Get The App

યુક્રેન યુદ્ધનો અંત નજીક ? ટૂંક સમયમાં જ સમજૂતી થઇ જશે : પુતિનના નિકટવર્તીએ કહ્યું

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેન યુદ્ધનો અંત નજીક ? ટૂંક સમયમાં જ સમજૂતી થઇ જશે : પુતિનના નિકટવર્તીએ કહ્યું 1 - image

- રોઇટર્સનો રીપોર્ટ જણાવે છે કે યુરોપીય દેશો યુક્રેનની સાથે મળી વર્તમાન યુદ્ધ રેખાઓના આધારે યુદ્ધ વિરામ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે

વોશિંગ્ટન : નિવેશ અને આર્થિક સહયોગ અંગેના પુતિનના વિશેષ દૂત કિરિલ દિમીત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે, રશિયા, અમેરિકા અને યુક્રેન હવે યુદ્ધ બંધ કરવા માટે કૂટનીતિક સમાધાનની નજીક પહોંચ્યા છે.

વૉશિંગ્ટનમાં અમેરિકી અધિકારીઓ સાથેની વાતચીત માટે,પહોંચેલા પુતિનના ખાસ દૂત દિમિત્રિયેએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદીમીર પુતિન વચ્ચેની પ્રસ્તાવિક બેઠક રદ્દ નથી થઈ, પરંતુ તે યોગ્ય સમયે, આયોજિત કરવામાં આવશે.

આ સપ્તાહના પ્રારંભમાં ટ્રમ્પે કહ્યું હતું કે હંગેરીમાં પુતિન સાથેની તેમની બેઠક રદ્દ કરવામાં આવી છે, કારણ કે રશિયા તત્કાળ યુદ્ધ વિરામ માટે સહમત થયું ન હતું, વળી મંત્રણામાં પ્રગતિ પણ થઇ ન હતી. ટ્રમ્પે પણ કહ્યું હતું કે તે બેઠક માટે હજી સમય યોગ્ય નથી. પરંતુ દીમીત્રિયેવે શુક્રવારે દાવો કર્યો હતો કે મને લાગે છે કે રશિયા, અમેરિકા અને યુક્રેન વાસ્તવમાં કૂટનીતિક સમાધાનની ઘણા નજીક છે. જો કે તેમણે તે સ્પષ્ટ નથી કર્યું કે સંભવિત સમજૂતીમાં ક્યાં પ્રવધાન હશે.

રોઇટર્સના એક રીપોર્ટ પ્રમાણે યુરોપીય દેશો યુક્રેનની સાથે મળી વર્તમાન યુદ્ધ રેખાઓના આધારે યુદ્ધ વિરામ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે. આ પ્રસ્તાવ પહેલાં થયેલી મંત્રણાઓનાં મહત્વનાં બિંદુઓને જ આગળ ધપાવે છે. આ સાથે રોઇટર્સ જણાવે છે કે તે મંત્રણામાં અમેરિકાની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહેશે.

દીમીત્રિયેવે આગળ જણાવ્યું કે આ પ્રમુખ ઝેલેન્સ્કીનું એક મહત્વનું પગલું છે. તેઓએ વર્તમાન યુદ્ધરેખાઓ ઉપર મંત્રણા કરવા સ્વીકાર્યું છે.પહેલાં તેઓ કહેતા હતા કે રશિયાએ પૂરેપૂરૃં પાછું હઠી જવું જોઇએ. પરંતુ હવે તે દુરાગ્રહ તેઓએ પડતો મુક્યો છે. તેથી મને લાગે છે કે અમે રાજદ્વારી સમાધાનની ઘણા નજીક છીએ.

રશિયાનું વલણ આ યુદ્ધમાં તેવું રહ્યું છે કે યુક્રેનના સૌથી પહેલાં કેટલાક પ્રદેશ (જ્યાં રશિયન ભાષીઓની સંખ્યા ઘણી મોટી છે) તે છોડવા તૈયાર થાય તો તે પછી જ યુદ્ધ વિરામ સંભવિત છે.