Explainer: SCOમાં ભારતની મજબૂત દાવેદારી, મધ્ય એશિયાથી લઈને ગ્લોબલ ડિપ્લોમસી સુધી ભારતનો માસ્ટર પ્લાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India's Strategic Dominance in SCO Summit: વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી સંગઠનોમાંના એક એવા 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન' (SCO) ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા છે. આ માત્ર એક સામાન્ય બેઠક નથી, પરંતુ એશિયા અને યુરેશિયાના દેશો વચ્ચે આર્થિક અને લશ્કરી સહયોગ વધારવાનું મોટું પ્લેટફોર્મ છે. ભારત આ સંગઠનનો ફક્ત સભ્ય નથી, પરંતુ તેની ધરી સમાન શક્તિશાળી દેશ છે. ચાલો સમજીએ કે SCO શું છે, તેની તાકાત કેટલી છે, અને આ વર્ષની બેઠક ભારત માટે કેમ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
SCOનો ઇતિહાસ
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) યુરેશિયા ક્ષેત્રના દેશોનું એક સંગઠન છે, જે મુખ્યત્વે આર્થિક અને સુરક્ષા જોડાણ પર કામ કરે છે. બે દિવસ ચાલનારી આ સંમેલન એટલા માટે પણ ખાસ છે કારણ કે SCOની સ્થાપનાના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે.
- શરૂઆત (શાંઘાઈ ફાઈવ): તેની શરૂઆત 1996 માં 'શાંઘાઈ ફાઈવ' તરીકે થઈ હતી. ત્યારે તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સામેલ થયા હતા. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સોવિયેત યુનિયનના વિઘટન પછી ઊભા થયેલા સરહદી વિવાદો અને લશ્કરી તણાવને ઘટાડવાનો હતો.
- SCO ની રચના: વર્ષ 2000 માં ઉઝબેકિસ્તાન આ જૂથમાં જોડાયું. ત્યારબાદ, 15 જૂન 2001 ના રોજ ચીનના શાંઘાઈ શહેરમાં સત્તાવાર રીતે SCO ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. તેનો મુખ્ય ચાર્ટર 7 જૂન 2002 ના રોજ સાઇન થયો અને 19 સપ્ટેમ્બર 2003 થી અમલમાં આવ્યો.
- વ્યાપમાં વધારો:
- 2017: ભારત અને પાકિસ્તાન કાયમી સભ્ય તરીકે જોડાયા.
- 2022: ભારતના વારાણસી શહેરને SCO ની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની બનવાનું સન્માન મળ્યું.
- 2023: ભારતે પહેલી વાર વર્ચ્યુઅલ સંમેલનની યજમાની કરી, જેમાં ઈરાન પણ સભ્ય બન્યું.
- 2024: બેલારુસ પણ આ સંગઠનમાં જોડાયું, જેનાથી કાયમી સભ્ય દેશોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
SCOની આર્થિક તાકાત
આ સંગઠન વિશ્વના નકશા પર એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે, જેની પાછળ તેની વિશાળ આર્થિક તાકાત છે.
- વૈશ્વિક GDP: SCO ના 10 સભ્ય દેશો મળીને વિશ્વના કુલ GDP ના આશરે 25 ટકા હિસ્સો ધરાવે છે.
- આંતરરાષ્ટ્રીય વેપાર: આ દેશો વૈશ્વિક વેપારમાં 15 ટકાથી વધુનું યોગદાન આપે છે.
- મોટા પ્રોજેક્ટ્સ: સભ્ય દેશો 'SCO વિકાસ બેંક' બનાવવા પર વિચાર કરી રહ્યા છે. આ ઉપરાંત, રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી ભારતના મુંબઈને જોડતા આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) અને 'સિલ્ક રોડ સ્ટેશનો' ના નેટવર્ક પર કામ ચાલી રહ્યું છે, જેથી માલસામાનની હેરફેર સરળ બની શકે.
SCOની લશ્કરી અને સુરક્ષા તાકાત
SCO એ પશ્ચિમી દેશોના લશ્કરી જોડાણ 'નાટો' (NATO) જેવું સંગઠન નથી. તેનું પ્રાથમિક ધ્યાન આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને નાબૂદ કરવા પર છે. આ માટે સંગઠન પાસે એક ખાસ સુરક્ષા માળખું છે, જેને RATS (Regional Anti-Terrorist Structure - પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું) કહેવામાં આવે છે.
માનવ સંસાધન અને વિસ્તાર
સમગ્ર SCO બ્લોકમાં 3.4 અબજથી વધુ લોકો રહે છે, જે દુનિયાની કુલ વસ્તીના 40% જેટલો ભાગ છે. આ 10 દેશોનો કુલ ભૌગોલિક વિસ્તાર 3.6 કરોડ ચોરસ કિલોમીટર છે, જે યુરેશિયાના મોટા ભાગને આવરી લે છે.

