World

'મેં વિચાર્યું હવે હું મરી જઈશ', ફ્લાયદુબઈના જાંબાઝ પાઇલટ સ્મિત મચ્છરે નેતન્યાહુ સામે વર્ણવી ઘટના

By GS Team
4 Oct 20264 mins read
TukuTouch Logo
Flydubaiની ફ્લાઇટ FZ1073માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર સહ-પાઇલટે કુહાડીથી હુમલો કર્યો હતો. દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનમાં 174 મુસાફરો હતા. કેપ્ટન મચ્છરે જીવ જોખમે મૂકી કોકપિટનો દરવાજો ખોલી યાત્રીઓના જીવ બચાવ્યા. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કેપ્ટન સ્મિતને ઈઝરાયલના સ્વાતંત્ર્ય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મેં વિચાર્યું હવે હું મરી જઈશ', ફ્લાયદુબઈના જાંબાઝ પાઇલટ સ્મિત મચ્છરે નેતન્યાહુ સામે વર્ણવી ઘટના

Flydubai Cockpit Attack: Indian Captain Smit Machchhar Recounts Heroic Survival To Netanyahu | હજારો ફૂટની ઊંચાઈએ ઊડી રહેલા વિમાનમાં જ્યારે તમારો પોતાનો જ સહ-પાઇલટ અચાનક લોખંડની ઈમરજન્સી કુહાડી લઈને તમારા માથા પર ઉપરાઉપરી ઘા કરવા લાગે ત્યારે શું થાય? મોટાભાગના લોકો માટે આ વિચાર જ કંપારી છોડાવી દે તેવો છે. પરંતુ 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર માટે આ ભયાનક વાસ્તવિકતા બની ગઈ હતી.

માથામાંથી વહેતું લોહી, આંખો સામે છવાઈ ગયેલું ઘોર અંધારું અને નીચે તરફ ખાબકી રહેલું વિમાન આવા કપરા સંજોગોમાં પણ આ ભારતીય પાઇલટે હાર ન માની. તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને કોકપિટનો દરવાજો ખોલ્યો અને વિમાનમાં સવાર 174 નિર્દોષ મુસાફરોને મોતની ખાઈમાં ધકેલાતા બચાવી લીધા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે શનિવારે થયેલી વાતચીતમાં કેપ્ટન સ્મિતે તે ભયાવહ ક્ષણોની જે વિગતો આપી છે, તે સાંભળીને સૌ કોઈના રુંવાડા ઊભા થઈ જાય તેમ છે.

પ્રાર્થનાના નામે રચેલું ષડયંત્ર: સન્માન આપવું કેપ્ટનને ભારે પડ્યું

બોઇંગ એરક્રાફ્ટ હવામાં એકદમ સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું હતું. અચાનક ઓમાની સહ-પાઇલટ હમામ અલ-હમ્મામી પોતાની સીટ પરથી ઊભો થયો અને તેણે જણાવ્યું કે તે પ્રાર્થના કરવા માગે છે. કેપ્ટન સ્મિતે જણાવ્યું કે સ્થાનિક કલીગ્સ માટે આ પ્રક્રિયા સામાન્ય હોય છે. સાથીદારની ધાર્મિક ભાવના પ્રત્યે સન્માન દર્શાવવા માટે કેપ્ટન સ્મિતે પાછળ ન જોયું અને માત્ર સામે કંટ્રોલ પેનલ તરફ જ નજર રાખી.

પરંતુ આ ધાર્મિક આડ માત્ર એક ખતરનાક ચાલ હતી. આશરે 4 થી 5 મિનિટ વીત્યા પછી ઓમાની સહ-પાઇલટે ઈમરજન્સી હેતુ માટે રખાતી અગ્નિશામક કુહાડી ઉપાડી અને આગળ જોઈ રહેલા કેપ્ટન સ્મિતના માથાના પાછળના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો.

'મને લાગ્યું પ્લેન તૂટી પડ્યું છે': પહેલા ઘા બાદ ઉપરાઉપરી હુમલા

પ્રથમ પ્રહાર એટલો અચાનક અને પ્રચંડ હતો કે કેપ્ટન સ્મિતને શરૂઆતમાં સમજાયું જ નહીં કે તેમની સાથે શું બન્યું છે. તેમને લાગ્યું કે વિમાન હવામાં કોઈ વસ્તુ સાથે અથડાયું છે અથવા વિમાનમાં કોઈ મોટી યાંત્રિક ખામી સર્જાઈ છે.

