World
Explainer: કોણ હતી દુનિયાની સૌથી પહેલી ઈન્ફ્લુએન્સર? જાણો હાઉસવાઇફમાંથી મિલિયોનેર બિઝનેસવુમન બનેલી મહિલાની કહાની
By GS Team
20 Jul 20265 mins read
અમેરિકન બિઝનેસવુમન માર્થા સ્ટુઅર્ટે ન્યૂ જર્સીમાં જન્મી, રસોઈ-બાગકામ-મોડેલિંગ થકી કરોડોની કંપની બનાવી. 2004માં જેલવાસ થયો છતાં, સોશિયલ મીડિયા અને સ્નૂપ ડોગ સાથેના શો દ્વારા શાનદાર વાપસી કરી. 81 વર્ષે 'સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ' કવર મોડેલ બની, 2024માં નેટફ્લિક્સે 'માર્થા' ડોક્યુમેન્ટરી બનાવી.
Summarized by AI; it may make mistakes. Check important info
અમેરિકન બિઝનેસવુમન માર્થા સ્ટુઅર્ટે ન્યૂ જર્સીમાં જન્મી, રસોઈ-બાગકામ-મોડેલિંગ થકી કરોડોની કંપની બનાવી. 2004માં જેલવાસ થયો છતાં, સોશિયલ મીડિયા અને સ્નૂપ ડોગ સાથેના શો દ્વારા શાનદાર વાપસી કરી. 81 વર્ષે 'સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ' કવર મોડેલ બની, 2024માં નેટફ્લિક્સે 'માર્થા' ડોક્યુમેન્ટરી બનાવી.
Summarized by AI; it may make mistakes. Check important info

Martha Stewart, The Original Influencer: આજના યુગમાં પિન્ટરેસ્ટ બોર્ડ, યુ-ટ્યૂબ ટ્યુટોરિયલ્સ કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈને લાખો લોકો ઘર સજાવટ, રસોઈ અને બાગકામ શીખે છે. પરંતુ આ આખો ટ્રેન્ડ સોશિયલ મીડિયાના આગમન પહેલાં જે વ્યક્તિએ શરૂ કર્યો હતો, તેનું નામ જાણો છો? તે હતી માર્થા સ્ટુઅર્ટ. માર્થાએ રસોઈ અને બાગકામ જેવા રોજિંદા કામને ગ્લેમરસ બનાવી દીધા હતા. અવનવી વાનગીઓ, સુંદર રીતે સેટ કરેલા ટેબલસ્કેપ્સ અને જહેમતપૂર્વક તૈયાર કરેલા કિચન ગાર્ડન દ્વારા તેમણે લાખો લોકોના જીવનને રસપ્રદ અને ખુશહાલ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. ઘર-પરિવાર મેનેજ કરવાના, પહેલી નજરે સામાન્ય લાગતા, જ્ઞાનને શેર કરીને તેમણે અબજો ડોલરની કંપની બનાવી હતી. આવું કરનારા તેઓ પ્રથમ અમેરિકન મહિલા હતાં. માર્થાની સફળતા એટલી હદે પ્રેરણાત્મક છે કે 2024 માં નેટફ્લિક્સે તેના જીવન પર આધારિત 'માર્થા' નામની દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી છે.
માતા-પિતા બન્યાં પહેલા શિક્ષક, રસોઈથી લઈને મોડેલિંગમાં પારંગત
માર્થાનો જન્મ 3 ઓગસ્ટ 1941 ના રોજ ન્યુ જર્સીમાં થયો હતો. તેમના માતા શિક્ષિકા અને પિતા રેડિયો સેલ્સમેન હતા. નાનપણમાં જ માતા પાસેથી રસોઈ અને સિલાઈકામ શીખેલાં માર્થાને પિતા પાસેથી બાગકામનું શિક્ષણ મળેલું. ન્યૂ યોર્કની પ્રતિષ્ઠિત બર્નાર્ડ કોલેજમાંથી યુરોપિયન હિસ્ટ્રી અને આર્કિટેક્ચરલ હિસ્ટ્રીમાં ડિગ્રી મેળવનારા માર્થા અભ્યાસનો ખર્ચ કાઢવા માટે મોડેલિંગ કરતાં હતાં. તેમણે બ્રેક શેમ્પૂ, લાઇફબોય સાબુ અને ચેનલ (Chanel) બ્રાન્ડ માટે પણ મોડેલિંગ કર્યું હતું.
