Get The App

કેનેડામાં ફેક પાયલોટ ઝડપાયો 17 વર્ષ સુધી પ્લેન ઉડાડયું હતું

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
કેનેડામાં ફેક પાયલોટ ઝડપાયો 17 વર્ષ સુધી પ્લેન ઉડાડયું હતું 1 - image

- સત્તાવાળાઓ અને એર કેનેડાથી લઈ બધા ઉંઘતા ઝડપાયા

- માત્ર કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ હતું : ખોટા દસ્તાવેજોના આધારે પેસેન્જર વિમાન ઉડાડવાનું લાઈસન્સ મેળવ્યું હતું

- કુલ 10 હજાર કલાકથી વધુ સમય વિમાન ઉડાડવાનો અનુભવ : બોઇંગ 767, 777 અને 787 જેવા મહાકાય પ્લેન ઉડાવ્યાં

ટોરોન્ટો : આપણે બોગસ ડોક્ટર પકડાયાના સમાચાર ઘણી વખત સાંભળીએ છીએ, પરંતુ ક્યારેય બનાવટી પાયલોટ પકડાયો હોય તેવું સાંભળ્યું છે. હવે આ હકીકત બની છે. એર કેનેડા એરલાઇન્સમાં એક પાયલોટે બનાવટી લાઇસન્સ પર ૧૭ વર્ષ સુધી પ્લેન ઉડાડયુ હતુ. રેગ્યુલેટરી ઓથોરિટીએ કરેલી તપાસમાં તેનું લાઇસન્સ બનાવટી હોવાનું જાણમાં આવતા સત્તાવાળાઓની ઊંઘ ઉડી ગઈ હતી. 

એર કેનેડાના આ પાયલોટ પર હવે બનાવટી પાયલોટ લાઇસન્સ પર ૧૭ વર્ષ સુધી હજારો કિ.મી. પ્લેન ઉડાડવા બદલ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસકારોએ પહેલી જૂનના રોજ જ્યોફ્રી વોલ નામના આ પાયલોટની ધરપકડ કરી હતી. તેણે ૨૦૦૯થી ૨૦૨૫ દરમિયાન ૯૦૦થી પણ વધુ ડોમેસ્ટિક  અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાડી હતી. આશ્ચર્યની વાત એ છે કે કોઈપણ પ્રકારના યોગ્ય લાઇસન્સ વગર તેણે આમ કામ કર્યુ હતુ. આ બનાવ અંગે જાણીને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

રિજનલ પોલીસ હેડે જણાવ્યું હતું કે આ બધુ જાણે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ હોય તેવું લાગે છે. આ રીતે બનાવટી લાઇસન્સ પર દુર્ઘટના વગર પ્લેન ઉડાડવા તે કલ્પના બહારની વાત છે. આ ફેક પાયલોટે ૧૭ વર્ષ દરમિયાન બોઇંગ ૭૬૭, ૭૭૭ અને ૭૮૭ ઉડાડયુ હતુ. કોઈને ખબર પણ ન પડી. આ દરમિયાન તેણે પાયલોટ તરીકે ૩૦ લાખ ડોલરની કમાણી પણ કરી. 

આ કેસમાં વોલ પાસે એર કેનેડામાં તેની ૨૭ વર્ષની કારકિર્દીમાં કોમર્સિયલ પ્લેન ઉડાડવાનું લાઇસન્સ હતું, પરંતુ પોલીસનું કહેવું છે કે તે એરોપ્લેન ઉડાડવા માટે એરલાઇન ટ્રાન્સપોર્ટ પાયલોટ લાઇસન્સ ધરાવતો ન હતો, જેને એટીપીએલ-એ કહેવાય છે. તેનું જ્યારે ૨૦૦૯માં કેપ્ટન તરીકે પ્રમોશન કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારનું લાઇસન્સ હોવું જરૂરી છે. 

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એવી વાત થઈ કે કોઈ ડોક્ટરને ફક્ત ફેમિલી મેડિસિન જ પૂરી પાડવાનું લાઇસન્સ મળ્યું હોય, પરંતુ તે સીધો સર્જન તરીકે ઓપરેશન કરવા માંડે છે, જેની પાસે આવું કોઈ લાઈસન્સ જ હોતું નથી. આરોપીએ તેના માલિક અને નિયમનકાર બંને સમક્ષ તેના ક્વોલિફિકેશન અંગે ખોટી રજૂઆત કરી હતી. 

વોલની ધરપકડ ૨૦૨૫માં રેગ્યુલેટરો દ્વારા થતી નિયમિત ચકાસણી દરમિયાન આખી વાત પ્રકાશમાં આવતા કરવામાં આવી હતી. રેગ્યુલેટરને તેના પાયલોટ તરીકેના દસ્તાવેજમાં વિસંગતતા જણાતા તેણે તપાસ કરી હતી. તેમા આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આરોપી સામે તપાસ શરૂ થઈ તે પૂર્વે તે ૨૦૨૫માં નિવૃત્ત પણ થઈ ગયો હતો.