અમેરિકાના સેન ડિયેગોમાં F-35B સ્ટીલ્થ ફાઈટર જેટ ક્રેશ, પ્રચંડ ધડાકા સાથે આગમાં લપેટાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

F-35B Stealth Fighter Jet Crashes In San Diego: અમેરિકાના સેન ડિયેગોમાં મિરામાર એર બેઝ નજીક F-35B સ્ટીલ્થ ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે સર્જાઈ હતી. ઘટના અંગે માહિતી આપતાં યુએસ મરીન કોર્પ્સે જણાવ્યું કે, 'કેલિફોર્નિયામાં ક્રેશ થતાં પહેલાં F-35B સ્ટીલ્થ ફાઈટર જેટથી ઈજેક્ટ કરનારા પાયલટના બચવાની આશા છે.' મરીન કોર્પ્સે એક અપડેટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 'પાયલટ ઈજેક્ટ થઈ ગયો હતો અને તેને સામાન્ય ઈજાઓ થઈ છે, જે જીવલેણ નથી. તેને સારવાર અને તપાસ અર્થે નજીકની મેડિકલ સેન્ટરમાં સ્થિર હાલતમાં ખસેડવામાં આવ્યો છે.'
વીડિયો પણ સામે આવ્યો
દુર્ઘટના બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હેલિકોપ્ટરથી લેવામાં આવેલા એરિયલ વીડિયોમાં એક માટી વાળા મેદાનમાં કાટમાળમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો હતો. આ સાથે જ અનેક મિલિટ્રી તથા ફાયર ફાઈટિંગ વાહનો અને લોકો નજીકમાં ઊભા હતા. આ દરમિયાન જમીન પર સફેદ રંગનું ફ્લેમ રિટાર્ડન્ટ (આગ ઓલવવાનો પદાર્થ) ફેલાયેલું દેખાતું હતું અને ઓછામાં ઓછી એક વ્યક્તિ ફાયર હોઝ વડે કાટમાળ પર પાણીનો છંટકાવ કરી રહી હતી. બીજી તરફ સેન ડિયેગો ફાયરના પ્રવક્તા કેન્ડિસ હેડલીએ કહ્યું કે, ક્રેશ વાળી જગ્યા નજીક લાગેલી આગને ઓલવવા માટે ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે આગળના સવાલો માટે મરીન કોર્પ્સ એર સ્ટેશન મિરામારનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ધમાકા સાથે લાગી આગ
એક પ્રત્યક્ષદર્શી વેડ લોટે આ ક્રેશ ત્યારે જોયું જ્યારે તેઓ ફ્લાઈટ લાઈનની દક્ષિણે આવેલી એક કંક્રીટ કંપનીમાં કામ પર જઈ રહ્યા હતા. વેડ લોટે પોતાના ટ્રકમાંથી જોયું કે બે જેટ એકસાથે રનવે તરફ નીચે આવી રહ્યા હતા. લોટે જણાવ્યું કે, 'પ્રથમ જેટ તો કોઈ મુશ્કેલી વગર લેન્ડ થઈ ગયું, પરંતુ બીજું જેટ અચાનક ધીમું થવા લાગ્યું, માનો તે હવામાં એક જ જગ્યાએ સ્થિર (હોવર) કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય. જ્યારે જેટ જમીનથી લગભગ 100 ફૂટ (30 મીટર) ઊંચાઈ પર હતું, ત્યારે પાયલટ ઈજેક્ટ થઈ ગયો અને પેરાશૂટ ખુલતાં જ તે યોગ્ય સમયે હવામાં લગભગ 200 ફૂટ (61 મીટર) ઉપર ફેંકાયો. જેટ બીજા પ્લેનની બરાબર બાજુમાં જ જમીન સાથે અથડાયું. તે રનવે પર ખાબક્યું અને તેમાં જોરદાર ધમાકો થયો.'
F-35ની વિશેષતા
ગવર્નમેન્ટ એકાઉન્ટિંગ ઓફિસના 2024ના વિશ્લેષણ પ્રમાણો U.S. મરીન કોર્પ્સ, નેવી અને એરફોર્સ પાસે કુલ મળીને 630થી વધુ F-35 છે. F-35B એ આ વિમાનના વિવિધ વર્ઝન પૈકીનું એક છે, અને તેમાં એવું એન્જિન લગાવાયેલું છે જે શોર્ટ ટેક-ઓફ અને વર્ટિકલ લેન્ડિંગ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. એક F-35Bની કિંમત લગભગ $109 મિલિયન (લગભગ 10.9 કરોડ ડોલર) છે. રિપોર્ટમાં અંદાજ લગાવાયો છે કે જ્યારે સેના 1,800થી વધુ વધુ જેટ ખરીદશે અને તેમને આવનારા દાયકાઓ સુધી ઉપયોગમાં લેશે, ત્યારે સમગ્ર F-35 પ્રોગ્રામનો ખર્ચ લગભગ $2 ટ્રિલિયન થશે.
ડિફેન્સ ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા થિન્ક ટેન્ક, લેક્સિંગટન ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે F-35ને સેનાના કાફલામાં સૌથી સુરક્ષિત અને સૌથી સક્ષમ ફાઈટર જેટ માનવામાં આવે છે. 2015માં આ જેટને સામેલ કરવામાં આવ્યા બાદથી અન્ય ફાઈટર જેટ્સના શરૂઆતી તબક્કાની સરખામણીએ F-35 મોડેલ સાથે જોડાયેલી દુર્ઘટનાઓ ઓછી નોંધાઈ છે અને F-35માં જીવલેણ અકસ્માતો ખુબ જ ઓછા થાય છે. F-35ની પાંચ દુર્ઘટનાઓમાં પાયલટ ઈજેક્ટ કરવામાં સફળ રહ્યા હતા, જોકે ઓછામાં ઓછો એક પાયલટ ઇજાગ્રસ્ત થયો હતો. તે પાયલટ ત્યારે ઘાયલ થયો હતો જ્યારે મે 2024માં ન્યૂ મેક્સિકોના અલ્બુકર્કમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક F-35 ક્રેશ થયું હતું. આ જેટ ટેક્સાસથી કેલિફોર્નિયા સ્થિત એરફોર્સ બેઝ તરફ જઈ રહ્યું હતું.
મરીન્સે ગણાવી ગંભીર શ્રેણીની દુર્ઘટના
મરીન્સના એક નિવેદનમાં શુક્રવારના ક્રેશને "ક્લાસ A દુર્ઘટના" ગણાવવામાં આવી છે. આ દુર્ઘટનાની સૌથી ગંભીર શ્રેણી છે, જેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે નુકસાન $2 મિલિયનથી વધુ હોય, કોઈ એરક્રાફ્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય અથવા કોઈ સર્વિસ મેમ્બરનું મૃત્યુ થાય. એરફોર્સ સેફ્ટી સેન્ટરના આંકડા પ્રમાણે માત્ર એરફોર્સમાં જ 2000 પછી F-35 એરક્રાફ્ટ સાથે જોડાયેલી આવી ઓછમાં ઓછી 17 અન્ય "ક્લાસ A દુર્ઘટનાઓ" ઘટી છે. ફ્લાઈટ સેફ્ટી ફાઉન્ડેશનના એવિએશન સેફ્ટી નેટવર્ક ડેટાબેઝ પ્રમાણે આ વર્ષે U.S.માં સેનાના એરક્રાફ્ટની આવી ઓછામાં ઓછી સાત અન્ય દુર્ઘટનાઓ ઘટી છે.