ટર્કી હિલમાં નંખાયો સામ્રાજ્યનો પાયો
1961માં માર્થાના લગ્ન એન્ડી સ્ટુઅર્ટ સાથે થયા. 1967થી 1972 સુધી માર્થાએ ન્યૂ યોર્કમાં સ્ટોક બ્રોકર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું. 1971માં સ્ટુઅર્ટ દંપતિએ કનેક્ટિકટના વેસ્ટપોર્ટમાં આવેલું ‘ટર્કી હિલ’ નામનું ચાર એકરનું સામાન્ય ફાર્મહાઉસ ખરીદ્યું હતું. તે સમયે ત્યાં માત્ર થોડા વૃક્ષો હતાં. ત્યારબાદ દંપતીએ બાજુની જમીન ખરીદીને આખી મિલકતને બગીચા અને આઉટબિલ્ડિંગ્સ (મુખ્ય ઘર સિવાયના રહેવા માટે બનાવાયેલા નાના આઉટહાઉસ) થી ભરેલી એક અદ્ભુત એસ્ટેટમાં પરિવર્તિત કરી દીધી. અહીંથી જ માર્થાના વિશાળ સામ્રાજ્યનું નિર્માણ શરૂ થયું હતું.
કેટરિંગ બિઝનેસમાં ધૂમ સફળતા મળી
ટર્કી હિલમાંથી માર્થાએ કેટરિંગ કંપની શરૂ કરી, જેણે એટલી સરસ સર્વિસ આપવાનું શરૂ કર્યું હતું કે તેમને 'ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ' અને 'સોથેબીઝ' જેવા હાઈ-પ્રોફાઈલ ગ્રાહકો મળવા લાગ્યા. ‘માર્થા સ્ટુઅર્ટ કેટરિંગ’ નામની આ કંપની સમય જતાં દસ લાખ ડોલરનો સફળ બિઝનેસ બની ગઈ. માર્થાએ 1982માં કેટરિંગ બિઝનેસની સફળતાની વાત કરતું પુસ્તક ‘એન્ટરટેઇનિંગ’ લખ્યું. આ પુસ્તક એટલું પ્રખ્યાત થયું કે માર્થા આખા અમેરિકામાં ઘરે-ઘરે જાણીતા થઈ ગયાં.
પાલતુ પ્રાણીઓ સાથે કુદરતની વચ્ચે જીવ્યાં
માર્થા હંમેશાં ઓર્ગેનિક ખોરાક ખાવાના અને પ્રકૃતિની વચ્ચે રહેવાના આગ્રહી રહ્યાં. તેઓ એસ્ટેટના બગીચાઓમાં જાતે ઉગાડેલા ફળ અને શાકભાજી ખાતાં. ટર્કી હિલમાં તેમણે મરઘી, હંસ, બતક, બિલાડી, ઘેટાં અને બકરા મળીને કુલ 50 પશુ-પક્ષી પાળ્યા હતાં. તેમનો સૌથી વફાદાર સાથી એવો તેમનો પાલતુ કૂતરો 'કુબલાઈ ખાન પાઉ પાઉ' તેમની સાથે ટીવી શો અને મેગેઝિનોમાં છપાતા ફોટાઓમાં વારંવાર દેખાતો.
અમેરિકાના પહેલા સેલ્ફ-મેડ અબજોપતિ બન્યાં
માર્થાના જીવનમાં પણ પડતી આવી. 1990 માં તેમના છૂટાછેડા થઈ ગયા અને માર્થા એકલા પડી ગયાં, પણ તેમણે ફરી લગ્ન ન કર્યાં. 1997માં તેમણે પોતાની બધી જ બ્રાન્ડ્સ અને મીડિયા સાહસોને એક કરી મોટી કંપની 'માર્થા સ્ટુઅર્ટ લિવિંગ ઓમ્નિમીડિયા' (MSLO) ની સ્થાપના કરી. 1999માં જ્યારે તેમની કંપનીનો આઈપીઓ માર્કેટમાં આવ્યો ત્યારે તેઓ અમેરિકાના સૌપ્રથમ 'સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ' બની ગયાં.
