World

VIDEO : જાપાનમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપ બાદ તબાહી, બીજા દિવસે પણ રેસ્ક્યૂ યથાવત્, 13 લોકોના મોત

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
જાપાનના ક્યૂશૂ ટાપુ પર 7.1ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં સૌથી વધુ અસર થઈ, જ્યાં મોલની બિલ્ડિંગ ધરાશાયી થતાં વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે, સેના પણ મદદ કરી રહી છે. 2.6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : જાપાનમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપ બાદ તબાહી, બીજા દિવસે પણ રેસ્ક્યૂ યથાવત્, 13 લોકોના મોત

Japan Earthquake : જાપાનના દક્ષિણ ટાપુ ક્યૂશૂમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા મોટી તબાહી સર્જાઈ છે. જાપાનના વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ કહ્યું કે, આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે એમ પણ કહ્યું કે, અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાના કારણે અનેક લોકો લાપતા થયા છે. અનેક વિસ્તારોમાં હજુ પણ મોટાપાયે રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ વિસ્ફોટ

રિપોર્ટ મુજબ ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં થઈ છે. અહીં એયોન મોલની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ભૂકંપ બાદ બિલ્ડિંગમાં ગેસ ગળતર થતા ભયાનક વિસ્ફોટ થયો હતો. કાટમાળમાંથી ચાર લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવાયા છે, જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.

વિશાળ ચીમની તૂટી, અનેક કર્મચારીઓ દબાયા

આ ઉપરાંત યાત્સુશિરોમાં એક ઈન્ડસ્ટ્રીમાં વિશાળ ચીમની તૂટી પડતા અનેક કર્મચારીઓ દબાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ કહ્યું કે, અહીં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આખા કુમામોતો અને આસપાસના વિસ્તારમાં 2.6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

જાપાને સુનામીનું એલર્ટ પરત ખેંચ્યું

ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જોકે હવે સ્થિતિનું આંકલન કર્યા બાદ જાપાનની હવામાન એજન્સીએ તે ચેતવણી પરત ખેંચી લીધી છે. જોકે આગામી બે-ત્રણ દિવસ સુધી આફ્ટરશોકની આશંકાના કારણે હજુ પણ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

3 પરમાણુ ઊર્જા પ્લાન્ટ સુરક્ષિત

વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ કહ્યું કે, અનેક રસ્તાઓ, પુલો અને બિલ્ડિંગોને નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અને આગ લાગવાના સમાચાર પણ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે, દેશના ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટને કોઈપણ નુકસાન થયું નથી. અનેક ઉદ્યોગો અને પરિવહન સેવાઓ પર પણ ભૂકંપની અસર પડી છે. ધરતી ધ્રૂજતા જ અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ કામકાજ તાત્કાલિક અટકાવી દીધું છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે સ્થિતિનો તાગ મેળવવાની સાથે રાહત કાર્યોમાં મદદ પહોંચાડવા માટે સેના તહેનાત કરી દીધી છે.