Get The App

Explainer: એપસ્ટિન રશિયાની જાસૂસી એજન્સી KGBની કઠપૂતળી હતો? જાણો શું છે રશિયન હનીટ્રેપ થિયરી

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
Explainer: એપસ્ટિન રશિયાની જાસૂસી એજન્સી KGBની કઠપૂતળી હતો? જાણો શું છે રશિયન હનીટ્રેપ થિયરી 1 - image


Epstein Files : જેફરી એપસ્ટિન સંબંધિત દસ્તાવેજોમાં ખુલી રહેલી વરવી વિગતો અને મોટા મોટા નામોએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. લોકો એપસ્ટિનને એક કુખ્યાત બળાત્કારી તરીકે ઓળખે છે, પરંતુ તાજેતરમાં જાહેર થયેલા 30 લાખથી વધુ દસ્તાવેજો સૂચવે છે કે, આ સમગ્ર મામલાનું થોડું વધારે પડતું સરળીકરણ (Over Simplification) છે. દુનિયાભરના ગુપ્તચર વર્તુળોમાં લાંબા સમયથી ચર્ચા હતી કે, એપસ્ટિન રશિયા વતી એક વિશાળ ‘હનીટ્રેપ નેટવર્ક’ ચલાવતો હતો, જેનો હેતુ વગદાર લોકોને ફસાવીને તેમને બ્લેકમેલ કરવાનો હતો.

રશિયન હનીટ્રેપ થિયરી શું છે?

એવું કહેવાય છે કે, એપસ્ટિનનું નેટવર્ક રશિયન ગુપ્તચર એજન્સી KGB (હવે FSB - Federal Security Service)ના હિતમાં કામ કરતું હતું. આ થિયરી મુજબ, યુવાન મહિલાઓને—ખાસ કરીને રશિયન મૂળની મહિલાઓને—વિશ્વના પ્રભાવશાળી પુરુષો સુધી પહોંચાડાતી, જેથી યુવતીઓ સાથે તેમની મોજમસ્તી ગુપ્ત રીતે રેકોર્ડ કરી શકાય અને પછી એ ફૂટેજનો ઉપયોગ રાજકીય અને વ્યૂહાત્મક દબાણ માટે ઉપયોગમાં લઈ શકાય.

દસ્તાવેજોમાં પુતિન અને રશિયાના હજારો ઉલ્લેખ 

તાજેતરમાં જાહેર થયેલી ફાઇલોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ 1,056 વખત આવે છે. રશિયાનો ઉલ્લેખ કરતા દસ્તાવેજોની સંખ્યા તો 9,629 થવા જાય છે. કેટલાક ઇ-મેઇલ્સ અને નોંધોમાં એવા સંકેત મળે છે કે 2008માં જેલની સજા મળ્યા પછી પણ એપસ્ટિન પુતિન સાથે સંપર્કમાં રહ્યો હતો. જોકે, આ સંબંધો અંગે કોઈ સીધો અને કાનૂની રીતે સાબિત થઈ શકે એવો પુરાવો ઉપલબ્ધ નથી, માત્ર સંકેતો અને દાવા છે.

આ પણ વાંચો : જેફ્રી એપસ્ટિનની અય્યાશીના વીડિયો સામે આવ્યા, ક્યાંક મહિલા પાછળ દોડે છે તો ક્યાંક...

એપસ્ટિનની વૈભવી જીવનશૈલી પાછળનું રહસ્ય શું?

એપસ્ટિનની જીવનશૈલી અતિશય વૈભવી હતી. તે ટાપુઓ અને પ્રાઇવેટ જેટ્સનો માલિક હતો અને તેને અનેક અબજોપતિઓ સાથે મિત્રતા હતી. અનેક નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય નાણાકીય કારકિર્દીથી એપસ્ટિન જીવતો એવી હાઇ-પ્રોફાઇલ અને ઊંચી પહોંચ ધરાવતી જિંદગી જીવી ન શકાય. તેથી એવી શંકા જાગે છે કે શું તેને કોઈ દેશ તરફથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા અને સહાય મળતી હતી?

