Get The App

અફઘાનમાં ભારે વરસાદને પગલે પૂર : 22નાં મોત, 32 ઘાયલ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
અફઘાનમાં ભારે વરસાદને પગલે પૂર : 22નાં મોત, 32 ઘાયલ 1 - image

- ઘરોની છત તૂટી પડવાને કારણે એક ડઝન લોકોનાં મોત

- છેલ્લા સપ્તાહમાં ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં 130થી વધારે લોકોનાં મોત

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ખરાબ હવામાનને કારણે ૨૨ લોકોનાં મોત થયા છે અને ૩૨ લોકો ઘાયલ થયા છે તેમ અફઘાનિસ્તાનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

જે પૈકી એક ડઝનથી વધારે લોકો પૂર્વ અફઘાનિસ્તાનમાં સમગ્ર રાત પડેલા ભારે વરસાદને કારણે ઘરોની છત તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતાં. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં ૧૩૦થી વધારે લોકોનાં મોત થયા છે. હજારો ઘર નાશ પામ્યા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે. 

અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જારી કરવામાં તાજેતરનાં આંકડા ચાલુ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં ભારે બરફવર્ષા અને પૂરથી થયેલા મોતનાં આંકડાથી વધારે છે. 

અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને તે ખરાબ હવામાનની ઘટનાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર આ આંકડો હજુ પણ વધી શકે છે. 

નંગરહાર પ્રાંતનાં ઇન્ફરમેશન એન્ડ કલ્ચરલ ડિરેક્ટોરેટમાં કાર્યરત ઇન્ફરમેશન ડાયરેક્ટર સિદ્દીકુલ્લાહ કુરેશીનાં જણાવ્યા અનુસાર પૂર્વીય શહેર જલાલાબાદનાં મોટા ભાગના વિસ્તારો મંગળવાર સવાર સુધીમાં પૂરની ચપેટમાં આવી ગયા હતાં.

શહેર અને આસપાસના જિલ્લાઓમાં છત પડવાથી ૧૩ લોકોનાં મોત થયા હતાં  અને અન્ય ૧૯ ઘાયલ થયા હતાં. જલાલાબાદ નંગરહાર પ્રાંતનું મુખ્ય શહેર છે. 

કુરેશીએ જણાવ્યું હતું કે પ્રાંતનાં વિવિધ ભાગોમાં પૂરનાં પાણીમાં ફસાઇ ગયેલા ૧૦૪ લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.