પુતિન યુક્રેન સામે ટેકટિકલ ન્યુક્લિયર વેપનનો ઉપયોગ તેવા ડરથી ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સીઆઇએના વડા મારતા પ્લેને મોસ્કો પહોંચ્યા
- પુતિન બ્રિટન પર મર્યાદિત પ્રમાણમાં લશ્કરી હુમલો કરે તેવા અંદેશાથી નાટો દેશોમાં ભારે હડકંપ મચ્યો
મોસ્કો : રશિયન પ્રમુખ પુતિન યુક્રેન યુદ્ધના અંતિમ ઉપાય તરીકે ટેકટિકલ ન્યુક્લિયર વેપન્સ એટલે કે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે, એમ ક્રેમલિનના સ્ત્રોતને ટાંકીને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઆ આપેલા અહેવાલના પગલે સનસનાટી મચી ગઈ છે. આના પગલે જ અમેરિકાના સીઆઈએના વડા તાત્કાલિક પ્લેન પકડીને મોસ્કો દોડયા ગયા હોવાનું મનાય છે.
તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી રશિયા આ પ્રકારના તારણ પર પહોંચ્યુ હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ચીન અને ભારતે પુતિનને પરમાણુ શસ્ત્રોના ઉપયોગ સામે ચેતવણી આપી છે. ટેકટિકલ ન્યુકિલ્યર વેપન્સ ટૂંકી રેન્જના પરમાણુ શસ્ત્રો છે. તેને આખા શહેરો કે દેશો ખતમ કરવા નહીં પરંતુ યુદ્ધ ક્ષેત્રમાં મર્યાદિત ધોરણે ઉપયોગ કરવા ડિઝાઇન કરવામાં આવે છે. આમ છતાં પણ તે જબરદસ્ત વિનાશક શક્તિ ધરાવે છે અને આ શ્સત્રો તેની હદમાં આવતી બધુ જ વસ્તુઓને ખતમ કરી નાખવાની વિનાશક ક્ષમતા ધરાવે છે.
યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના વરિષ્ઠ અધિકારીઓએ પણ તે વાતને સમર્થન આપ્યું છે કે બૈજિંગે મોસ્કોને સંદેશો મોકલ્યો છે કે તે યુક્રેનમાં ટેકટિકલ ન્યુક્લિયર વેપનના જરાસરખો ઉપયોગ કરવાનો પણ વિચાર ન કરે. હાલમાં તો રશિયા શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરીને યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રકચરને ખતમ કરી રહ્યુ છે. તાજેતરમાં જ બ્રિટન અને રશિયા વચ્ચે રાજકીય ગરમી વધી છે તેના પગલે નાટોના સભ્ય દેશ સાથે પુતિન મર્યાદિત લશ્કરી ઓપરેશન ન કરે તે હેતુથી અમેરિકાના સીઆઈએના વડા જહોન રેટક્લિફ મોસ્કો ગયા હતા અને તેમણે ત્યાં રશિયન ઇન્ટેલિજન્સના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બ્રિટને આપેલા ડ્રોનની ટેકનોલોજીના કારણે યુક્રેન રશિયામાં છેક અંદર સુધી હુમલા કરી શકતું હોવાની જાણીને પુતિન બરોબરના વીફર્યા છે.
રશિયાએ શુક્રવારે યુક્રેન પર ડ્રોન એટેક કર્યા હતા અને રાજધાની કીવને નિશાન બનાવી હતી. સતત ડ્રોન હુમલાના કારણે રાજધાની કીવ ૧૫ કલાક સુધી લોકડાઉન જેવી સ્થિતિમાં આવી ગઈ હતી. રશિયાના કીવ પરના હુમલામાં ૧૪ વેરહાઉસને નુકસાન થયું હતું, ૧૬ પ્રાઇવેટ હાઉસ ધ્વસ્ત થયા હતા, આ ઉપરાંત ત્રણ રહેણાક બિલ્ડિંગ અને ૧૬ વાહનોને ભારે નુકસાન થયું હતું. રશિયા કીવને થંભાવી દેવા માટે નાના પણ જેટ પાવર્ડ ડ્રોનનો મોટાપાયા પર ઉપયોગ કરી રહ્યુ છે, જેથી એર ડિફેન્સને મોટાપાયા પર ચકમો આપી શકાય. યુક્રેનની એરફોર્સે જણાવ્યું હતું કે રશિયાએ કુલ ૧૬૪ ડ્રોન વડે હુમલો કર્યો હતો. તેમા એક ૬૧ વર્ષીય યુક્રેનિયન માર્યો ગયો હતો અને બીજા સાતને ઇજા થઈ હતી.
રશિયા છેલ્લા સાડા વર્ષથી આ જ રીતે યુક્રેનના આર્થિક રીતે પાયમાલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ ઉપરાંત યુક્રેનના બ્લેક સીને જોડતા દક્ષિણ ખેરસના પ્રાંતમાં પણ રશિયાએ હુમલા કર્યા હતા. રશિયા પાસે તેનો ૭૦ ટકા કબ્જો છે.
બીજી બાજુએ રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે છેલ્લા ૨૪ કલાકમાં રશિયાના ૧૮ પ્રાંત પર ત્રાટકેલા યુક્રેનના ૫૧૨ ડ્રોન તોડી પાડયા છે. યુક્રેને રશિયાના ઓઇલ સેક્ટરને લક્ષ્યાંક બનાવવાનું જારી રાખ્યું છે. યુક્રેને શુક્રવારે કરેલા હુમલામાં રશિયાની સ્લાવનેફ્ટ-યાનોસ રિફાઇનરીને લક્ષ્યાંક બનાવી હતી. તેના લીધે રીફાઇનરીને મોટું નુકસાન થયું છે. યુક્રેનના યારોસ્લાવી રિજયન પરના હુમલામાં એક રશિયનનું મોત થયું છે અને ૨૭ને ઇજા થઈ છે.




