એસ્સાર ગ્રુપ અમેરિકામાં 18 અબજ ડોલરના ખર્ચે ગંજાવર સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ૨૦૩૦માં બનનારો પ્લાન્ટ એક કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરશે
- અમેરિકાના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટની સ્થાપનાને ટ્રમ્પે તેની ટેરિફ નીતિની સફળતાનું પરિણામ ગણાવી
- રુઇયા બંધુઓએ ૨૦૦૭માં ૧.૪ અબજ ટન લોહખનીજની ક્ષમતા ધરાવતી મિનેસોટા સ્ટીલને ખરીદી લીધી હતી
વોશિંગ્ટન : ભારતનું એસ્સાર જૂથ અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે ૧૮ અબજ ડોલર(૧.૭૨ લાખ કરોડ રુપિયા)નું રોકાણ કરશે. એસ્સારની માલિકીની મેસાબી મેટલિક્સ અમેરિકાના આયોવામાં ૧૫ અબજ ડોલરના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ અને ત્રણ અબજ ડોલરના ખર્ચે લોહખનીજ અને પેલિટાઇઝિંગ ફેસિલિટી સ્થાપશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે એસ્સાર મિનેસોટા ખાતે અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો અને વિશ્વના અત્યંત મોટા સ્ટીલ પ્લાન્ટમાંનો એક પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા એક કરોડ ટન સ્ટીલની હશે. આ પ્લાન્ટ ૨૦૩૦ સુધીમાં કાર્યાન્વિત થશે અને તે બનાવવાની પ્રક્રિયા દરમિયાન હજારોનો રોજગારી મળશે અને તેના પછી પ્લાન્ટ પોતે બે હજાર જેટલા લોકોને કાયમી રોજગારી આપશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એસ્સાર ગ્રુપના સ્થાપક રવિ રુઇયા અને પુત્ર રેવંત રુઇયાની હાજરીમાં આ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટના લીધે આઠ હજાર જેટલી કન્સ્ટ્રકશન જોબ્સ સર્જાશે. આ ઉપરાંત પ્લાન્ટના બાંધકામ દરમિયાન અને કામગીરીના પ્રથમ દસ વર્ષ દરમિયાન ૯૫ અબજ ડોલરનું આર્થિક ઉત્પાદન થશે. કંપની મેસાબી આયર્ન રેન્જમાં નૌશવોકમાં મિનેસોટા માઇન વિકસાવશે. કંપની વર્ષે ૭૫ લાખ ટન લોહખનીજનું ઉત્પાદન કરશે અને એક વખત કાર્યાન્વિત થયા બાદ ૩૫૦ લોકોને રોજગાર આપશે. લોહખનીજની ખાણ અમેરિકામાં છેલ્લા ૫૦ વર્ષમાં ખૂલનારી પ્રથમ લોહખનીજ ખાણ હશે.
ટ્રમ્પે આટલો ગંજાવર સ્ટીલ પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે તેનું શ્રેય પોતે લેતા જણાવ્યું હતું કે મેં ૫૦ ટકા ટેરિફ નાખ્યો તેના કારણે હવે લોકો અમેરિકામાં જ ઉત્પાદન કરવા આવે છે અને આ સ્ટીલ પ્લાન્ટ અમેરિકાની વેલ્યુ ચેઇનનો મોટો હિસ્સો બનશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાનો સ્ટીલ ઉદ્યોગ ઝડપથી પાટા પર આવી રહ્યો છે. હવે બધા અમેરિકામાં પ્લાન્ટ લગાવી રહ્યા છે કેમકે કોઈ ટેરિફ આપવા માંગતુ નથી.
એસ્સાર ગ્રુપની અમેરિકન પેટા કંપની મેસાબી મેટાલિક્સ નેશવોક મિનેસોટામાં આવેલી છે. તે ૨૦૦૭થી ચાલી રહી છે. એસ્સાર ગ્રુપે ૨૦૦૭માં મિનેસોટા સ્ટીલને ખરીદી હતી. તેની પાસે ૧.૪ અબજ ટનથી પણ વધુ લોહખનીજ સંસાધન હતા.