બિશ્કેક સંમેલનમાં ચર્ચાયેલા મહત્ત્વના મુદ્દા
- વૈશ્વિક સંઘર્ષ: રશિયા અને ઈરાન હાલમાં જુદા જુદા સંઘર્ષો અને યુદ્ધોમાં ફસાયેલા છે. તેની વૈશ્વિક અસરો પર ગંભીર ચર્ચા થશે.
- અમેરિકન પ્રતિબંધો: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર અમેરિકાએ (સોનું, ડિજિટલ સંપત્તિ, ટેકનોલોજી વગેરેમાં) જે પ્રતિબંધો લગાવ્યા છે, તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે રણનીતિ ઘડાશે.
- આતંક અને અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાંથી ફેલાતા આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે કડક પગલાં લેવાશે. RATS હેઠળ નવી સુરક્ષા યોજનાઓને મંજૂરી અપાશે. સાયબર ક્રાઇમ પણ ચર્ચાનો મુદ્દો હશે.
- વેપાર અને કનેક્ટિવિટી: SCO વિકાસ બેંક અને INSTC ટ્રાન્સપોર્ટ કોરિડોરના નિર્માણને ઝડપી બનાવવા પર ભાર મુકાશે, જેથી એશિયા અને યુરોપ વચ્ચે વેપાર વધુ ખીલે અને ઝડપી બને.
ભારત માટે આ સંમેલનનું મહત્ત્વ અને આપણી વ્યૂહનીતિ
ભારત માટે આ શિખર સંમેલન રાજદ્વારી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું છે. ભારત સરકારની વ્યૂહનીતિ નીચે મુજબના 6 મુખ્ય મુદ્દા પર કેન્દ્રિત રહેશે.
- આગામી BRICS સંમેલન માટેની તૈયારી: નવી દિલ્હીમાં યોજાનારી આગામી BRICS બેઠક પહેલા આ સંમેલન એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના મતભેદોને કારણે અટકી પડેલા સંયુક્ત ઘોષણાપત્ર પર PM મોદી સહમતિ સાધવાનો પ્રયાસ કરશે.
- ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ખાસ મુલાકાત: અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા તણાવ પછી PM મોદી પ્રથમ વખત ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને રૂબરૂ મળશે. ભારત માટે પશ્ચિમ એશિયા સુધી પહોંચવા ઈરાનના બંદરો ખૂબ જરૂરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા પર ચર્ચા થશે.
- UNSC માં સીટ માટેની સ્પર્ધા: જૂન 2027 માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ UNSC (United Nations Security Council) માં અસ્થાયી બેઠક મેળવવા માટે ભારત અને તાજિકિસ્તાન બંને એશિયામાંથી દાવેદાર છે. અગાઉ 2009 માં ભારતે કઝાકિસ્તાનને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા મનાવ્યું હતું, એ જ રીતે PM મોદી આ વખતે તાજિકિસ્તાનને પોતાની ઉમેદવારી એક વર્ષ પાછળ ઠેલવવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે.
- ભારત-મધ્ય એશિયા કનેક્ટિવિટી: મધ્ય એશિયા ઊર્જા અને ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે. ભારતને તેલ, ગેસ, યુરેનિયમ અને ખનિજોની જરૂર છે. ભારત મધ્ય એશિયા સાથે વેપાર વધારવા માંગે છે, પણ આ ક્ષેત્ર સાથે જોડે એવો સીધો જમીન માર્ગ હાલમાં નથી, એ મોટી અડચણ છે. તેથી આ ક્ષેત્રને આવરી લેતો પરિવહન કોરિડોર તૈયાર થાય (એમાં ઈરાનનું ચાબહાર બંદર પણ આવી જાય) એ મહત્ત્વપૂર્ણ છે. લાંબા સમયથી ટળતી આવેલી 'ભારત-મધ્ય એશિયા સંમેલન' માટે ફાઈનલ તારીખ નક્કી કરવાની તક પણ આ SCO સંમેલનમાં મળશે.
- ચીન સાથેના સંબંધો સુધારવાની તક: ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે, આ સંમેલન PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને એકબીજા સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાની અને સંબંધો સામાન્ય બનાવવાની તક પૂરી પાડશે.
- ભારતનું 'SECURE' વિઝન: ભારત આ ક્ષેત્રને આતંકવાદ મુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે. PM મોદી ભારતનું 'SECURE' (સુરક્ષા, આર્થિક સહયોગ, કનેક્ટિવિટી, એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર) દૃષ્ટિકોણ મજબૂતાઈથી વિશ્વ મંચ પર રજૂ કરશે.




