World

7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં તારાજી! 38ના મોત, બે હજારથી વધુ લોકો બેઘર

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
ઇન્ડોનેશિયાના ફ્લોરેસ આઇલેન્ડના તટ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર એન્ડે શહેરથી 68 કિલોમીટર દૂર હતું. સવારે 05.58 વાગ્યે આવેલા આ ભૂકંપથી વ્યાપક નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સિક્કા, મંગ્ગારાઈ જેવા વિસ્તારોમાં ભૂસ્ખલન અને ઇમારતો ધરાશાયી થતાં 2000 લોકો વિસ્થાપિત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં તારાજી! 38ના મોત, બે હજારથી વધુ લોકો બેઘર

Indonesia Earthquake Flores Island : ઇન્ડોનેશિયાના ફ્લોરેસ આઈલેન્ડના તટ પર શનિવારે સવારે 7.7 ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 05.58 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો, જેનું કેન્દ્ર પૂર્વ નુસા તેંગારા પ્રાંતના એન્ડે શહેરથી 68 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં હતું. શરૂઆતી આંચકા બાદ અનેક આફ્ટરશૉક્સ પણ અનુભવાયા હતા.

વ્યાપક તબાહી અને ભૂસ્ખલનથી ભારે નુકસાન

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડાએ જણાવ્યું હતું કે બચાવકર્મીઓએ સિક્કા, મંગ્ગારાઈ અને પૂર્વ મંગ્ગારાઈ જેવા પ્રભાવિત વિસ્તારોમાંથી 38 શબ બહાર કાઢ્યા છે. જેમાં મંગ્ગારાઈના રેઓક ગામમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ને કારણે મૃત્યુ પામેલા 16 લોકો પણ સામેલ છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે અનેક ઈમારતો અને મકાનો ધરાશાયી થઈ ગયા હતા. પૂર્વ નુસા તેંગારાના પોલીસ પ્રમુખ રૂડી ડારમોકોના જણાવ્યા મુજબ, એન્ડે વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનના કારણે 'ટ્રાન્સ-ફ્લોરેસ હાઈવે' પણ બંધ થઈ ગયો છે, જે લાબુઆન બાજોથી લારંતુકા સુધી ફેલાયેલો છે. આ ઉપરાંત વીજળી ગૂલ થઈ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

2000 લોકો વિસ્થાપિત રાહત અને બચાવ કામગીરી ચાલુ

ભૂકંપ બાદ અધિકારીઓ દ્વારા શરૂઆતમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જેને બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. નાગેકેઓ વિસ્તારના લગભગ 2000 જેટલા ગ્રામીણ નાગરિકો પોતાના ઘર છોડીને સુરક્ષિત અસ્થાયી આશ્રયસ્થાનોમાં જતા રહ્યા છે. કટોકટી અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવા માટે ત્રણ હેલિકોપ્ટર અને એક બચાવ જહાજ તૈનાત કરવામાં આવ્યા છે. હજુ પણ અનેક ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પ્રશાસન દ્વારા નુકસાનનો આંકડો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.