પાક-અફઘાનિસ્તાન સરહદે આરપારની લડાઈ! 28 લડવૈયા ઠાર, 32 ઝડપાયા; જાણો ગ્રાઉન્ડ રિયાલિટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan-Afghanistan Border Clash : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ ફરી એકવાર આગ ઝરતી તેજી પર આવી ગયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં અમારા દળોએ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરીને આવેલા 28 લડવૈયાઆને ઠાર માર્યા છે, જ્યારે 32ની ધરપકડ કરી છે. કાબુલે આરોપ લગાવ્યો છે કે, આ લડવૈયાઓને પાકિસ્તાની મિલિશિયાનું સમર્થન પ્રાપ્ત હતું. બીજી તરફ, પાકિસ્તાને આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે.
લડવૈયાઓ સરહદે હુમલા કરવાના ઇરાદે ઘૂસ્યું હતું : અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, લડવૈયાઓનું આ જૂથ શનિવારે નૂરીસ્તાનના કામદેશ જિલ્લામાં પાકિસ્તાન સરહદેથી હુમલા કરવાના ઇરાદે ઘૂસ્યું હતું. અફઘાન દળોએ ચલાવેલા ઓપરેશનમાં 28 ઘૂસણખોરો માર્યા ગયા, જ્યારે બાકીના લડવૈયા પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગી ગયા હતા.
‘લડવૈયાઓને પાકિસ્તાનનું સમર્થન, અથડામણ થતાં ભાગી ગયા’
કાબુલનો દાવો છે કે, પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ આ લડવૈયાઓ સાથે જોડાયેલા હતા, પરંતુ અથડામણ શરૂ થતાં જ તેઓ પાછળ હટી ગયા હતા. મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ભૂતપૂર્વ અફઘાન સુરક્ષાકર્મીઓને રોજગારી અને સહાયનું વચન આપીને પાકિસ્તાનમાં તાલીમ આપી હતી અને ત્યારબાદ તેમને હુમલા માટે નૂરીસ્તાન મોકલ્યા હતા.
પાકિસ્તાને અફઘાનિસ્તાનના આરોપો નકાર્યા
પાકિસ્તાનના માહિતી મંત્રાલયે અફઘાનિસ્તાનના આ તમામ દાવાઓને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેમની કોઈ ગુપ્તચર એજન્સી કે સુરક્ષા દળ આ હુમલામાં સામેલ નથી. પાકિસ્તાને પૂર્વ સુરક્ષાકર્મીઓને તાલીમ આપવાની કે ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી જૂથોને મદદ કરવાની વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.