અમેરિકન સુરક્ષા એજન્સીઓ બધું જાણતી હતી? 

એવું કહેવાય છે કે, અમેરિકન સુરક્ષા એજન્સીઓ વર્ષોથી એપસ્ટિનના રશિયન સંપર્કો પર નજર રાખી રહી હતી. જોકે, બ્રિટનમાં એપસ્ટિનના સંબંધ રાજવી પરિવાર, ખાસ કરીને પ્રિન્સ એન્ડ્રુ સાથે હોવાને કારણે એ દિશામાં યોગ્ય તપાસ નહોતી કરાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે.

બિલ ગેટ્સે ગુપ્ત રોગની દવા માંગી હોવાનો દાવો 

આ ફાઇલોમાં કેટલાક અત્યંત ચર્ચાસ્પદ દાવા પણ છે. જેમ કે, એક ઇ-મેઇલમાં એવો ઉલ્લેખ છે કે રશિયન છોકરીઓ સાથે અસુરક્ષિત સેક્સસંબંધ બાંધવાને કારણે બિલ ગેટ્સને ગુપ્ત રોગ થયો હતો, જેની સારવાર માટે તેણે એપસ્ટિનના કોઈ સાથીદાર પાસે દવાઓ પણ માંગી હતી. જો કે, બિલ ગેટ્સે આ આરોપોને આધારહીન ગણાવીને ફગાવી દીધા છે. 

આ પણ વાંચો : પાકિસ્તાન લોહીલુહાણ, 80ના મોત: CPECના વિરોધમાં 14 શહેરોમાં 48 જગ્યાએ બોમ્બ ધડાકા

પ્રિન્સ એન્ડ્રુને રશિયન મહિલાની ઓફર આપી હતી

દસ્તાવેજો મુજબ, 2010માં એપસ્ટિને પ્રિન્સ એન્ડ્રુને એક 26 વર્ષીય રશિયન યુવતી સાથે સમય વીતાવવાની ઓફર કરી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે એપસ્ટિન દ્વારા માનવ તસ્કરીનો શિકાર બનેલી એ યુવતીનું જાતીય શોષણ એપસ્ટિને પોતે પણ કર્યું હતું.

રોબર્ટ મેક્સવેલ એપસ્ટિનની ‘જાસૂસીની કડી’ હતો?

અમેરિકન ગુપ્તચર નિષ્ણાતો માને છે કે એપસ્ટિનને જાસૂસી જગતમાં પ્રવેશ બ્રિટનના પ્રખ્યાત મીડિયા મુઘલ ‘રોબર્ટ મેક્સવેલ’ દ્વારા મળ્યો હતો. નવેમ્બર 1991માં સ્પેન નજીક એટલાન્ટિક મહાસાગરમાં અકસ્માતે પડી જવાથી રોબર્ટનું મોત થયું હોવાની સત્તાવાર નોંધ છે, પરંતુ તેમના મૃત્યુ પછી ખુલેલા ભારે આર્થિક કૌભાંડ, કરોડો પાઉન્ડના પેન્શન ફંડનો દુરુપયોગ તેમજ KGB, મોસાદ અને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ સાથેના તેમના કહેવાતા સંબંધોને કારણે આ મોત આત્મહત્યા કે હત્યા હોઈ શકે તેવી શંકા કરાઈ હતી. મેક્સવેલ અને એપસ્ટિન સાથે મળીને રશિયામાં કમાયેલું કાળું નાણું પશ્ચિમી દેશોમાં ધોળું કરતા હતા, એવો દાવો કરાયો છે. 

વારસામાં મળેલું નેટવર્ક ઘિસ્લેને મજબૂત બનાવ્યું 

એપસ્ટિન સાથે તેના જેવા જ કુકર્મો આચરનારી તેની સંગિની ગિસલેન નોએલ મેરિયોન મેક્સવેલ, મીડિયા મુઘલ રોબર્ટ મેક્સવેલની જ પુત્રી છે, જે હાલમાં બાળ લૈંગિક તસ્કરી માટે 20 વર્ષના જેલવાસની સજા ભોગવી રહી છે. કહેવાય છે કે પિતાના મૃત્યુ બાદ તે એપસ્ટિનની વધુ નજીક આવી હતી અને એપસ્ટિનના નેટવર્કના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા લાગી હતી.

