Get The App

યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ તાપમાન 40 ડિગ્રીને પાર

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ તાપમાન 40 ડિગ્રીને પાર 1 - image

- હીટ ડોમની અસર : ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટાલીમાં ગરમીનો પારો 44 સે. સુધી જવાની ચેતવણી

- અડધા ફ્રાન્સમાં રેડ એલર્ટ, મંગળવાર સૌથી ગરમ દિવસ, 1350 સ્કૂલો બંધ : નદીનું પાણી ગરમ થતાં પરમાણુ રિએક્ટર બંધ કરાયું

- બ્રિટનમાં જુલાઈ 2022 પછી બીજી વખત રેડ એલર્ટ જાહેર કરાઈ, ગરમીનો ૧૯૭૬નો રેકોર્ડ તૂટવાની આશંકા

- ફ્રાન્સમાં પાંચ દિવસમાં 40નો ભોગ લેવાયો

પેરીસ/લંડન : પશ્ચિમ યુરોપમાં ગરમીની શરૂઆત પહેલાં જ તાપમાનનો પારો અસાધારણ રીતે વધી ગયો છે. હીટ ડોમના કારણે યુરોપ ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું છે, જેથી અનેક દેશોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ, સ્પેન, ઈટાલી જેવા દેશોમાં ૪૦ ડિગ્રીએ પહોંચેલું તાપમાન ૪૪ ડિગ્રી સુધી જવાની હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીના કારણે યુરોપમાં સ્વાસ્થ્ય સેવાઓ તથા બુનિયાદી સેવાઓ પર પણ ગંભીર અસર થઈ છે. ફ્રાન્સમાં વીકએન્ડમાં બે બાળકો સહિત ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે. સરકારે અડધા દેશમાં ગરમીની રેડ એલર્ટ જાહેર કરી છે. માનવ સર્જિત ક્લાઈમેટ ચેન્જના કારણે આત્યંતિક ગરમીમાં વધારો થયો છે અને યુએન ક્લાઈમેટ એજન્સીએ આગામી પાંચ વર્ષમાં ગરમી વધુ રેકોર્ડ તોડશે તેવી ચેતવણી આપી છે.

ફ્રાન્સના અનેક ભાગોમાં તાપમાન ૪૧થી ૪૨.૨ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું છે જ્યારે પેરિસમાં તાપમાન ૩૭.૭ ડિગ્રી સે. હતું. આત્યંતિક ગરમીના કારણે અડધાથી વધુ દેશમાં રેડ એલર્ટ જારી કરાઈ છે. આ રેડ એલર્ટની અસર હેઠળ લગભગ ૩.૯ કરોડ લોકો આવી ગયા છે. અસાધારણ હીટ વેવ વચ્ચે ફ્રાન્સમાં મંગળવાર સૌથી ગરમ દિવસ નોંધાયો છે. નેશનલ વેધર એજન્સીએ જણાવ્યું કે, ફ્રાન્સના રાષ્ટ્રીય થર્મલ ઈન્ડિકેટર ૨૯.૮ ડિગ્રી સે.નો નવું વિક્રમી તાપમાન નોંધાયું છે. આ પહેલાં ઓગસ્ટ ૨૦૦૩ અને જુલાઈ ૨૦૧૯માં ૨૯.૪ ડિગ્રી સે.નું વિક્રમી તાપમાન જોવા મળ્યું હતું. જોકે, અનેક વ્યક્તિગત હવામાન મથકો પર હાલ દિવસના સમયમાં ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયેલું છે.

ફ્રાંસના વડાપ્રધાન સેલા સ્ટીયન લેકોર્નું એ આપાતકાલીન કેબિનેટ મીટીંગ બોલાવી હતી. લેકોર્નુએ જણાવ્યું કે ગયા ગુરુવારથી અત્યાર સુધીમાં ગરમીથી બચવા પાણીમાં પડતા ડૂબી જવાથી કુલ ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં મોટાભાગના યુવાનો હતા. ગરમીના કારણે દેશમાં ૧,૩૫૦ સ્કૂલો બંધ કરાઈ છે. ફ્રાંસમાં નદીનું પાણી એટલું ગરમ થઈ ગયું કે વોટર કૂલ્ડ એટમિક રીએકટર બંધ કરવું પડયું છે. ફ્રાન્સમાં ગરમીની શરૂઆત પહેલાં જ હીટ વેવની અસર જોવા મળી રહી છે અને વર્તમાન સ્થિતિની ઓગસ્ટ ૨૦૦૩ની હીટ વેવ સાથે સરખામણી થઈ રહી છે જ્યારે અડધી સદીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું અને ૧૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા.

સામાન્ય રીતે ઠંડા રહેતા સ્પેનમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચ્યું છે અને ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જ્યારે એલ ગ્રાનાડોમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઈટાલીના અનેક શહેરોમાં તાપમાન ૩૬થી ૪૦ ડિગ્રી સે. હોવાના કારણે રેડ એલર્ટ લાગુ કરાઈ છે. બેલ્જિયમમાં પણ તાપમાન ૩૦ ડિગ્રીથી ઉપર છે. બ્રિટનમાં ૩૮થી ૩૯ ડિગ્રી સે. સુધી તાપમાન પહોંચતા એમ્બર એલર્ટ જાહેર કરાઈ છે.

બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ ઇંગ્લેન્ડનાં છ ક્ષેત્રો વેસ્ટ મિડલેન્ડઝ, ઇસ્ટ મિડલેન્ડઝ, સાઉથ ઇસ્ટ, સાઉથ-વેસ્ટ લંડન, તથા ઇસ્ટ-ઇંગ્લેન્ડમાં બુધવાર સવારના ૧ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રેડ હેલ્થ વોર્મિંગ જાહેર કરી છે. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ એટલી ગંભીર છે કે સ્વસ્થ લોકો માટે પણ જીવનનો ખતરો ઊભો થઇ શકે તેમ છે. તેની અસર પરિવહન ભોજન પાણી, ઊર્જા પૂરવઠા અને વ્યવસાયો ઉપર પણ પડી શકે તેમ છે.

બ્રિટનમાં જાહેર કરાયેલી આ બીજી રેડ એલર્ટ છે. આ પહેલા જુલાઈ ૨૦૨૨માં પહેલીવાર રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. તે સમયે પણ તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ સપ્તાહે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તાપમાન ૩૮થી ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે તેમ છે તેથી ૧૯૭૬ના જૂનનો રેકર્ડ પણ તૂટી શકે તેમ છે.

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ બની ગયો છે. ૧૯૮૦ના સમયથી જ વિશ્વના સરેરાશ તાપમાનની સરખામણીમાં યુરોપનું તાપમાન બમણી ઝડપે વધી રહ્યું છે તેમ યુરોપીયન યુનિયનની કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે જણાવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં ગરમી સંબંધિત કારણોથી યુરોપમાં બે લાખ લોકોનાં મોત થયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું.