે.









