World

EUનો અમેરિકા મુદ્દે મોટો ખુલાસો, ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકી ડીઝલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ધમકીને ફગાવી

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
યુરોપિયન યુનિયને 2 ઓક્ટોબરે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ફગાવી દીધી છે. ટ્રમ્પે યુરોપને ડીઝલનો અનામત જથ્થો જાહેર નહીં કરવા પર નિકાસ પ્રતિબંધની ચીમકી ઉચ્ચારી હતી. EU પ્રવક્તાએ કહ્યું કે, આવો પ્રતિબંધ વિશ્વસનીય ભાગીદાર તરીકે અમેરિકા પરનો વિશ્વાસ નબળો પાડશે. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ડીઝલના ભાવ વધતા ટ્રમ્પે આ દબાણ કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

EUનો અમેરિકા મુદ્દે મોટો ખુલાસો,  ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકી ડીઝલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ધમકીને ફગાવી

EU Rejects Donald Trump Diesel Export Ban: યુરોપિયન યુનિયન (European Union - EU) એ 2 ઓક્ટોબરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ ધમકીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે, જેમાં જો યુરોપ પોતાના ડીઝલનો અનામત જથ્થો (ડીઝલ રિઝર્વ) જાહેર નહીં કરે તો અમેરિકા ડીઝલની નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. યુરોપિયન કમિશનના પ્રવક્તા અન્ના-કેસા ઇટકોનેને (Anna-Kaisa Itkonen) આ અંગે વાત કરતા કહ્યું, 'અમે કોઈપણ ડીઝલ પ્રતિબંધને સંપૂર્ણપણે અસ્વીકાર કરીએ છીએ. આવો પ્રતિબંધ કોઈના માટે ફાયદાકારક રહેશે નહીં. આનાથી એક વિશ્વસનીય ભાગીદાર તરીકે અમેરિકા પરનો અમારો વિશ્વાસ નબળો પડશે.'

શું છે સમગ્ર મામલો?

ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. આની અસર અમેરિકા પર પણ પડી છે, અને દેશમાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે, જેનાથી સામાન્ય અમેરિકનોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આ કારણે નવેમ્બરમાં અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પર દબાણ વધી રહ્યું છે. આવા સમયે ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ડીઝલના ભાવને કાબૂમાં લેવા માટે અમેરિકા યુરોપિયન દેશોને ડીઝલ રિઝર્વ જારી કરવા માટે કહી શકે છે, અને જો તેમ નહીં થાય, તો અમેરિકા નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ પહેલા અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે (Scott Bessent) પણ યુરોપિયન દેશોને ડીઝલ ભંડાર જારી કરવા માટે કહ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, ટ્રમ્પ ઈચ્છે છે કે, યુરોપિયન દેશો આગામી 6 મહિનામાં લગભગ 12 કરોડ બેરલ ડીઝલ જારી કરે.

ડીઝલ માટે અમેરિકા પર નિર્ભર છે EU

યુરોપિયન યુનિયન ડીઝલની આયાત માટે અમેરિકા પર ઘણું નિર્ભર છે. ઓગસ્ટમાં અમેરિકાએ યુરોપિયન યુનિયનની ડીઝલ આયાતના લગભગ અડધા હિસ્સાનો સપ્લાય કર્યો હતો. ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે યુરોપમાં પણ ડીઝલની સરેરાશ કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ચૂકી છે, જેનાથી અનેક સેક્ટર્સ પર દબાણ વધી રહ્યું છે. જો અમેરિકા ડીઝલના નિકાસ પર પ્રતિબંધ લગાવી દે, તો યુરોપિયન દેશોમાં ડીઝલની અછત સર્જાવાથી તેના ભાવ વધુ વધી શકે છે. એક સમય હતો જ્યારે યુરોપિયન યુનિયનના દેશો રશિયા પાસેથી મોટી માત્રામાં ડીઝલ આયાત કરતા હતા, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ પછી 2023માં યુરોપિયન યુનિયને રશિયાથી ડીઝલ આયાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આથી હવે યુરોપ ડીઝલ માટે અમેરિકા પર નિર્ભર છે.