ડોલર વૈશ્વિક ચલણ નહીં રહી શકે તેવી પ્રબળ માન્યતા, નવા વિકલ્પની શોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Dollar News: એક સમય હતો જ્યારે ડોલરના વિકલ્પનો વિચાર પણ કોઈને આવતો ન હતો જ્યારે આજે સ્થિતિ એવી છે કે વિશ્વની મોટાભાગની રિઝર્વ બેન્કો ડોલરના વિકલ્પની શોધમાં છે.આ બેન્કો માને છે કે ડોલરના દિવસો પૂરા થઈ ગયા છે. ડોલર વૈશ્વિક ચલણ તરીકે લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. આના પગલે આગામી એક કે બે વર્ષમાં વિશ્વની ૩૦ ટકા રિઝર્વ બેન્કો સોનામાં તેમની ફાળવણીમાં વધારો કરવાની છે, જેથી ડોલરમાં કોઈપણ પ્રકારના ઘટાડા સામે રક્ષણ મેળવી શકાય.
આના કારણે આગામી દિવસોમાં આ રિઝર્વ બેન્કો સોનામાં મોટાપાયે ખરીદી કરશે, જેથી સોનાના ભાવમાં નાટકીય ઉછાળો જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય. આજે વિશ્વના મોટાભાગના દેશો ડોલર સિવાયના ચલણમાં કારોબાર કરવા લાગ્યા છે. પહેલા બધો જ આંતરરાષ્ટ્રીય કારોબાર ડોલરમાં થતો હતો. આજે ડોલરની વિશ્વસનીયતા પહેલા જેટલી રહી નથી. રિઝર્વ બેન્કો માને છે કે વિશ્વ હવે એક કે બે ધુ્રવી રહ્યુ નથી, પરંતુ બહુધુ્રવીય બની ગયું છે.
એક સર્વેમાં ખુલાસો થયો છે કે મોટાભાગના દેશ પહેલી વખત ડોલરમાં હોલ્ડિંગ ઘટાડવા તરફ આગળ વધી રહ્યા છે. ડોલરમાં અવિશ્વાસ પેદા થવાનું કારણ અમેરિકાની રાજકીય અનિશ્ચિતતા, બીજા કેટલાય દેશો સાથે અમેરિકાનો ભૂરાજકીય તનાવના લીધે ડોલરમાં અસ્થિરતા જોવા મળી છે. તેમા પણ ખાસ કરીને ઇરાન સાથેના યુદ્ધ દરમિયાન ડોલરમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી હતી.
લગભગ 10 ટ્રિલિયન ડોલરથી પણ વધારે ભંડોળને સંભાળનારાઓને લાગે છે કે ડોલરમાં અસ્થિરતમાં કાયમી ધોરણે જોવા મળશે. તેનો સામનો કરવા માટે તેઓએ નવા જ અભિગમની જરૂર પડી શકે છે. આમ આખું વૈશ્વિક પરિમાણ બદલાઈ રહ્યુ છે તેમ મનાય છે. વિશ્વની મોટાભાગની રિઝર્વ બેન્કોએ પહેલીં વખત તે હકીકત સ્વીકારી છે કે તેઓ આગામી દાયકામાં ડોલરમાં રોકાણ ઘટાડશે.
આ બતાવે છે કે ડોલરના હવે વળતા પાણી છે. આ સરવેમાં વિશ્વની 90 રિઝર્વ બેન્ક, સોવરિન વેલ્થ ફંડ્સ અને 10 ટ્રિલિયન ડોલરથી પણ વધુ એસેટ્સનું સંચાલન કરતાં પેન્શન ફંડ્સને આવરી લેવામાં આવ્યા હતા. ડોલર પરનો વિશ્વાસ ઘટતા તેમણે લાંબા ગાળાની એસેટ એલોકેશન વ્યૂહરચનાઓ પર નવેસરથી વિચાર કરવાની ફરજ પડી શકે છે.
વિશ્વની લગભગ 79 ટકા રિઝર્વ બેન્ક અને 60 ટકા પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનું માનવું છે કે વૈશ્વિક નાણાકીય પ્રણાલિ સ્થિર પણ મક્કમતાપૂર્વક બહુઆયામી રિઝર્વ કરન્સી ફ્રેમવર્ક તરફ વળી રહી છે. ડોલરના વિકલ્પ તરીકે મુખ્યત્વે સોનુ, યુરો, બ્રિટિશ પાઉન્ડ, ચીની યુવાન, નોર્વેની ક્રોન અને ન્યૂઝીલેન્ડની ડોલર છે. સરવેમાં એમ પણ જણાવાયું છે કે યુરો અને યુઆનની પોતાની આગવી મર્યાદા છે. આ જ કારણે તે ડોલરનો સંપૂર્ણ વિકલ્પ બની શક્યા નથી.
આ સરવેમાં 82 ટકા બેન્કોએ જણાવ્યું હતું કે સોનાનો તેઓ ડિફેન્સિવ હેજ ઉપરાંત કોર સ્ટ્રેટેજિક રિઝર્વ એસેટ તરીકે ઉપયોગ કરવાના છે. ભૂરાજકીય અનિશ્ચિતતા અને બજારની અસ્થિરતાના સંદર્ભમાં તેમણે આ અભિપ્રાય આપ્યો છે. આ સંજોગોમાં લગભગ ૩૦ ટકા જેટલી બેન્કો સોનામાં તેમની એસેટ ફાળવણીમાં વધારો કરવાની છે. અહીં તે યાદ રાખવું જરુરી છે કે ચીન અવિરત ધોરણે ડોલર બોન્ડમાં તેનું રોકાણ ઘટાડીને સોનું ખરીદી રહ્યુ છે અને ભારતીય રિઝર્વ બેન્કે પણ છેલ્લા ચાર વર્ષમાં મોટાપાયા પર સોનાની ખરીદી કરી છે. આ જોઈ વિશ્વની બીજી રિઝર્વ બેન્કો પણ આ જ દિશામાં આગળ ધપી રહી છે. જાપાન જેવું અમેરિકાનું ગાઢ સાથી પણ આશ્ચર્યજનક રીતે ચીનને જ અનુસરતા હોય તેમ ડોલર બોન્ડમાં રોકાણ ઘટાડીને સોનું ખરીદવા લાગ્યું છે.









