World

દુબઈ ટુરિઝમે શરૂ કરી અનોખી ‘દુબઈ ઇન્વાઇટ’ યોજના, મિત્રો-પરિવારજનોને આમંત્રણ આપો અને જીતો ઈનામ

By GS Team
31 Jul 20263 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ભૂ-રાજકીય અસ્થિરતા બાદ દુબઈ પ્રવાસન ઉદ્યોગને ફરી વેગ આપવા "દુબઈ ઇન્વાઇટ" યોજના શરૂ કરાઈ છે. યુએઈ નિવાસીઓ તેમના વિદેશી મિત્રો/પરિવારજનોને દુબઈ આવવા નોમિનેટ કરી શકશે. મહેમાનો 20 જુલાઈથી 31 ઓક્ટોબર, 2026 વચ્ચે દુબઈ આવે તો યજમાનને 3,000 AED સુધીના ડિજિટલ વાઉચર્સ મળશે. ભારતીય પ્રવાસીઓ માટે આ ઉત્તમ તક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈ ટુરિઝમે શરૂ કરી અનોખી ‘દુબઈ ઇન્વાઇટ’ યોજના, મિત્રો-પરિવારજનોને આમંત્રણ આપો અને જીતો ઈનામ

Dubai Invite Scheme 2026: તાજેતરમાં મધ્ય-પૂર્વમાં સર્જાયેલી ભૂ-રાજકીય અસ્થિરતા અને લશ્કરી સંઘર્ષોના કારણે ગલ્ફ ક્ષેત્રના પ્રવાસન ઉદ્યોગને માઠો ફટકો પડ્યો હતો. દુબઈ એરપોર્ટ, પામ જુમેરાહ અને બુર્જ અલ અરબ જેવા વિશ્વ પ્રસિદ્ધ સ્થળો નજીક ડ્રોન અને મિસાઇલના કાટમાળ પડવાથી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી અને વિમાની સેવા કામચલાઉ ધોરણે ખોરવાઈ ગઈ હતી.
પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે અને દુબઈના તમામ એરપોર્ટ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. પ્રવાસન ક્ષેત્રે ફરીથી રોનક લાવવા અને મુલાકાતીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે દુબઈના ‘ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ ટુરિઝમ’ દ્વારા એક આકર્ષક યોજના ‘દુબઈ ઇન્વાઇટ’ શરૂ કરાઈ છે.

શું છે ‘દુબઈ ઇન્વાઇટ’ યોજના?

આ એક વિશેષ રેફરલ પ્રોગ્રામ છે, જેમાં યુએઈના રહેવાસીઓ તેમના વિદેશ સ્થિત મિત્રો અને પરિવારજનોને દુબઈ આવવા નોમિનેટ કરી શકે છે. જો નોમિનેટ થયેલા મુલાકાતીઓ નક્કી કરેલી સમય મર્યાદામાં દુબઈની મુલાકાત લે, તો યજમાન (રહેવાસી)ને 3,000 AED (લગભગ 816 USD / ₹77,520) સુધીના વાઉચર્સ મળે છે.
હાલ યુએઈના રહેવાસીઓ જ તેમના દેશના બ્રાન્ડ એમ્બેસેડર બનીને પ્રવાસનને વેગ આપી રહ્યા છે. આ યોજના પ્રત્યેના ભારે ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોન્ચ થયાના પ્રથમ 48 કલાકમાં જ 10,000 થી વધુ અરજીઓ નોંધાઈ ચૂકી હતી.

મુખ્ય વિગતો અને તારીખો

  • મહત્ત્વપૂર્ણ તારીખો: મહેમાનોની નોંધણી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. નોમિનેટ થયેલા મહેમાનોએ 20 જુલાઈથી 31 ઓક્ટોબર, 2026 વચ્ચે દુબઈ પહોંચવાનું રહેશે.
  • પુરસ્કારોની માન્યતા: આ રિવોર્ડ્સ 31 ડિસેમ્બર, 2026 સુધી રિડીમ કરી શકાશે.
  • પુરસ્કારોનું સ્વરૂપ: આ પુરસ્કારો રોકડમાં નહીં પરંતુ ઇ-મેઇલ દ્વારા ડિજિટલ વાઉચર્સ સ્વરૂપે મળશે. જેમાં શહેરની પ્રખ્યાત રેસ્ટોરન્ટના ફૂડ વાઉચર્સ, હોટેલ સ્ટે ઓફર્સ, ટૂરિસ્ટ પોઇન્ટ્સની એન્ટ્રી ટિકિટ અને લાઇફસ્ટાઇલ બેનિફિટ્સનો સમાવેશ થાય છે.

