World

ટ્રમ્પ ભારતમાં કરી રહ્યા છે મબલખ કમાણી, સૌથી વધુ ગુરુગ્રામમાં પૈસા છાપ્યા, જાણો કેટલી સંપત્તિ ઊભી કરી

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2.3 બિલિયન ડોલરની જંગી કમાણી કરી છે, જેમાં ભારત મોટું યોગદાન આપી રહ્યું છે. દિલ્હી, પૂણે અને ગુરુગ્રામ સહિત 6 ભારતીય શહેરોમાંથી 10 મિલિયન ડોલરની આવક થઈ છે. રિયલ એસ્ટેટ લાયસન્સિંગ અને ક્રિપ્ટો બિઝનેસ તેમની કમાણીના મુખ્ય સ્ત્રોત છે. ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટોમાંથી $1.4 બિલિયનથી વધુ કમાણી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ ભારતમાં કરી રહ્યા છે મબલખ કમાણી, સૌથી વધુ ગુરુગ્રામમાં પૈસા છાપ્યા, જાણો કેટલી સંપત્તિ  ઊભી કરી
IMAGE - IANS

Donald Trump earnings: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કમાણીના સત્તાવાર આંકડા જાહેર થયા છે, જેમાં ભારત તેમના માટે એક મોટું કમાણીનું સાધન સાબિત થયું છે. યુએસ ઑફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, દિલ્હી, પૂણે અને ગુરુગ્રામ જેવા ભારતીય શહેરોમાંથી તેમણે મોટી કમાણી કરી છે. ટ્રમ્પની આ કમાણી પાછળનું મુખ્ય કારણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથેના લાયસન્સ કરાર છે. આ કરારો હેઠળ ડેવલપર્સ ફી ચૂકવીને પોતાના લક્ઝરી પ્રોજેક્ટ્સમાં ટ્રમ્પના નામનો ઉપયોગ કરે છે.

કુલ 2.3 બિલિયન ડોલરની કમાણી

ડોનાલ્ડ ટ્રમ્પે કુલ 2.3 બિલિયન ડોલરની કમાણી કરી છે, જેમાંથી તેમના પરિવારે લાયસન્સિંગ ફી દ્વારા જ 58 મિલિયન ડોલર મેળવ્યા છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ટ્રમ્પ બ્રાન્ડ નામ હેઠળ લક્ઝરી રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેના બદલામાં ડેવલપર્સ તેમને મોટી રકમ ચૂકવે છે.

ભારતના 6 શહેરોમાંથી અધધ કમાણી

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ પરિવારની આવકમાં 10 મિલિયન ડોલર એકલા ભારતમાંથી આવ્યા છે. દેશના 6 મુખ્ય શહેરો આ કમાણીનું કેન્દ્ર રહ્યા છે. જેમાં સૌથી વધુ ગુરુગ્રામમાંથી 3.6 મિલિયન ડોલર અને દિલ્હીમાંથી 1.8 મિલિયન ડોલરની કમાણી થઈ છે. આ સિવાય હૈદરાબાદમાંથી 1.5 મિલિયન ડોલર, નોઇડામાંથી 1.5 મિલિયન ડોલર, પૂણેમાંથી 1.5 મિલિયન ડોલર અને મુંબઈમાંથી 1,80,850 ડોલરની કમાણી થઈ છે.

મિડલ ઈસ્ટ દેશો કમાણીમાં સૌથી આગળ

અમેરિકન પ્રમુખ સૌથી વધુ કમાણી મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશોમાંથી કરે છે. તેમણે દુબઈમાંથી 11.7 મિલિયન ડોલર, અબુ ધાબીમાંથી 10 મિલિયન ડોલર, સાઉદી અરેબિયામાંથી 9.2 મિલિયન ડોલર અને દોહામાંથી 5.25 મિલિયન ડોલરની કમાણી કરી છે. આ સિવાય વિયેતનામ, રોમાનિયા, તૂર્કીયે અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથેના લાયસન્સિંગ કરારોથી પણ તેમને મોટો ફાયદો થયો છે.

ક્રિપ્ટો બિઝનેસથી 1.4 અબજ ડોલરનો બમ્પર નફો

વર્ષ 2025 દરમિયાન ટ્રમ્પના કૌટુંબિક ક્રિપ્ટો બિઝનેસમાં જોરદાર તેજી જોવા મળી છે, જેનાથી તેમણે 1.4 અબજ ડોલરથી વધુની કમાણી કરી છે. પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે લીધેલા નીતિગત નિર્ણયો અને ડિજિટલ એસેટ્સ પ્રત્યેના વલણને કારણે તેમની આવક ઝડપથી વધી છે. તેમના પુત્રોની ક્રિપ્ટો કંપની 'વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ' એ 80 કરોડ ડોલર કમાવ્યા છે, જેમાં ક્રિપ્ટો ટોકનની પ્રમોશનલ સેલથી 52 કરોડ ડોલર અને બિઝનેસ હિસ્સેદારી વેચીને 25 કરોડ ડોલરથી વધુ મેળવ્યા છે. આ સિવાય ટ્રમ્પે પોતાના 'ટ્રમ્પ મીમ કોઈન'ના વેચાણથી 63.5 કરોડ ડોલરની કમાણી કરી છે. પ્રમુખ પદ સંભાળ્યા બાદ તેમણે સ્ટેબલકોઈન માટે ફેડરલ નિયમો લાગુ કર્યા અને સરકારી એજન્સીઓની ક્રિપ્ટો ઉદ્યોગ પરની કડક કાર્યવાહીને મર્યાદિત કરી, જેનો સીધો ફાયદો તેમના પરિવારના ક્રિપ્ટો બિઝનેસને મળ્યો છે.

ગોલ્ફ અને રિસોર્ટ બિઝનેસમાં 15%નો ઉછાળો

ટ્રમ્પની પરંપરાગત આવકનો સ્ત્રોત ગણાતા ગોલ્ફ અને રિસોર્ટ બિઝનેસમાંથી પણ વર્ષ 2025માં 50 કરોડ ડોલરથી વધુની આવક થઈ છે, જે અગાઉની સરખામણીએ 15% વધુ છે. ફ્લોરિડામાં આવેલા તેમના પ્રખ્યાત 'માર-એ-લાગો ક્લબ'ની આવક 5 કરોડ ડોલરથી વધીને 7.7 કરોડ ડોલર થઈ ગઈ છે. નોંધનીય છે કે ટ્રમ્પ આ ક્લબને પોતાના 'વિન્ટર વ્હાઇટ હાઉસ' તરીકે ઓળખાવે છે.