જેલવાસ થતાં સર્વસ્વ ગુમાવી દીધું
2001માં તેમના જીવનમાં સૌથી મોટો આંચકો આવ્યો. ઇનસાઇડર ટ્રેડિંગના એક કેસની તપાસમાં ન્યાયમાં અવરોધ લાવવાના આરોપસર 2004માં તેમને 5 મહિનાની જેલની સજા થઈ. જેલમાંથી મુક્ત થયા બાદ પણ તેમણે આગામી 5 મહિના નજરકેદમાં વિતાવ્યા. આ વિવાદને કારણે તેમની કંપનીના શેરના ભાવ ગગડી ગયા અને તેમને કરોડો ડોલરની ખોટ ગઈ. સજાના કારણે તેમણે પોતાની જ કંપનીના CEO અને ચેરપર્સન પદેથી રાજીનામું આપવું પડ્યું. કંપનીનું નિયંત્રણ તેમના હાથમાંથી જતું રહ્યું.
શાનદાર પુનરાગમન કર્યું
એક યોદ્ધાની જેમ માર્થાએ શાનદાર વાપસી કરી. એ માટે તેમણે પોતાની જાતને નવા જમાના પ્રમાણે ઢાળી દીધી.
1. સોશિયલ મીડિયા દ્વારા નવી પેઢીમાં લોકપ્રિય થયાં: માર્થાએ ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કુનેહપૂર્વક કર્યો. પરંપરાગત ગૃહિણીને બદલે તેમણે પોતાને એક સ્માર્ટ અને પાવરફૂલ બિઝનેસ પ્લેયર તરીકે રજૂ કર્યાં, જેનાથી યુવાનોમાં તેમની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. આજે તેમના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.
2. પોપ કલ્ચર અને સેલિબ્રિટીઝ સાથે ભાગીદારી: તેમણે પોપ કલ્ચરમાં એન્ટ્રી કરી. ખાસ કરીને પ્રખ્યાત રેપર સ્નૂપ ડોગ સાથેની તેમની દોસ્તી અને ટીવી શો ‘Martha & Snoop's Potluck Dinner Party’એ તેમને એક કૂલ અને મોડર્ન સેલિબ્રિટી તરીકે સ્થાપિત કર્યાં.
3. પુસ્તકોનું સતત પ્રકાશન: તેમણે જ્ઞાન વહેંચવાનું ક્યારેય બંધ ન કર્યું. તેમણે સતત પુસ્તકો લખવાનું ચાલુ રાખ્યું. 2025 માં તેમણે પોતાનું 101મું પુસ્તક પ્રકાશિત કર્યું.
4. રેકોર્ડબ્રેકિંગ મોડેલિંગ એચિવમેન્ટ: 2023માં 81 વર્ષની ઉંમરે માર્થા 'સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસૂટ ઇશ્યૂ'ના કવર પેજ પર સ્વિમ સૂટ પહેરીને ચમક્યાં. આ ફોટોગ્રાફે દુનિયાભરમાં ભારે ચર્ચા જગાવી. આ રીતે તેઓ કવર મોડેલ બનનારા સૌથી સીનિયર મહિલા બન્યાં.
5. નેટફ્લિક્સે ડોક્યુમેન્ટરી બનાવી: 2024માં નેટફ્લિક્સે માર્થાના જીવન પરથી 'માર્થા' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી.
આમ, આધુનિક ટ્રેન્ડ્સ અપનાવીને, સતત સખત મહેનત કરીને માર્થાએ મીડિયા અને લાઈફસ્ટાઈલ ક્વીન તરીકેની પોતાની ખોવાયેલી શાન પાછી મેળવી.
જિંદગીની મજેદાર ફિલોસોફી
માર્થા હાલમાં ન્યૂ યોર્કમાં બેડફોર્ડ ફાર્મમાં રહે છે અને વૈભવી જીવન જીવે છે. નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં બાગકામને પોતાનો પહેલો પ્રેમ ગણાવતાં તેઓ કહે છે કે, ‘જો તમે એક વર્ષ માટે ખુશ રહેવા માંગતા હો, તો લગ્ન કરો. જો તમે 10 વર્ષ માટે ખુશ રહેવા માંગતા હો, તો એક કૂતરો પાળી લો. પરંતુ જો તમે આજીવન ખુશ રહેવા માંગતા હો તો એક બગીચો બનાવો.’ એક સામાન્ય હાઉસવાઇફથી લઈને અબજોપતિ બિઝનેસવુમન બનવા સુધીની સફર ખેડનાર માર્થા સ્ટુઅર્ટનું જીવન એ વાતની સાબિતી છે કે જો તમારામાં આવડત, મહેનત અને મુશ્કેલીઓ સામે લડવાની તાકાત હોય તો તમને વારંવાર સફળ થતાં કોઈ રોકી નહીં શકે.