પાત્રતા અને મુખ્ય નિયમો

  • યજમાન (UAE નિવાસી): ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને માન્ય અમીરાત ID (Emirates ID) હોવું જરૂરી છે.
  • નોંધણી: 'વિઝિટ દુબઈ'ના સત્તાવાર પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
  • મહેમાન: બિન-UAE નિવાસી હોવા જોઈએ અને તેમની પાસે માન્ય ટુરિસ્ટ વિઝા હોવા જોઈએ (હવાઈ, સમુદ્ર કે માર્ગના રસ્તે પ્રવેશી શકો છો).

નોમિનેશન મર્યાદાના નિયમો

  • એક મહેમાનને ફક્ત એક જ વાર નોમિનેટ કરી શકાશે.
  • યજમાન એક ફોર્મમાં પાંચ મહેમાનોની વિગત ભરી શકે છે.
  • એકથી વધુ ફોર્મ ભરી શકાય છે, પરંતુ સમગ્ર યોજના દરમિયાન યજમાનને મહત્તમ 3 રિવોર્ડ પેકેજ (કુલ AED 3,000 સુધી) જ મળશે.
    નોંધ: આ યોજના ફક્ત પ્રમોશનલ રિવોર્ડ્સ માટે છે; મુલાકાતીએ વિઝાની પ્રક્રિયા જાતે જ કરવાની રહેશે.

આ યોજના કેવી રીતે કામ કરે છે?

  • નોંધણી: UAE નિવાસીએ પોતાના મહેમાનના પ્રવાસ પહેલા 'વિઝિટ દુબઈ' પોર્ટલ પર તેમની વિગતો નોંધાવવી.
  • યાત્રા: મુલાકાતીએ નિર્ધારિત સમયગાળા (31 ઓક્ટોબર, 2026 સુધી)માં દુબઈ પહોંચવું.
  • ઓટોમેટિક વેરિફિકેશન: દુબઈ ઇમિગ્રેશન/એન્ટ્રી સિસ્ટમ દ્વારા પ્રવેશની પુષ્ટિ આપમેળે થઈ જશે. અલગથી કોઈ ક્લેમ ફોર્મ ભરવાની જરૂર નથી.
  • રિવોર્ડ: યજમાન રહેવાસીને થોડા જ દિવસોમાં ઇ-મેઇલ દ્વારા વાઉચર્સ પ્રાપ્ત થઈ જશે.

ભારતીય પ્રવાસીઓ માટે ખાસ કેમ?

ભારતીય પ્રવાસીઓ અને દુબઈમાં રહેતા ભારતીય સમુદાય માટે આ સમાચાર ખૂબ ઉત્સાહજનક છે, જેના મુખ્ય કારણો આ પ્રમાણે છે.

  • સૌથી મોટો ટુરિસ્ટ વર્ગ: વર્ષ 2025માં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રેકોર્ડબ્રેક 9.5 કરોડ મુસાફરો નોંધાયા હતા, જેમાં 1.2 કરોડથી વધુ ભારતીયો હતા. દુબઈ પ્રવાસન ક્ષેત્રે ભારત પ્રથમ ક્રમે છે.
  • પરિવાર અને મિત્રો માટે ઉત્તમ તક: યુએઈમાં વસતો વિશાળ ભારતીય સમુદાય ભારતમાં રહેતા પરિવારજનો કે મિત્રોને આમંત્રિત કરીને આ વાઉચર્સનો લાભ ઉઠાવી શકે છે.
  • સંપૂર્ણ સુરક્ષિત અને સામાન્ય સ્થિતિ: યુદ્ધના વિક્ષેપ બાદ હવે દુબઈ સંપૂર્ણ સુરક્ષિત છે અને તમામ એરપોર્ટ પ્રવાસીઓને આવકારવા સજ્જ છે.