World

પહેલી વખત AIની મદદથી વેક્સિન બનાવાઈ : મહામારીઓ સામે કવચ

By GS Team
6 Jun 20262 mins read
પહેલી વખત AIની મદદથી વેક્સિન બનાવાઈ : મહામારીઓ સામે કવચ

- યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોનું સંશોધન  

- વાયરસના તમામ પ્રકારના વેરિએન્ટ્સ સામે લડી શકે છે : વૈજ્ઞાનિકોએ ખાસ સુપર એન્ટિજન તૈયાર કર્યું

લંડન : બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી નવા પ્રકારની વેક્સિન ડેવલપ કરી છે. આ વેક્સિન હાલના કોરોના વાયરસ જ નહીં પરંતુ, ભવિષ્યમાં ફેલાઈ શકે તેવા નવા વાયરસો સામે રક્ષણ આપી શકે છે. આ પહેલી વખત છે જ્યારે, વેક્સિનનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે એઆઈ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ તેનું માણસો પર પરીક્ષણ કરવામાં આવ્યું હોય. 

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વેક્સિન કોરોના વાયરસના તમામ વેરિએન્ટ્સ સામે લડી શકે છે. આ વેરિએન્ટ્સમાં હાલમાં પ્રાણીઓમાં જોવા મળતા વેરિએન્ટ્સનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે, વેક્સિન કોઈ એક ચોક્કસ વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે પરંતુ, વાયરસ સમય જતાં પોતાનું સ્વરૂપ બદલે છે. જેના કારણે નવી વેક્સિન અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડે છે. કેમ્બ્રિજની ટીમે અલગ-અલગ કોરોના વાયરસના જિનેટિક ડેટાનો ઉપયોગ કરીને એઆઈની મદદથી એક ખાસ સુપર એન્ટિજન તૈયાર કર્યું છે. 

આ સુપર એન્ટિજન શરીરની ઈમ્યુન સિસ્ટમને વાયરસના અનેક પ્રકારોને ઓળખવાની ટ્રેનિંગ આપે છે. આ વેક્સિનનું પહેલું ટ્રાયલ ૩૯ લોકો પર કરવામાં આવ્યું હતું. જેમાં, શરૂઆતના પરિણામો મુજબ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાયું હતું. હવે, લગભગ ૨૦૦ લોકો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફ્લુ, બર્ડ ફ્લૂ અને ઈબોલા જેવા રોગો સામે પણ નવી વેક્સિન ડેવલપ કરવામાં આવશે.