Get The App

ફોર્ટનાઇટ ગેમ બનાવનારી એપિક ગેમ્સ કંપની 1000 કર્મચારીઓની છટણી કરશે

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ફોર્ટનાઇટ ગેમ બનાવનારી એપિક ગેમ્સ કંપની 1000 કર્મચારીઓની છટણી કરશે 1 - image

- ગેમિંગ કંપનીઓ માટે ગમે તે ભોગે નફો રળવો વધારે મહત્વનો 

- ફોર્ટનાઇટ સૌથી સફળ ગેમ હોવા છતાં એપિક ગેમ્સ કંપની ખેલાડીઓની સંખ્યા ટકાવવા સંઘર્ષ કરી રહી છે

લોસ એન્જેલસ : વિખ્યાત ગેમ ફોર્ટનાઇટ બનાવનારી એપિક ગેમ્સ કંપની ગેમની લોકપ્રિયતા ઘટવાથી અને વધતા જતાં ખર્ચને પહોંચી વળવા તેના ૧૦૦૦ કર્મચારીઓની છટણી કરશે. ગેમિંગ સેક્ટરમાં આ વર્ષે થઇ રહેલી આ સૌથી મોટી છટણી છે. જે દર્શાવે છે કે દુનિયાભરમાં લોકપ્રિય બનેલી ગેમ્સ બનાવતી કંપનીઓ પણ નફો રળવા માટે સતત દબાણ હેઠળ કામ કરે છે. 

 ડિજિટ નામના સામયિકના જણાવ્યા અનુસાર ચીફ એક્ઝિક્યુટિવ ટીમ સ્વિનીએ તેમના આ નિર્ણયની જાણ કર્મચારીઓને એક નોટ મોકલી કરી હતી. 

આ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૫માં ફોર્ટનાઇટની લોકપ્રિયતામાં ઓટ આવવાની શરૂ થઇ તે પછી કંપની જેટલાં નાણાં રળતી હતી તેના કરતાં વધારે ખર્ચ કરી રહી હતી. આ છટણીને પગલે કંપની વધારે સ્થિર બનશે. કંપનીએ બીજા ૫૦૦ મિલિયન ડોલર્સનો ખર્ચ બચાવવા માટે પણ કોન્ટ્ર્ક્ટ અને માર્કેટિંગમાં બિનજરૂરી ભૂમિકાઓ ઓળખી કાઢી છે. 

જેમની છટણી કરવામાં આવી છે તે ર્ક્મચારીઓને ચાર મહિનાનો બેસિક પગાર અને તેમની મુદત અનુસાર વધારાનું વળતર આપવામાં આવશે. યુએસ સ્થિત કર્મચારીઓને છ મહિનાનું  હેલ્થકેર કવરેજ લંબાવી આપવામાં આવશે તથા કંપની સ્ટોક ઓપ્શન હેઠળ કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૭ સુધી શેર ધરાવવા દેશે. 

કંપનીંમાંથી રવાના થયાના બે વર્ષ સુધી તેઓ સ્ટોક ઓપ્શનનો ઉપયોગ કરી શકશે. 

ફોર્ટનાઇટ દુનિયામાં સૌથી સફળ ગેમ બની રહી હોવા છતાં એપિક ગેમ્સને ખેલાડીઓની સંખ્યા સતત જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ફોર્ટનાઇટ ગેમને મોબાઇલ લાવવાની દિશામાં કપની હજી શરૂઆતના તબક્કે છે. આ છટણી દર્શાવે છે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી કોરોના મહામારી બાદ ઓછી વૃદ્ધિ અને વધતાં ખર્ચનો સામનો કરી રહી છે. ૨૦૨૪ બાદ  મોટા સ્ટુડિયો અને નાના ડેવલપર્સ બંને નોકરીઓમાં કાપ મુકતાં રહ્યાં છે. 

ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલો આ જોબકાપ દર્શાવે છે કે કંપનીઓની વ્યૂહરચના બદલાઇ રહી છે. હવે કોઇપણ ભોગે વૃદ્ધિ કરવાને બદલે કંપનીઓ નફાકારકતા અને ઓપરેશનલ ખર્ચ મર્યાદિત રાખવા પર ભાર મુકી રહી છે. સ્પર્ધાત્મક માર્કેટમાં ખર્ચ ઘટાડીને પણ નવીનતા જાળવી રાખવાનો પડકાર એપિક ગેમ્સ ઝીલી રહી છે.