'રશિયાને સમજાવવામાં મારી મદદ કરો...', જિનપિંગ સાથે બેઠક પહેલા ટ્રમ્પની અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump and Xi Jinping : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આસિયાન સમિટમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની આગામી મુલાકાતને લઈને અનેક અટકળો સામે આવી રહી છે. જિનપિંગ સાથે બેઠક પહેલા ટ્રમ્પે જણાવ્યું કે, 'ચીન સાથેની ડીલમાં આપણે કેટલીક છૂટછાટ આપવી પડી શકે છે. અમે ચીન પર 157 ટકા ટેરિફ લગાવ્યો છે. મને નથી લાગતું કે આ ટેરિફ હંમેશા માટે છે. તેઓ ટેરિફ ઓછો કરવા ઈચ્છે છે અને અમે તેમનાથી કેટલીક વસ્તુઓ. મને લાગે છે આ બહુ સારુ રહેશે. અમે ઈચ્છીએ છીએ કે રશિયાને સમજાવવા માટે ચીન અમારી મદદ કરે...'
ટ્રમ્પે શું કહ્યું?
કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે શાંતિ સ્થાપવાને લઈને ચીનની ભૂમિકા વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'ચીનની કોઈ ભૂમિકા નથી. જોકે, આમાં મલેશિયાએ મદદ કરી છે. મલેશિયા જવાનું એક કારણ છે કે, કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે શાંતિ સ્થાપવા માટે મલેશિયાની મોટી ભૂમિકા છે.'
રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા કરીશું: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, 'રશિયાને સમજાવવા માટે ચીન અમારી મદદ કરે. અમે રશિયા પર ઘણાં પ્રતિબંધો લગાવ્યા છે. મારું માનવું છે કે આ પ્રતિબંધો વધુ કડક બનશે, પરંતુ હું જોવા માગુ છું કે ચીન આમાં અમને કેવી રીતે મદદ કરશે. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મારા સારા સંબંધો છે. અમારી બેઠક થવાની છે. અમે વેપાર પણ કરીશું. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા થશે. આ યુદ્ધમાં દર અઠવાડિયે સાત હજાર લોકોના મોત થાય છે, જેમાં મોટાભાગના સૈનિકો છે અને અમે ચોક્કસપણે તેના વિશે વાત કરીશું.'
દક્ષિણ કોરિયાના DMZ ખાતે કિમ જોંગને મળવાની કોઈ યોજના અંગે પૂછવામાં આવેલા સવાલમાં ટ્રમ્પે કહ્યું કે, 'જો તેઓ મળવા માંગતા હોય, તો હું તેમને મળીશ. હું દક્ષિણ કોરિયા જઈ રહ્યો છું. જો તેઓ મળવા માંગતા હોય, તો મને તેમને મળવાનું ગમશે. તેમની પાસે ઘણા પરમાણુ શસ્ત્રો છે. મારા કિમ જોંગ સાથે સારા સંબંધો છે, અને તેઓ કદાચ જાણે છે કે હું આવી રહ્યો છું.'
આ પણ વાંચો: યુક્રેન યુદ્ધનો અંત નજીક ? ટૂંક સમયમાં જ સમજૂતી થઇ જશે : પુતિનના નિકટવર્તીએ કહ્યું
વધુમાં ટ્રમ્પે કહ્યું કે, 'ઈન્ટરનેટ સિવાય કિમ જોંગ સાથે સંપર્ક કરવો થોડું મુશ્કેલ છે. તેમની ટેલિફોન સેવા મર્યાદિત છે, પણ તેમને ખબર છે કે હું આવી રહ્યો છું. તેથી જો તેઓ મળવા માંગતા હોય, તો હું તેમને 100 ટકા મળીશ.'









