World

Explainer: ઈરાન-અમેરિકાના યુદ્ધમાં ભારતીયો પીસાશે, ‘તેલના ખેલ’માં દેશમાં ખાડાવાળા રસ્તા વધશે

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ કટોકટીને કારણે ભારતના રસ્તાનું નિર્માણ મુશ્કેલીમાં મૂકાયું છે. ક્રૂડ ઓઇલમાંથી બનતા બિટ્યુમેનની આયાત ખોરવાતા તેનો ભાવ 40,000થી 80,000 રૂપિયા પ્રતિ ટન થયો છે. આનાથી દેશભરમાં રોડ પ્રોજેક્ટ્સ ઠપ થયા છે. ખાસ કરીને નાના કોન્ટ્રાક્ટરો અને NHAIના કામોને અસર થઈ છે. જો યુદ્ધ ચાલશે તો ચોમાસા પછી પણ રસ્તા સુધારવા મુશ્કેલ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ઈરાન-અમેરિકાના યુદ્ધમાં ભારતીયો પીસાશે, ‘તેલના ખેલ’માં દેશમાં ખાડાવાળા રસ્તા વધશે

Iran War Hits Indian Roads: જ્યારે પણ પશ્ચિમ એશિયા અથવા ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે, ત્યારે આપણી સૌથી પહેલી ચિંતા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો વિશે હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સરહદોથી હજારો કિલોમીટર દૂર ઈરાન-અમેરિકા વચ્ચે રહેલું યુદ્ધ તમારા ઘરની બહારના રસ્તાને પણ તોડી શકે છે? હા, ઈરાન યુદ્ધ અને હોર્મુઝ કટોકટીની એક એવી આડઅસર સામે આવી છે, જેના વિશે સામાન્ય જનતા અજાણ છે. આ વૈશ્વિક તણાવના કારણે માત્ર વાહનોનું ઇંધણ જ મોંઘું નથી થઈ રહ્યું, પરંતુ નવા રસ્તાઓનું નિર્માણ અને ચોમાસામાં તૂટેલા રસ્તાઓનું સમારકામ પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. ચાલો સમજીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરની આ 'તેલ રમત' ભારતના રસ્તાઓને કેવી રીતે ખાડામાં ધકેલી રહી છે.

રસ્તા અને ક્રૂડ ઓઇલ વચ્ચેનો સંબંધ

ઘણાં લોકોને પ્રશ્ન થાય કે રસ્તાના નિર્માણને કાચા તેલ સાથે શું લેવા-દેવા? સામાન્ય રીતે આપણે જેને ડામર કે ટાર કહીએ છીએ, તે વાસ્તવમાં 'બિટ્યુમેન' (Bitumen) છે. રસ્તા બનાવવામાં વપરાતું બિટ્યુમેન કાચા તેલમાંથી જ મેળવવામાં આવે છે.
રિફાઇનરીમાં કાચા તેલને ઊંચા તાપમાને ગરમ કરીને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને LPG જેવા હળવા તથા કિંમતી ઘટકો અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે જે સૌથી ભારે, કાળો અને ચીકણો પદાર્થ બચે છે, તેને બિટ્યુમેન કહે છે. આ પદાર્થ રસ્તાના નિર્માણમાં પથ્થર, કાંકરી અને માટીને મજબૂતાઈથી પકડી રાખવાનું (બાઈન્ડિંગ) કામ કરે છે. તેના વિના મજબૂત રસ્તો બનાવવો કે ખાડા પૂરવા અશક્ય છે.

હોર્મુઝ કટોકટીથી આયાત ખોરવાઈ

ભારતમાં રસ્તાનું નેટવર્ક ઝડપથી વધી રહ્યું છે, પરંતુ તેની સામે બિટ્યુમેનનું સ્થાનિક ઉત્પાદન ઘણું ઓછું છે. ચાલો, તે આંકડા પર નજર કરીએ…

  • ભારતને દર વર્ષે રસ્તાના નિર્માણ અને સમારકામ માટે આશરે 90 લાખ ટન બિટ્યુમેનની જરૂર પડે છે.
  • ભારતની રિફાઇનરીઓ માત્ર 54 લાખ ટન બિટ્યુમેનનું ઉત્પાદન કરી શકે છે.
  • બાકીની 30-40% જરૂરિયાત એટલે કે આશરે 36 લાખ ટન બિટ્યુમેન ભારત વિદેશથી આયાત કરે છે
  • ભારત મુખ્યત્વે ઇરાક, યુએઈ, ઈરાન અને ઓમાન જેવા દેશોમાંથી બિટ્યુમેન મંગાવે છે. આ આયાત માટે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' (Hormuz Strait) દરિયાઈ માર્ગ સૌથી મહત્ત્વનો છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન યુદ્ધ શરૂ થવાને કારણે આ દરિયાઈ માર્ગમાં મોટો વિક્ષેપ પડ્યો છે, જેનાથી સપ્લાય ચેઇન તૂટી ગઈ છે.

ભાવ બમણાં થતાં રોડ પ્રોજેક્ટ ઠપ થવાની ભીતિ

આ પુરવઠો ખોરવાઈ જવાના કારણે બિટ્યુમેનના ભાવ આસમાને પહોંચી ગયા છે. યુદ્ધ પહેલા જે બિટ્યુમેનનો ભાવ આશરે 40,000 રૂપિયા પ્રતિ ટન હતો, તે વધીને સીધો 80,000 રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. ભાવમાં થયેલા આ અચાનક વિસ્ફોટના કારણે દેશભરમાં રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક વાગી ગઈ છે. જેમ કે…

  • જૂના ટેન્ડરોનું નુકસાન: જે કોન્ટ્રાક્ટરોએ જૂના સસ્તા ભાવના આધારે સરકારી ટેન્ડર લીધા હતા, તેઓ હવે બમણા ભાવે બિટ્યુમેન ખરીદીને કામ કરવા સક્ષમ નથી.
  • નાના કોન્ટ્રાક્ટરોની મુશ્કેલી: વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ ગામડાના રસ્તા બનાવતા કે સ્થાનિક ખાડા પૂરતા નાના કોન્ટ્રાક્ટરો માટે કામ ચાલુ રાખવું આર્થિક રીતે અશક્ય બન્યું છે.
  • હાઇવે પ્રોજેક્ટ્સ ધીમા: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI) પુરવઠો જાળવવા મથામણ કરી રહી છે, છતાં મુખ્ય ધોરીમાર્ગો પર પણ કામની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે.

બાયો બિટ્યુમેન: આશાનું કિરણ પણ અપૂરતું

ભારતે આ કટોકટીમાંથી ઉગરવા માટે જાન્યુઆરી મહિનાથી ચોખાના ભૂસા(Rice Husk)માંથી 'બાયો-બિટ્યુમેન' બનાવવાનું શરૂ કર્યું છે. આ વિકલ્પ પર્યાવરણને અનુકૂળ અને સ્વદેશી છે, પરંતુ ભારતની વાર્ષિક 90 લાખ ટનની વિશાળ માંગ સામે આ વૈકલ્પિક ઉત્પાદન અત્યારે દરિયામાં એક ટીપા સમાન છે. આગામી વર્ષોમાં તેનાથી રાહત મળી શકે છે, પરંતુ વર્તમાન કટોકટી નિવારવા માટે હજુ પણ ક્રૂડ ઓઇલ આધારિત બિટ્યુમેન પર જ નિર્ભર રહેવું પડશે.

યુદ્ધ લાંબું ચાલ્યું તો ચોમાસા પછી મુશ્કેલી વધશે

સામાન્ય રીતે ચોમાસામાં રસ્તાનું કામ બંધ રહેતું હોય છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક તણાવને કારણે ચોમાસા પહેલા જ રોડ પ્રોજેક્ટ્સની ગતિ રોકાઈ ગઈ હતી. ઈરાન યુદ્ધે માત્ર વાહનચાલકો માટે ઈંધણનું સંકટ નથી સર્જ્યું, પણ રસ્તાની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કર્યા છે. જો યુદ્ધ લાંબું ચાલશે, તો ચોમાસા પછી પણ રસ્તા પરના ખાડા પૂરવા મુશ્કેલ બનશે અને જનતાને તૂટેલા રસ્તાઓ પર સફર કરવા માટે મજબૂર થવું પડશે.