Get The App

અબજોપતિઓના પાપ માફ? અસંખ્ય અશ્લીલ તસવીરો-વીડિયો છતાં એપસ્ટિન ફાઇલ્સ મામલે નવો કેસ નહીં થાય

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
અબજોપતિઓના પાપ માફ? અસંખ્ય અશ્લીલ તસવીરો-વીડિયો છતાં એપસ્ટિન ફાઇલ્સ મામલે નવો કેસ નહીં થાય 1 - image


No New Charges in Epstein Case : અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે રવિવારે વોશિંગ્ટન ડીસીમાં એપસ્ટિન ફાઇલ્સ મુદ્દે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ભયાનક તસવીરો અને ઈમેલ હોવા છતાં કોઈ પણ નવો કેસ ચલાવવામાં આવશે નહીં. 

એપસ્ટિન સાથે મળીને કાળા કામ કરનારાઓ સામે કોઈ કેસ નહીં થાય

એપસ્ટિન ફાઇલ્સમાં 30 પાનાંના નવા દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બિલ ગેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાની જાણીતી હસ્તીઓ, અબજોપતિ બિઝનેસમેન, રાજકારણીઓ, શાહી પરિવારના સદસ્યોના નામ ખૂલ્યા છે. એવામાં એક કાર્યક્રમમાં ટોડ બ્લેન્ચે કહ્યું કે, 'ઘણા બધા ઈમેલ અને પત્રો છે. ઘણી બધી તસવીરો છે જે ભયાવહ છે. પણ તેનો અર્થ એ નથી કે અમે કોઈ વિરુદ્ધ કેસ ચલાવી શકીએ. 

એપસ્ટિન ફાઇલ્સ જાહેર થયા બાદ બે મોટા રાજીનામા

એપસ્ટિન ફાઇલ્સ જાહેર થયા બાદ બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા લોર્ડ પીટર મેન્ડેલસને રવિવારે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. એપસ્ટિન સાથે મુલાકાતની તસવીરો વાઇરલ થયા બાદ સ્લોવાકિયા નામક દેશમાં એક ટોચના અધિકારીએ પણ રાજીનામું આપવું પડ્યું છે. બ્રિટેનના વડાપ્રધાન કીર સ્ટારમરે પ્રિન્સ એન્ડ્ર્યુને એપસ્ટિન અંગે તપાસમાં પૂર્ણ સહયોગ આપવા કહ્યું છે. 

આ પણ વાંચો: Explainer: એપસ્ટિન રશિયાની જાસૂસી એજન્સી KGBની કઠપૂતળી હતો? જાણો શું છે રશિયન હનીટ્રેપ થિયરી

બિલ ગેટ્સને ગુપ્ત રોગ થયો હોવાનો દાવો

ન્યાય વિભાગ દ્વારા કુલ 30 લાખ પાનાની નવી ફાઇલ્સ જાહેર કરી છે. જેમાં 1 લાખ 80 હજાર તસવીરો અને 2 હજાર જેટલા વીડિયો પણ સામેલ છે. વર્ષ 2013માં 18મી જુલાઈએ એપસ્ટિને ખુદ એક ઈમેલ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે બિલ ગેટ્સે રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા જે બાદ તેમને એક ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ 1994માં લગ્ન થયા હતા અને 2021માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડાના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટિન સાથેના સંબંધો પણ સામેલ હોવાનું મેલિન્ડાએ કહ્યું હતું. જોકે તેમણે વિસ્તૃત માહિતી નહોતી આપી. બિલ ગેટ્સના પ્રવક્તાએ નવા આરોપો મામલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, આ તમામ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. એપસ્ટિનના ગેટ્સ સાથે કોઈ સ્થાયી સંબંધ નહોતા જેના કારણે તે નિરાશ હતો અને તેમને ફસાવવા તથા બદનામ કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે તેમ હતો. 

કોણ હતો જેફરી એપસ્ટિન? 

જેફરી એપસ્ટિનનો કેસ દાયકાઓ સુધી ચાલેલા જાતીય શોષણ, સત્તાનો દુરુપયોગ અને ઉચ્ચ સ્તરીય જોડાણોનું એક જટિલ જાળ છે. એપસ્ટિન એક ફાયનાન્સર હતો, જેણે 'જે. એપસ્ટિન એન્ડ કંપની' શરુ કરી હતી. તેણે બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાજકારણીઓ, વૈજ્ઞાનિકો અને બ્રિટિશ રોયલ ફેમિલી (પ્રિન્સ એન્ડ્રુ) સાથે ગાઢ સંબંધો બનાવ્યા હતા. 2005માં ફ્લોરિડામાં સગીર છોકરીઓના જાતીય શોષણના આરોપ લાગ્યા અને 2008માં તેને માત્ર 13 મહિનાની જેલ થઈ, જેમાં તેને દિવસ દરમિયાન કામ પર જવાની છૂટ હતી. 

જુલાઈ 2019માં ન્યુયોર્કમાં સેક્સ ટ્રાફિકિંગના આરોપ હેઠળ ફરી ધરપકડ કરવામાં આવી. 10 ઑગસ્ટ, 2019ના રોજ જેલની કોટડીમાં તે મૃત હાલતમાં મળી આવ્યો. સત્તાવાર રીતે તેને આત્મહત્યા જાહેર કરાઈ, જોકે ઘણા લોકોને તેની મોતના કારણો પર આશંકા છે. એપસ્ટિનની ગર્લફ્રેન્ડ ગિસલેન મેક્સવેલને 2021માં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.