BRICS Meeting 2026: બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠક આજે શુક્રવારે નવી દિલ્હીમાં કોઈપણ સંયુક્ત નિવેદન વિના સમાપ્ત થઈ. યજમાન ભારત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મધ્ય પૂર્વની સ્થિતિને લઈને સભ્ય દેશો વચ્ચે 'કેટલાક મુદ્દાઓ પર અલગ-અલગ મંતવ્યો' હોવાને કારણે સંયુક્ત નિવેદન જાહેર કરી શકાયું નથી. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા, ઈજિપ્ત, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઇન્ડોનેશિયા સામેલ છે.
'એક સભ્ય દેશ'ને વાંધો હતો
ભારત તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સભ્ય દેશોએ સાર્વભૌમત્વ, દરિયાઈ સુરક્ષા, નાગરિક માળખાગત સુવિધાઓની સુરક્ષા અને મધ્ય પૂર્વમાં સામાન્ય લોકોના જીવ બચાવવા જેવા મુદ્દાઓ પર 'પોતપોતાના દેશની સ્થિતિ સ્પષ્ટ કરી અને અલગ-અલગ મંતવ્યો શેર કર્યા.' નિવેદનમાં એક ફૂટનોટ પણ સામેલ કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે 'એક સભ્ય દેશ'ને ગાઝા અને લાલ સમુદ્ર તેમજ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટની સુરક્ષા સાથે સંબંધિત ભાગો પર વાંધો હતો.
ઈરાન અને યુએઈ વચ્ચે મતભેદ
ઈરાન યુદ્ધ દરમિયાન સભ્ય દેશો વચ્ચેના મતભેદો વધુ ખુલીને સામે આવ્યા છે, ખાસ કરીને ઈરાન અને યુએઈ (UAE) વચ્ચે. એવું માનવામાં આવે છે કે બંને દેશો વચ્ચેના મતભેદને કારણે બ્રિક્સ બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન જાહેર થઈ શક્યું નથી.
અમેરિકા અને ઈઝરાયલની ગેરકાયદે આક્રમકતાની નિંદા કરો: ઈરાન
ગઈકાલે ગુરુવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ બ્રિક્સ દેશોને અમેરિકા અને ઈઝરાયલની કથિત 'ગેરકાયદે આક્રમકતા'ની નિંદા કરવા અપીલ કરી હતી. તેમણે સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 'રાજકીય ઉપયોગ'નો વિરોધ કરવા પણ આગ્રહ કર્યો હતો.
ઈરાનના હુમલાઓમાં UAEને ભારે નુકસાન
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ હુમલા શરૂ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં ઈરાને ખાડીમાં સ્થિત અમેરિકન હિતોને નિશાન બનાવ્યા હતા. ઈરાનના હુમલામાં સૌથી વધુ યુએઈ પ્રભાવિત થયું હતું અને તેના ક્રૂડના ડેપો તથા નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું હતું.
યુએઈ ઈરાનથી નારાજ
ઈરાને યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને પણ બંધ કરી દીધું છે, જેના કારણે યુએઈ સહિત ખાડી દેશોનો તેલ અને ગેસ પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ તમામ કારણોસર યુએઈ ઈરાનથી નારાજ છે. આ દરમિયાન બુધવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે યુદ્ધની વચ્ચે તેઓ યુએઈના ગુપ્ત પ્રવાસે ગયા હતા. પ્રવાસ દરમિયાન તેમણે યુએઈના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાન સાથે મુલાકાત કરી હતી. જો કે યુએઈ દ્વારા નેતન્યાહૂના આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઈરાન ગુસ્સે ભરાયું હતું અને તેણે યુએઈ પર ઈઝરાયલ સાથે ગઠબંધનનો આરોપ લગાવ્યો હતો. બ્રિક્સ મીટિંગ માટે ભારત પહોંચેલા ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગુરુવારે કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધમાં યુએઈ પણ સામેલ છે.
બ્રિક્સની બેઠકમાં અરાઘચી અને યુએઈના વિદેશ રાજ્ય મંત્રી ખલીફા શાહીન અલ મરાર વચ્ચે તીખી દલીલો જોવા મળી હતી. અરાઘચીએ કહ્યું કે ઈરાન ગેરકાયદે યુદ્ધનો શિકાર બની રહ્યું છે. તેમણે બ્રિક્સ દેશોને અપીલ કરી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓના ઉલ્લંઘન બદલ અમેરિકા અને ઈઝરાયલની જાહેરમાં નિંદા કરે. બ્રિક્સે પશ્ચિમી દેશોના વર્ચસ્વ સામે ઊભા રહેવું જોઈએ. ત્યારબાદ જ્યારે યુએઈના મંત્રીના બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે ઈરાનનું નામ લઈને આરોપ લગાવ્યો કે તેણે પડોશી દેશો પર હુમલા કર્યા છે. જવાબમાં અરાઘચીએ આરોપ લગાવ્યો કે યુએઈએ ઈરાન વિરુદ્ધ હુમલા માટે અમેરિકાને પોતાની જમીનનો ઉપયોગ કરવા દીધો હતો. બંને દેશો વચ્ચેના તણાવની અસર બ્રિક્સની બેઠક પર પણ જોવા મળી હતી, જ્યાં કોઈ સંયુક્ત નિવેદન જાહેર થઈ શક્યું નહીં.


