World

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનોની કરાઈ ધરપકડ, દરવાજો તોડી બેડરૂમ સુધી પહોંચી પોલીસ

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં 27 સપ્ટેમ્બરે PTIના પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. લાહોર પોલીસે ઈમરાન ખાનની 3 બહેનો, અલીમા ખાન, ડૉ. ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીની ધરપકડ કરી છે. પોલીસે તેમના ઘરોમાં જબરદસ્તી ઘૂસીને બેડરૂમમાંથી અટકાયત કરી હતી. ત્રણેયને 30 દિવસ માટે કોટ લખપત જેલમાં મોકલાયા છે. તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો પરિવારનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનોની કરાઈ ધરપકડ, દરવાજો તોડી બેડરૂમ સુધી પહોંચી પોલીસ

Pakistan Police Arrest Imran Khan Sisters: ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈને પાકિસ્તાનમાં 27 સપ્ટેમ્બરે PTIના પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા પોલીસ કાર્યવાહી તેજ થઈ ગઈ છે. ઈમરાન ખાનની ત્રણ બહેનોને અટકાયતમાં લેવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ તેમના ઘરોમાં જબરદસ્તી ઘૂસી ગઈ અને બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. પ્રશાસને ત્રણેયને 30 દિવસ માટે અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ત્રણેય બહેનોની ધરપકડ કરી લીધી છે. લાહોર પોલીસે પહેલા ઈમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડ કરી હતી, હવે પોલીસે ડો. ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીની પણ અટકાયત કરી છે. પાકિસ્તાન પોલીસે આ પગલું 27 સપ્ટેમ્બરે ઈમરાનની પાર્ટીના દેશવ્યાપી પ્રદર્શન પહેલા ઉઠાવ્યું છે.

મહિલાઓને અજ્ઞાતસ્થળે લઈ જવાયા

PTIના પ્રવક્તા શેખ વકાસ અકરમે સોમવારે સવારે X પર લખ્યું, 'તેમને એક બખ્તરબંધ ગાડીમાં બેસાડવામાં આવ્યા છે, અને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.' તેમણે જણાવ્યું કે, મહિલાઓના બાળકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે, પાકિસ્તાન પોલીસ અને એજન્સીઓએ ઈમરાન ખાનના સમગ્ર પરિવારની જ અટકાયત કરી લીધી છે. લાહોરના ડેપ્યુટી કમિશનરે રવિવારે પંજાબ પ્રાંતના 'મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઑર્ડર' (જાહેર વ્યવસ્થા જાળવી રાખવા સંબંધી) કાયદા હેઠળ આ ત્રણેય બહેનોને 30 દિવસ સુધી અટકાયતમાં રાખવા માટે બે અલગ-અલગ આદેશ જારી કર્યા છે.

બેડરૂમ સુધી ઘૂસી ગઈ પોલીસ

ઈમરાન ખાનની બહેનોની ધરપકડની પ્રક્રિયા ખૂબ જ ચોંકાવનારી છે. ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેમની ફોઈઓ (ઈમરાન ખાનની બહેનો) અને કઝિન્સના ઘરોમાં જબરદસ્તી ઘૂસીને તેમને વાહનોમાં બેસાડ્યા હતા. તેમણે લખ્યું કે, અધિકારીઓ ઘરમાં જબરદસ્તી ઘૂસી ગયા અને પરિવારના લોકોને લઈ ગયા. ચર્ચિત પત્રકારે એક સમાચારપત્રના અહેવાલને ટાંકીને ઈમરાન ખાનના પરિવારના એક સભ્યના હવાલેથી જણાવ્યું કે, 200થી વધુ પોલીસ અધિકારીઓએ લાહોરમાં તેમની બહેનોના ઘરો પર દરોડા પાડ્યા અને બેડરૂમનો દરવાજો તોડી નાખ્યો, જ્યારે ઈમરાનની બહેન ડૉ.. ઉઝમા ખાન પલંગ પર સૂતા જ હતા.

તેમણે એમ પણ કહ્યું કે બંને ઘરોના સ્ટાફને તેમના ક્વાર્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો, અલીમા ખાનના સ્ટાફને પોલીસ વાનમાં નાંખી દેવામાં આવ્યો અને પોલીસે અન્ય લોકોને પણ ધરપકડ કરવાની ધમકી આપી.

30 દિવસ સુધી નહીં થઈ શકે મુક્ત

નૌરીન નિયાઝી અને ડૉ. ઉઝમાને 'મેન્ટેનન્સ ઑફ પબ્લિક ઑર્ડર' વટહુકમ હેઠળ 30 દિવસ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે, અને કોટ લખપત જેલ મોકલી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ તેમને જાહેર શાંતિ માટે સંભવિત ખતરો ગણાવ્યા છે, જ્યારે આ બહેનોનો કોઈ રાજકીય કે પાર્ટી સાથે જોડાયેલો રોલ નથી.

27 સપ્ટેમ્બરે ઈમરાનની પાર્ટીનું પ્રદર્શન

આ બધું PTIના 27 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદમાં યોજાનારા માર્ચના થોડા દિવસો પહેલા થઈ રહ્યું છે, જેને રોકવા માટે સરકારે હજારો પોલીસકર્મીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

ઈમરાનના ભત્રીજા શેરશાહ ખાને X પર લખ્યું કે, અમારા ઘરને ઘેરી લેવામાં આવ્યું છે. અમારી શેરીના બંને છેડા સીલ કરી દેવામાં આવ્યા છે, જેનાથી વાસ્તવમાં અમારો આખો પરિવાર નજરકેદ થઈ ગયો છે. શેરશાહે લખ્યું કે મારી માતા અલીમા ખાનનું થોડા કલાકો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. અમને હજુ સુધી કોઈ માહિતી નથી કે તેમને ક્યાં રાખવામાં આવ્યા છે. પરિવારને તેમના ઠેકાણા વિશે અંધારામાં રાખવું બિલકુલ ખોટું છે.

'હિટલર જેવી ક્રૂરતા'

ઈમરાન ખાનના પૂર્વ ચીફ ઑફ સ્ટાફ શાહબાઝ ગિલે આ ધરપકડોને 'હિટલર જેવી ક્રૂરતા' ગણાવી છે. તેમણે X પર લખ્યું, 'આ હિટલર જેવી ક્રૂરતા છે. આ શરમજનક છે કે, પશ્ચિમી લોકશાહી કાયદાના શાસન, લોકશાહી, માનવાધિકારો અને અભિવ્યક્તિની આઝાદીના ઉલ્લંઘન પર આંખો બંધ કરી લે છે. દુનિયાએ આના પર અવાજ ઉઠાવવો જોઈએ.'

પાકિસ્તાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા મરિયમ નવાઝ ખાને પણ આ વાત સાથે સહમતી દર્શાવી હતી અને કહ્યું કે આનાથી લોકોના દિલમાં નારાજગી અને નફરત જ વધશે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમની મુક્તિ માટે તેમની બહેનો લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે.