Donald Trump on PM Modi : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (વ્યાપારી સમજૂતી) ને લઈને એક ખૂબ જ મહત્ત્વનું અને સકારાત્મક નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ એક મોટો વ્યાપારિક કરાર થઈ શકે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારે પ્રશંસા કરી હતી અને તેમને પોતાના ‘ખાસ મિત્ર’ ગણાવ્યા હતા. જોકે, આ સકારાત્મક વલણની સાથે જ ટ્રમ્પે ભારતની જૂની ટેરિફ નીતિઓ પર પણ નિશાન સાધ્યું હતું.
'ભારતે વર્ષો સુધી ફાયદો ઉઠાવ્યો, પણ હવે સ્થિતિ ઉલટી'
ભૂતકાળના વ્યાપારી સમીકરણોનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, "ઘણા વર્ષો સુધી ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. તેઓ અમારા સામાન પર ભારે ટેક્સ (ટેરિફ) લગાવતા હતા અને બદલામાં પોતે કશું ચૂકવતા નહોતા. હું આના માટે ભારતને દોષ નથી આપતો, પરંતુ અમેરિકાના જૂના નેતાઓને દોષ આપું છું કારણ કે આપણે બેવકૂફ હતા. જોકે, હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને અમે ભારત સાથેના વ્યાપારમાંથી ઘણો નફો કમાઈ રહ્યા છીએ."
પીએમ મોદી સાથેની કેમિસ્ટ્રી લાવશે રંગ
ભૂતકાળના વ્યાપારિક ભેદભાવો અને ટેક્સના વિવાદો છતાં ટ્રમ્પે ભવિષ્યમાં ભારત સાથે બહેતર કરાર થવાનો પૂરો ભરોસો આપ્યો હતો. તેમણે આનો સંપૂર્ણ શ્રેય પીએમ નરેન્દ્ર મોદી સાથેની પોતાની અંગત મિત્રતાને આપતા કહ્યું કે, "આ બધી વાતો પછી પણ અમે ભારત સાથે વ્યાપાર સમજૂતી કરી લઈશું. તેનું કારણ એ છે કે મને તમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે. તે મારા ખૂબ સારા મિત્ર છે અને અમારી વચ્ચે ખૂબ જ મજબૂત અને બહેતર સંબંધો છે."
બીજી તરફ નવો 'ટેરિફ બોમ્બ' ફોડવાની તૈયારી!
ટ્રમ્પના આ મધુર નિવેદનની વચ્ચે જ અમેરિકા તરફથી ભારત સહિત અન્ય દેશો પર નવો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે. અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા ભારત, ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, જાપાન અને કતાર સહિત 54 દેશોની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં આરોપ લગાવાયો છે કે આ દેશોમાં 'જબરન મજૂરી' (Forced Labor) થી બનેલી વસ્તુઓની આયાત રોકવા માટેના કાયદાઓ કડક રીતે લાગુ કરવામાં આવ્યા નથી.
આ અંતર્ગત અમેરિકા 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 (Section 301) નો ઉપયોગ કરીને 10% થી 12.5% સુધીનો નવો વધારાનો ટેરિફ ઝીંકી શકે છે. ભારત જેવા દેશો કે જેમણે વ્યાપારી કરાર હેઠળ આ નિયમો બનાવવાનું વચન આપ્યું છે, તેમના પર 10% વધારાનો ટેક્સ લાગી શકે છે. જોકે, આ પ્રસ્તાવમાં કાપડ ઉદ્યોગ (Textiles) માટે રાહત આપતી ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.