લગભગ 4-5 મિનિટ પછી મારો પહેલો વિચાર એ આવ્યો કે વિમાનને કોઈ મોટું નુકસાન થયું છે અને કંઈક ગંભીર બન્યું છે. પરંતુ તે પછી એક પછી એક ઉપરાઉપરી ઘા થવા લાગ્યા. ત્યારે મને અહેસાસ થયો કે આ વિમાનની કોઈ ખરાબી નથી, પરંતુ કોકપિટમાં મારી સાથે રહેલો શખસ મારા પર હુમલો કરી રહ્યો છે. - કેપ્ટન સ્મિત મચ્છર

હુમલાખોર સહ-પાઇલટે તેમના માથા પર એટલા ઘા માર્યા કે કેપ્ટનની આંખો સામે અંધારા આવી ગયા અને તેમની જોવાની ક્ષમતા લગભગ શૂન્ય થઈ ગઈ.

ક્રેશ થવા તરફ ધકેલાતું વિમાન અને કેપ્ટનની આખરી લડાઈ

ગંભીર ઈજાઓ અને ધૂંધળી દૃષ્ટિ વચ્ચે પણ કેપ્ટન સ્મિત સમજી ગયા કે વિમાન ખૂબ જ તીવ્ર ગતિથી સીધું નીચે જમીન તરફ ખાબકી રહ્યું છે. મુસાફરોના ચીસો પાડવાના અવાજો અને વિમાનનું અસંતુલન સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે પ્લેન ક્રેશ થવાના આરે છે.

સ્મિત મચ્છરે એક વખત દરવાજો ખોલ્યો તો હુમલાખોરે બંધ કરી દીધો


કોકપિટના ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા કેપ્ટને હિંમત એકઠી કરી. તેઓ જાતે ઊભા થયા અને કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તેમણે દરવાજો એકવાર ખોલી પણ નાખ્યો, પરંતુ હુમલાખોરે તેમને પાછળ ખેંચી લીધા અને દરવાજો ફરીથી બંધ કરી દીધો. કેપ્ટન ફરી નીચે પટકાયા.

મુસાફરો પણ દરવાજો ખોલવા માટે મથી રહ્યા હતા

નેતન્યાહુ સાથેની વાતચીતમાં કેપ્ટને દરવાજો ખોલવાની ટેકનિકલ બાબત પણ સ્પષ્ટ કરી હતી. નેતન્યાહુએ પૂછ્યું કે શું તમે કોઈ 'પિન' ખેંચી હતી? ત્યારે કેપ્ટને જણાવ્યું કે બોઇંગના દરવાજામાં કોઈ પિન નથી હોતી. બહાર ઊભેલા ક્રૂ મેમ્બર્સ કોડ નાખીને દરવાજો ખોલવા મથી રહ્યા હતા, પરંતુ હુમલાખોર અંદરથી સિસ્ટમ બ્લોક કરી રહ્યો હતો. અંદરથી દરવાજો ખોલવા માટે માત્ર એક નાનકડી ગોળ નોબને ટ્વિસ્ટ કરવાની હોય છે.

અંધાપો આવી ગયો હોવા છતાં લોહીથી લથપથ હાથે કેપ્ટને તે નોબ શોધી કાઢી અને એક ઝડપી ઝટકા સાથે ટ્વિસ્ટ કરી દીધી. આ જોઈને નેતન્યાહુએ દાદ આપતા કહ્યું: A twist of fate and a twist of faith.

ઓમાનના પાઈલટને દબોચી લીધો

દરવાજો ખૂલતાની સાથે જ બહાર એલર્ટ ઊભેલા મુસાફરો અને અન્ય ફ્લાઇટ ક્રૂ અંદર ધસી આવ્યા. તેમણે હુમલાખોર ઓમાની પાઇલટને દબોચી લીધો અને પ્લેન પર ફરી નિયંત્રણ મેળવ્યું. ફ્લાઇટમાં સવાર અન્ય રિઝર્વ પાઇલટ્સે સમયસૂચકતા વાપરીને વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ઈઝરાયલી નાગરિકો હતા.

હનુમાન ચાલીસાનું રક્ષણ

કેપ્ટન સ્મિતે અગાઉ 02 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હોસ્પિટલથી વાત કરતી વખતે કહ્યું હતું કે જ્યારે તેઓ મોત સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે તેમણે મનોમન હનુમાન ચાલીસાનું સ્મરણ કર્યું હતું અને ભગવાન હનુમાનજીએ જ તેમને ઊભા થઈને લડવાની અદભુત શક્તિ આપી હતી.

સ્મિત મચ્છરને ઈઝરાયલના સ્વાતંત્ર સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ

નેતન્યાહુએ કેપ્ટન સ્મિત મચ્છર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી મે મહિનામાં યોજાનારા ઈઝરાયલના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને પરંપરાગત મશાલ પ્રગટાવવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. આ સન્માન સામાન્ય રીતે માત્ર ઈઝરાયલી નાગરિકોને જ આપવામાં આવે છે.

UAE સરકારનું સમર્થન: સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમે અબુ ધાબીની હોસ્પિટલમાં કેપ્ટનની રૂબરૂ મુલાકાત લઈને માનવજીવન પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને સલામ કરી હતી.