દુનિયામાં પહેલીવાર 'ડ્રોન વોલ' તૈયાર કરાશે, રશિયાથી ગભરાયેલા 27 દેશોનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drone Wall: વિશ્વભરમાં હવે યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે. એક સમયે તોપ, બંદૂકો અને ટેન્કોથી જે યુદ્ધ થતાં હતા તેનું સ્થાન હવે 'ડ્રોન' એ લઈ લીધું છે. ઈરાન, રશિયા અને તૂર્કિયે જેવા દેશોએ ડ્રોનના ઉપયોગમાં આગળ વધી ગયા છે. રશિયાએ તો યુક્રેન સામેના યુદ્ધમાં પરંપરાગત હથિયારો કરતાં ડ્રોનથી વધુ સફળતા હંસલ કરી છે. ખાસ વાત એ છે કે, ડ્રોન યુદ્ધ ઓછું ખર્ચાળ છે અને ટારગેટ પર સીધો હુમલો કરીને સફળતાની વધુ તક રહેલી છે. બીજી તરફ તેનાથી થતાં નુકસાનની ચિંતાઓ પણ વધી ગઈ છે. ત્યારે હવે રશિયાથી ગભરાયેલા યુરોપમાં ડ્રોનનો એવો ભય છે કે, યુરોપિયન યુનિયને આજે ડેનમાર્કમાં 'ડ્રોન વોલ' બનાવવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. યુરોપિયન યુનિયનના 27 દેશોના નેતા 'ડ્રોન વોલ' બનાવવા પર મહોર લગાવવાની તૈયારીમાં છે. આ 'ડ્રોન વોલ' રશિયા તરફથી વધતાં ખતરાના જવાબમાં યુરોપની પોતાની સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે.
પોલૅન્ડના આકાશમાં રશિયન ડ્રોન દેખાયા હતા
યુરોપિયન યુનિયન માટે ચિંતાની બાબત એ છે કે, થોડા દિવસ પહેલા જ પોલૅન્ડના આકાશમાં રશિયન ડ્રોન જોવા મળ્યા હતા. પોલૅન્ડ નાટો દેશ છે, છતાં ત્યાં રશિયન ડ્રોન જોવાથી ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત એસ્ટોનિયા અને રોમાનિયાએ પણ તેમના આકાશમાં રશિયન ડ્રોન દેખાયા હોવાની ફરિયાદ કરી છે. આ ઘટનાઓ સપ્ટેમ્બરની જ છે. ત્યારબાદ રશિયાની સરહદે આવેલા બલ્ગેરિયા, એસ્ટોનિયા, હંગેરી, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, પોલૅન્ડ, સ્લોવાકિયા, ડેનમાર્ક અને ફિનલૅન્ડ જેવા દેશોએ વાટાઘાટો કરી. આ જ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે 'ડ્રોન વોલ' તૈયાર કરવી પડશે. હવે સવાલ એ છે કે આ 'ડ્રોન વોલ' શું હશે અને તે કેવી હશે.
એન્ટી-ડ્રોન ટેકનોલોજી
જે 'ડ્રોન વોલ'ની વાત કરવામાં આવી રહી છે તે, એન્ટી-ડ્રોન ટેકનોલોજીનું તહેનાત થવું છે. આવી ટેકનોલોજીથી ડ્રોનની એન્ટ્રી પર સિસ્ટમ તાત્કાલિક ઍલર્ટ થશે અને યોગ્ય જવાબ આપશે. આનાથી યુરોપિયન યુનિયનના કોઈપણ ભાગમાં રશિયન અથવા અન્ય દેશના ડ્રોનને તાત્કાલિક ઇન્ટરસેપ્ટ કરવામાં મદદ મળશે. આના હેઠળ રડાર, જામર અને સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનના તમામ સભ્ય દેશો વચ્ચે ડેટા શેરિંગ પર સહમતિ થશે. તેના હેઠળ તમામ દેશ એક-બીજાને જણાવશે કે, ડ્રોન એન્ટ્રી કરી રહ્યું છે અથવા તેની સ્થિતિ શું છે.
આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી
ડ્રોનનો જવાબ મિસાઇલથી ન આપી શકાય
નાટોના મહાસચિવ માર્ક રુટનું કહેવું છે કે, આપણે આપણા આકાશને સુરક્ષિત રાખવું પડશે. તેના માટે 'ડ્રોન વોલ' આપણી જરૂરીયાત છે. અમે મિસાઇલો પર અબજો ડોલર ન ખર્ચી શકીએ. ડ્રોનનો જવાબ મિસાઇલથી ન આપી શકાય. તેથી અમે ડ્રોન વોલના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છીએ. તેના માટે ખર્ચ પણ ઓછો થશે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે વાસ્તવમાં ડ્રોન વોલ કેવી દેખાશે, તે ક્યારે પૂર્ણ થશે અને તેનો ખર્ચ કેટલો થશે. આ વોલને તૈયાર કરવા માટે યુક્રેનના અનુભવોનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે, જે હાલમાં રશિયન ડ્રોનનો મુકાબલો કરી રહ્યા છે.









