ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flydubai Flight Hijack Scare: દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હાઈજેકિંગની આશંકા પાછળનું સાચું અને ચોંકાવનારું કારણ હવે સામે આવ્યું છે. ધ જેરૂસલેમ પોસ્ટ તથા ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ અનુસાર આકાશમાં કોઈ આતંકી કે હાઈજેકર નહીં, પરંતુ ખુદ વિમાન ઉડાડી રહેલા બંને પાયલટ અંદરોઅંદર લડી પડ્યા હતા. કોકપિટમાં બંને પાયલટો વચ્ચે થયેલા આ હિંસક વિવાદના કારણે આખું પ્લેન રસ્તો ભટકી ગયું હતું અને તાત્કાલિક ધોરણે સાઉદી અરેબિયાની ધરતી પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
થોડી ક્ષણો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો
વિમાનમાં આશરે 180 જેટલા ઈઝરાયલી મુસાફરો સવાર હતા. આ ઘટનાના કારણે થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચી ગયો હતો અને ઈઝરાયલે સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કટોકટી જાહેર કરવી પડી હતી.
કોકપિટમાં પાયલટો વચ્ચે મારામારી: પ્લેન રસ્તો ભટક્યું
અહેવાલો અનુસાર, ફ્લાઈટ જ્યારે હવામાં હતી ત્યારે અચાનક બંને પાયલટ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને પાયલટ વચ્ચેના આ સંઘર્ષને કારણે વિમાન તેના નિર્ધારિત રૂટ પરથી ફંટાઈ ગયું હતું.
દુનિયાભરમાં પ્લેન હાઈજેક થયું હોવાનો ભય ફેલાયો
કોકપિટમાંથી અચાનક અસામાન્ય હલચલ અને ઈમરજન્સી સંકેત મળતાં જ એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે વિમાનનું અપહરણ થઈ ગયું હોવાની આશંકા ફેલાઈ ગઈ હતી. આ અફરાતફરી વચ્ચે વિમાનને તાત્કાલિક સાઉદી અરેબિયા તરફ વાળીને સલામત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.
ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા, વડાપ્રધાન નેતન્યાહૂએ બોલાવી હાઈલેવલ બેઠક
- હાઈજેકિંગના ભયના કારણે ઈઝરાયલનું સંરક્ષણ તંત્ર તાત્કાલિક સક્રિય થઈ ગયું હતું.
- ઈઝરાયલ એરફોર્સે પોતાનું એલર્ટ લેવલ વધારી દીધું હતું અને કોઈપણ કટોકટીને પહોંચી વળવા આકાશમાં ફાઈટર જેટ્સ તૈનાત કરી દીધા હતા.
- ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંરક્ષણ અને સુરક્ષા અધિકારીઓ સાથે તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ
180 મુસાફરો ભરેલા વિમાનમાં આકાશ વચ્ચે પાયલટોનું આ પ્રકારનું બેજવાબદાર વર્તન ઉડ્ડયન ઇતિહાસની સૌથી વિચિત્ર અને ગંભીર ઘટનાઓમાં સ્થાન પામી ગયું છે. સાઉદી અરેબિયામાં વિમાન સુરક્ષિત ઉતર્યા બાદ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે બંને પાયલટો સામે કડક એવિએશન તપાસ શરૂ કરવામાં આવી છે.