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની કડી એપસ્ટિન હતો?   

કેટલાક ઇ-મેઇલ્સ સૂચવે છે કે એપસ્ટિન પોતાને પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંવાદ માટે એક અનૌપચારિક દૂત તરીકે રજૂ કરતો હતો. હેલસિંકી સમિટ પહેલાં થયેલા સંદેશાની આપ-લેમાં ‘એપસ્ટિન પુતિનને ટ્રમ્પ વિશે ‘મૂલ્યવાન સમજ’ આપી શકે એમ છે’ એવો ઉલ્લેખ કરાયો છે.

મોસાદ સાથે સંકળાયેલો હોવાના પણ આરોપો

એક અન્ય દસ્તાવેજ અનુસાર, અમેરિકાની સુરક્ષા એજન્સી FBIને ચેતવણી અપાઈ હતી કે એપસ્ટિન ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ વતી પણ અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશોની જાસૂસી કરતો હોઈ શકે છે. ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન એહુદ બરાક સાથેના તેના નજીકના સંબંધો આ શંકાને વધુ બળ આપે છે.

આ પણ વાંચો: અબજોપતિઓના પાપ માફ? અસંખ્ય અશ્લીલ તસવીરો-વીડિયો છતાં એપસ્ટિન ફાઇલ્સ મામલે નવો કેસ નહીં થાય

રશિયાની ‘ક્રાઇમ સિન્ડિકેટ’ સાથે શું સંબંધ હતા? 

સુરક્ષા એજન્સીઓની શંકા અને વિવિધ દાવા પ્રમાણે, રશિયાની ‘ક્રાઇમ સિન્ડિકેટ’ (સંગઠિત અપરાધ) સાથે એપસ્ટિનના સંબંધો લાંબા સમયથી હતા. શક્ય છે કે આ જૂથોએ એપસ્ટિનની ગેરકાયદે પ્રવૃત્તિઓના પુરાવાને આધારે તેને બ્લેકમેલ કરીને પોતાના હિતમાં પશ્ચિમી દેશોની જાસૂસી કરવા મજબૂર કર્યો હોય. રશિયાનો ‘હાથો’ હોવાથી જ એપસ્ટિન આસાનીથી રશિયાથી છોકરીઓ મંગાવી શકતો હતો એવું કહેવાય છે.

જેલમાં રહસ્યમય મૃત્યુ થતાં અનેક પ્રશ્નો અધૂરા 

વર્ષ 2019માં એપસ્ટિનનું મોત ન્યૂયોર્કની મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટર (MCC) સ્થિત ફેડરલ જેલમાં થયું હતું. તેનું મૃત્યુ સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવાયું હતું, પરંતુ ઘણાં લોકો માને છે કે તેને ચૂપ કરાવવા માટે તેની હત્યા કરાઈ હતી. 

વૈશ્વિક સત્તાધીશોનો બિભત્સ અને બેશરમીભર્યો ખેલ

જેફરી એપસ્ટિનનો કિસ્સો માત્ર એક વ્યક્તિ દ્વારા કરાયેલા અપરાધોની કહાની નથી. એપસ્ટિનની ગુનોખોરીમાં સેક્સ, પૈસા, રાજકારણ અને જાસૂસી જેવા અનેક પાસાં પરસ્પર ગૂંથાયેલા છે. આ કેસમાં ખુલી રહેલા દસ્તાવેજો દર્શાવે છે કે વૈશ્વિક સત્તાધીશોનો ખેલ કેટલો બિભત્સ અને બેશરમીભર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વચ્ચે વિવાદ વધ્યો ! ખામેનેઈએ ટ્રમ્પને ધમકી આપી કહ્યું, ‘જો હુમલો કરશો તો...’