ઈરાન સાથે અમેરિકાનું યુદ્ધ સમાપ્ત? ટ્રમ્પના પત્ર પર ડેમોક્રેટ્સનો હોબાળો, જાણો શું છે અસલી ખેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

War Powers Act: વર્ષ 2026ની શરૂઆતથી જ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સશસ્ત્ર સંઘર્ષ હવે એક નવા વળાંક પર આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કોંગ્રેસના નેતાઓને એક પત્ર લખીને દાવો કર્યો છે કે ઈરાન સાથેની દુશ્મનાવટ હવે સમાપ્ત થઈ ગઈ છે. આ પત્ર દ્વારા ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, યુદ્ધ ચાલુ રાખવા માટે વિધાયક શાખા (Legislative branch) પાસેથી મંજૂરી લેવાની જે 60 દિવસની કાયદાકીય સમયમર્યાદા હતી, તે હવે લાગુ પડતી નથી.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદના મૂળ વોર પાવર્સ ઍક્ટ 1973(War Powers Act of 1973)માં રહેલા છે. આ કાયદા હેઠળ, રાષ્ટ્રપ્રમુખ કોઈપણ તાત્કાલિક જોખમનો સામનો કરવા માટે સૈનિકો તૈનાત કરી શકે છે, પરંતુ જો સૈન્ય કાર્યવાહી 60 દિવસથી વધુ ચાલુ રાખવી હોય, તો તેમણે યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી અનિવાર્ય છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. જેની જાણ ટ્રમ્પે કોંગ્રેસને કરી હતી. આ હિસાબે 1 મેના રોજ આ 60 દિવસની સમયમર્યાદા પૂર્ણ થતી હતી. જોકે, ટ્રમ્પે પત્રમાં જણાવ્યું છે કે 7 એપ્રિલથી યુદ્ધવિરામ (Ceasefire) લાગુ છે અને ત્યારથી અમેરિકી દળો અને ઈરાન વચ્ચે કોઈ ગોળીબાર થયો નથી, તેથી યુદ્ધ હવે ટેકનિકલી સમાપ્ત થઈ ગયું છે.
ઓપરેશન એપિક ફ્યુરી અને ટ્રમ્પનો તર્ક
ટ્રમ્પે રિપબ્લિકન હાઉસ સ્પીકર માઈક જોન્સન અને સેનેટર ચક ગ્રેસલીને સંબોધિત પત્રમાં લખ્યું છે કે, તેમણે ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી (Operation Epic Fury) શરૂ કર્યું હતું. જે અમેરિકન હિતો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હતું. શુક્રવારે વ્હાઇટ હાઉસથી રવાના થતી વખતે ટ્રમ્પે પત્રકારોને રોકડું પરખાવ્યું હતું કે, "મેં કોંગ્રેસની મંજૂરી લેવાનો વિચાર પણ કર્યો નથી કારણ કે અગાઉ કોઈએ આવી મંજૂરી માંગી નથી. વોર પાવર્સ ઍક્ટ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે."
વિપક્ષ અને ડેમોક્રેટ્સનો ભારે વિરોધ
ટ્રમ્પના આ વલણની ડેમોક્રેટિક નેતાઓ અને કાયદાકીય નિષ્ણાતો દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. સેનેટ માઇનોરિટી લીડર ચક શૂમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા પ્રહાર કરતાં લખ્યું કે, "આ એક ગેરકાયદેસર યુદ્ધ છે. રિપબ્લિકન નેતાઓ ચૂપ રહીને આ અરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે, જ્યારે સામાન્ય અમેરિકનોએ મોંઘવારી અને અસુરક્ષાનો ભોગ બનવું પડી રહ્યું છે."
સેનેટ આર્મડ સર્વિસીસ કમિટીના સભ્ય જીન શાહીને પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢતાં કહ્યું કે, હજારો અમેરિકી સૈનિકો હજુ પણ તે ક્ષેત્રમાં જોખમમાં છે. હોર્મુઝની ખાડી હજુ પણ બંધ છે અને વૈશ્વિક બજારમાં ઇંધણના ભાવ આસમાને છે. ટ્રમ્પ પાસે આ યુદ્ધમાંથી બહાર નીકળવાની કોઈ ચોક્કસ વ્યૂહરચના નથી.
કાયદાકીય નિષ્ણાતો અને 'ACLU'ની ચિંતા
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) એ પણ વ્હાઇટ હાઉસને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે વોર પાવર્સ ઍક્ટમાં 'પોઝ બટન' કે 'રીસેટ બટન' જેવી કોઈ જોગવાઈ નથી. માત્ર યુદ્ધવિરામ જાહેર કરવાથી 60 દિવસની કાયદાકીય જવાબદારીમાંથી મુક્તિ મળી શકતી નથી. સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ સેનેટ સમક્ષ જુબાની આપતાં ટ્રમ્પના તર્કનું સમર્થન કર્યું હતું કે યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસની ઘડિયાળ અટકી જાય છે, પરંતુ સેનેટર ટિમ કેન જેવા નેતાઓ તેને બંધારણીય કટોકટી ગણાવી રહ્યા છે.
યુદ્ધ ચાલુ રહેશે?
ભલે ટ્રમ્પે કાગળ પર યુદ્ધ સમાપ્ત થવાની વાત કરી હોય, પણ પત્રના અંતે તેમણે સ્વીકાર્યું છે કે ઈરાન તરફથી ખતરો હજુ પણ યથાવત્ છે. પેન્ટાગોન આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય હાજરી જરૂરિયાત મુજબ બદલતું રહેશે. જેનો અર્થ એ છે કે, સીધો ગોળીબાર ભલે બંધ હોય, પણ પશ્ચિમ એશિયામાં તણાવ અને અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ હજુ લાંબો સમય ચાલશે તેવું દેખાઈ રહ્યું છે.









